Tejashwi Yadav ઈડીની ઓફિસે પહોંચ્યા, EDએ તૈયાર કર્યું 60 પ્રશ્નોનું પ્રશ્નપત્ર
પટનાઃ બિહારમાં સત્તા પલટા સાથે જ ધમાસાણ ફરી શરૂ થયું છે. બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ ED ઓફિસ પહોંચ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તેને ઇડીના પ્રશ્નોનો સામનો કરવો પડશે. મળતી માહિતી અનુસાર તેની પૂછપરછ માટે 60 પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેજસ્વી યાદવની આ પૂછપરછ લેન્ડ ફોર જોબ કેસમાં થઈ રહી છે. આ માટે દિલ્હી અને પટનાના EDના અધિકારીઓ ED ઓફિસમાં હાજર છે. તેજસ્વી યાદવને પૂછવા માટે લગભગ 60 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે.
તેજસ્વી યાદવ જતા પહેલા ED ઓફિસ પાસે કાર્યકરોની ભારે ભીડ એકઠી થઈ હતી. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેજસ્વી યાદવે તેમને શાંત કર્યા અને ED ઓફિસમાં ગયા હતા. આ પહેલા પણ તેજસ્વી યાદવે કાર્યકર્તાઓને ED ઓફિસની સામે ભીડ ન જમાવવા તાકીદ કરી હતી. આ પહેલા 22 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીએ EDએ તેજસ્વીને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે બંને વખત ED સમક્ષ હાજર થયા ન હતા. અગાઉ, 11 એપ્રિલ, 2023 ના રોજ, EDએ આ મામલે તેજસ્વી યાદવની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યાના એક દિવસ બાદ જ EDએ તેજસ્વી યાદવને પૂછપરછની નોટિસ આપી છે. લેન્ડ ફોર જોબ કેસમાં EDએ 19 જાન્યુઆરીએ નોટિસ મોકલી હતી અને તેજસ્વી યાદવને 29 જાન્યુઆરીએ અને લાલુ યાદવને 30 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. સોમવારે લાલુ યાદવની ED દ્વારા લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.