આમચી મુંબઈમહારાષ્ટ્ર

અનામતના મુદ્દે મજબૂત કાયદો કરવા વિદ્વાનોએ સરકારને લખવું: જરાંગે-પાટીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે સોમવારે રાજ્યના વિદ્વાનોને એવી અપીલ કરી હતી કે તેમણે રાજ્ય સરકારને મરાઠા અનામતનો કાયદો મજબૂત બનાવવા માટે સૂચનો કરવા.

મહારાષ્ટ્ર સરકારે બધી માગણી સ્વીકારી લીધા બાદ શનિવારે મનોજ જરાંગે-પાટીલે એકનાથ શિંદેની હાજરીમાં ઉપવાસ આંદોલન પાછું ખેંચી લીધું હતું.

રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જરાંગે-પાટીલે એવી માગણી કરી હતી કે મરાઠા વ્યક્તિના લોહીના સંબંધોમાં આવતી વ્યક્તિને કુણબીનું પ્રમાણપત્ર આપવામાં આવે.

કુણબી, ખેતી કરનારી જાતી છે અને તેનો સમાવેશ ઓબીસી શ્રેણીમાં કરવામાં આવે છે. જરાંગે-પાટીલ ઑગસ્ટ મહિનાથી બધા જ મરાઠાને કુણબી પ્રમાણપત્ર આપવા માટે આંદોલન કરી રહ્યા છે.

સોમવારે રાયગઢ કિલ્લામાંથી નીકળીને પોતાના વતન જવા નીકળેલા જરાંગે પાટીલે કહ્યું હતું કે મરાઠા ક્વોટા અંગેનો કાયદો ઘડાઈ રહ્યો છે. લોકોને તેમના સૂચનો આગામી 15 દિવસમાં આપવાનું કહેવામાં આવ્યું છે. મરાઠા સમાજના વિદ્વાનોએ તેમના મંતવ્યો લખીને રાજ્ય સરકારને મોકલવા જોઈએ.

આનાથી મરાઠા અમાનતનો કાયદો મજબૂત બનશે. વિદ્વાનોએ તેમનો સમય સોશ્યલ મીડિયા પર લેખન કરવામાં ન બગાડવો જોઈએ, એને બદલે સરકારને લખી મોકલવા જોઈએ, એમ તેણે કહ્યું હતું.

અમે સરકારને અપીલ કરી છે કે 1884ના ગેઝેટને ધ્યાનમાં લેવું કેમ કે તેની પહેલાં જ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મરાઠવાડા વિસ્તારના લોકોને અનામત ચોક્કસ મળશે. તેમણે ચિંતામુક્ત થઈ જવું જોઈએ. કેટલાક ગામમાં અમને એવું જાણવા મળ્યું છે કે દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા છે. આથી અમે અપીલ કરીએ છીએ કે પાડોશના ગામમાં મળેલા દસ્તાવેજોને ધ્યાનમાં લેવામાં આવે.

તાલુકા સ્તરે કુણબી દસ્તાવેજો શોધવા માટે બનાવવામાં આવેલી સમિતિને કાર્યન્વિત કરવામાં આવે અને તેમણે પણ કામ કરવું જોઈએ, એમ પણ તેણે કહ્યું હતું.

બીજી તરફ ઓબીસી સમાજે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે વિધાનસભ્યો, સંસદસભ્યો અને તહેસીલદારોના સત્તાવાર નિવાસસ્થાનો અને કચેરીઓની બહાર પહેલી ફેબ્રુઆરીથી વિરોધ પ્રદર્શનો કરવાનું એલાન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button