નેશનલ

વિપક્ષી મહાગઠબંધનની પહેલી બેઠક બોલાવી અને…: ઠાકરે જૂથે નીતીશ કુમારની કરી ટીકા

મુંબઈ: બિહારમાં નીતીશ કુમારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.માંથી છૂટા પડતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)વાળી એનડીએ સરકારમાં જોડાતા રાજકીય તણાવનું નિર્માણ થયું છે. 2024ની લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા આ પ્રકારનું રાજકીય સંકટ વિપક્ષ પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધનમાં સર્જાતા શિવસેનાએ ‘સામના’માં લેખ લખીને નીતીશ કુમારની ટીકા કરી છે. નીતીશ કુમારે જ ભાજપ સામે લડવા માટે દરેક વિરોધી પક્ષોને એકત્રિત કરી I.N.D.I.A ગઠબંધનની પહેલી બેઠકનું આયોજન કર્યું હતું.

નીતીશ કુમારના આ નિર્ણયથી I.N.D.I.A. ગઠબંધનના નેતાઓમાં નારાજગી વધી છે. રવિવારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સંસદ સંજય રાઉતે પણ નીતીશ કુમારને ‘પલટુરામ’ કહી તેમની ટીકા કરી હતી અને ‘સામના’માં લખ્યું હતું કે I.N.D.I.A. એલાયન્સનું ગઠન કર્યા બાદ એવું જણાતું હતું કે નીતીશ કુમાર દેશનું નેતૃત્વ કરશે. વિપક્ષ પાર્ટીઓને એકસાથે લાવી નીતીશ કુમારે ભાજપની તાનાશાહી સામે લડવાનું બીડું ઊઠાવ્યું હતું.

લેખમાં વધુ લખવામાં આવ્યું હતું કે બિહારમાં ભાજપ વિરોધી તાકાતની પહેલી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું હતું કે દેશ અને દેશનું બંધારણ જોખમમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈડી (તપાસ યંત્રણા)નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આપણે બધા એ પોતાના મતભેદો ભૂલાવીને દેશના લોકતંત્રની રક્ષા માટે એક થવું જોઈએ. આ પ્રકારની મોટી મોટી વાતો નીતીશ કુમારે કરી હતી તેમ જ નીતીશ કુમારે બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીમાં પણ બેઠક યોજી હતી. નીતીશ કુમારની લડાઈ પહેલા ભાજપ માટે હતી પણ હવે તેમનું સમર્પણ બધાની સામે આવી ગયું છે અને તેમણે પક્ષ બદલી દીધો છે એવી ટીકા શિવસેનાએ સામનાના લેખમાં કરી છે.

રવિવારે નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાનના પદપરથી રાજીનામું આપી ભાજપ સાથે યુતિ કરીને નવમી વખત બિહારના સીએમ બન્યા હતા તેમ જ ગઇકાલે સાંજે પાંચ વાગ્યે તેમણે સીએમપદના શપથ પણ લીધા હતા. બિહારમાં સત્તાપલટો થતાં નીતીશ કુમાર મુખ્ય પ્રધાન, ભાજપના સમ્રાટ ચૌધરી અને ભાજપના વિજય સિન્હાએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button