ટોપ ન્યૂઝનેશનલ

‘મોદી સર’ના ક્લાસમાં થઇ Pariksha Pe Charcha, પીએમએ બાળકોને આપ્યો આ ગુરૂમંત્ર

આજે પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જીવનમાં પરીક્ષાઓ તો સતત આવતી જ રહેશે, તેનો કોઇ અંત નથી. આપણે સકારાત્મકતા અને આત્મવિશ્વાસપૂર્વક તેનો સામનો કરવો જોઇએ. દબાણનો પ્રતિકાર કરવા માટે જાતને સક્ષમ બનાવવી જોઇએ.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં માતાપિતાને પણ સલાહ આપી હતી કે બાળકોની તુલના કોઇની સાથે ન કરવી. માતાપિતા હંમેશા પોતાના બાળકોને અન્યોના બાળકોનું ઉદાહરણ આપીને દબાણ ઉભું કરે છે. ઘરના તમામ સભ્યો બાળકને દબાણ કરતા હોય છે, જે ન થવું જોઇએ. બાળકની સતત અન્ય સાથે તુલના થાય ત્યારે તેના મનમાં દ્વેષભાવ ઉત્પન્ન થાય છે. ઘણીવાર સમજના અભાવમાં આપણે ખોટું વર્તન કરતા હોઇએ છીએ. પરિવારના સભ્યોએ બાળક સાથે વાતચીત કરવી જોઇએ.


પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે હોશિયાર બાળકો સાથે મિત્રતા કરવી જોઇએ, તેમની ઇર્ષા ન કરવી જોઇએ પરંતુ તેમની પાસેથી શીખવું જોઇએ. ગણિતમાં જો કોઇ બાળક તેજસ્વી હોય તો તેની પાસેથી ગણિત શીખો, કોઇને ભાષામાં નિપુણતા હોય તો તેની પાસેથી ભાષા શીખો. મિત્રતા એવી કેળવો કે જે આખું જીવન ટકી રહે.


આ પછી પીએમ મોદીએ સંગીત શિક્ષકો વિશે જણાવ્યું હતું કે સંગીતના શિક્ષકો શાળાના બાળકોનો તણાવ દૂર કરી શકે છે. શિક્ષકો અને બાળકો વચ્ચે સુમેળભર્યો સંબંધ હોવો જોઇએ. શિક્ષકો જે વિષય ભણાવતા હોય તે સિવાયના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થવી જોઇએ. શિક્ષકનું કામ ફક્ત નોકરી કરવાનું નથી, બાળકોનું જીવન બદલવાનું છે.


આ સાથે જ પીએમ મોદીએ બાળકોને કહ્યું હતું કે સતત પુસ્તકોમાં ઘુસેલા રહેવું ન જોઇએ. ઘરથી લઇને પરીક્ષાના સ્થળ સુધી બાળકો સતત પુસ્તકોથી જ ઘેરાયેલા હોય છે. તેવું ન કરવું જોઇએ. તેનાથી તણાવ વધે છે. પરીક્ષાખંડમાં પહોંચ્યા પહેલા હળવા થઇ જવું જોઇએ, થોડીઘણી વાતચીત કરવી જોઇએ જેથી તણાવ ન રહે. પરીક્ષાખંડમાં પણ અનેક બાળકો પેપર વહેલું મળે તેવું ઇચ્છતા હોય છે. જો કોઇને વહેલા પેપર મળી જાય તો તેમની પાસે વધુ સમય રહેશે. આવી બધી બાબતોમાં ધ્યાન ભટકાવવું નહિ, શક્ય એટલું મગજ શાંત રાખવાનો પ્રયાસ કરવો. જ્યારે પ્રશ્નપત્ર મળે ત્યારે ગભરાવવું નહિ. શાંતિથી સવાલો વાંચવા અને જવાબ વિચાર્યા બાદ જ લખવાની શરૂઆત કરવી.


પીએમ મોદીએ બાળકોને કસરત કરવાની પણ સલાહ આપી હતી. જે રીતે આપણે મોબાઇલ રિચાર્જ કરીએ છીએ તે જ રીતે આપણું શરીર કસરત દ્વારા રિચાર્જ થાય છે. જીવનને સંતુલિત બનાવવા માટે શિક્ષણ સાથે ખેલકૂદ પણ અનિવાર્ય છે. સૂર્યપ્રકાશમાં ભણવાની જરૂર છે. સ્વસ્થ શરીર માટે ઉંઘ પણ જરૂરી છે.


સારી કારકિર્દી કેવીરીતે પસંદ કરવી તે વિશે માર્ગદર્શન આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે પોતાના પર ભરોસો રાખવો જોઇએ. પોતાની ઇચ્છાઓ પ્રત્યે જાગૃત રહેવું જોઇએ. અનિશ્ચિતતા અને અનિર્ણાયકતાથી જાતને બચાવવી. જો પોતાના સામર્થ્ય પર વિશ્વાસ હોય તો તમે કોઇપણ કારકિર્દી પસંદ કરી શકો છો. આજના સમયમાં બાળકો પાસે ઘણા વિકલ્પો છે. આ ઉપરાંત માતાપિતાએ પણ બાળકો પર વિશ્વાસ રાખવો જોઇએ. બાળકોને મહેણા-ટોણા મારવા ન જોઇએ. તેમને સમજવાના પ્રયત્નો કરવા જોઇએ.


સોશિયલ મીડિયા અંગે પીએમ મોદીએ બાળકોને સલાહ આપી હતી કે મોબાઇલ એ ફક્ત સોશિયલ મીડિયા માટે નથી, તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઇએ. કોઇપણ વસ્તુનો અતિરેક ટાળવો જોઇએ. બાળકોથી લઇને માતાપિતા સુધી તમામ લોકો મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં પરસ્પરનો વાર્તાલાપ બંધ થઇ ગયો છે. એક સામંજસ્ય બેસાડવાની જરૂર છે. એકબીજા સાથે સંવાદ કેવીરીતે કેળવી શકાય તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ટેકનોલોજી એ સમયની માગ છે પરંતુ સ્ક્રીનટાઇમનો પણ ખ્યાલ રાખવો જોઇએ.


આ સાથેજ વિદ્યાર્થીઓને સકારાત્મક વિચારશક્તિ કેળવવાની પીએમ મોદીએ અપીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે “જીવનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેમાં મેનેજ કરતા શીખવું પડે છે. ઓચિંતી મુશ્કેલીઓ કે જવાબદારી આવી પડે તો લોકો હતાશ થઇ જાય છે. એવા લોકો જીંદગીમાં કંઇ કરી શકતા નથી. મને જુઓ, પીએમને કેટલો સંઘર્ષ કરવો પડે છે, એક વડા પ્રધાનને કેટલી જવાબદારીઓ હોય છે તેનો તમને ખ્યાલ હશે જ. પરંતુ 140 કરોડ ભારતીયો મારી સાથે છે. 100 મિલિયન પડકારો છે તો બિલિયન ઉકેલો છે. મારા દેશના લોકો સામર્થ્યવાન છે. હું મારા દેશવાસીઓને મજબૂત કરી રહ્યો છું. તેઓ જેટલા સશક્ત હશે, મારું કામ એટલું જ સરળ રહેશે.” તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button