છત્તીસગઢમાં માતાએ દીકરાની હત્યા કરી, પતિ સાથે ઝગડાનો ગુસ્સો બાળક પર ઉતાર્યો
છત્તીસગઢના સુરગુજામાં કાળજું કંપાવી નાખે એવી ઘટના બની હતી. એક મહિલાએ પોતાના 8 મહિનાના માસૂમ બાળકની હત્યા કરી નાખી. પોલીસને આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના પતિને દારૂની લત હતી, આ બાબતે મહિલાને તેના પતિ વચ્ચે અવારનવાર ઝગડો થતો હતો. હાલ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહીને બેંગલુરુની એક ટેક કંપનીની મહિલા CEO સુચના સેઠે કથિત રીતે ગોવાની હોટલમાં દીકરાની હત્યા કરી હતી. આ ઘટનાને દેશભરમાં ચર્ચા જગાવી હતી. હવે આવો જ કિસ્સો છતીસગઢમાં બન્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ ઘટના સુરગુજાના કુન્ની પોલીસ સ્ટેશન વિસ્તારના સાકરિયા ગામમાં બની હતી. અહીં રહેતી ફૂલ કુમારી નામની મહિલાનો તેના પતિ પવન ચૌહાણની દારૂ પીવાની લત બાબતે અવારનવાર ઝગડો થતો હતો. બંનેને 8 માસનું બાળક પણ હતું. પતિ સાથે બાઈક પર થયેલા ઝગડાનો ગુસ્સો ફૂલકુમારીએ બાળક પર કાઢ્યો હતો. મહિલાએ પુત્રને છરીના ઘા મારીને હત્યા કરી હતી.
ઘરના લોકોએ આ જોયું તો હોબાળો મચી ગયો હતો. આજુબાજુના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાળકની હત્યાની માહિતી મળતા જ પોલીસ કુન્ની પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, તપાસ હાથ ધરી હતી. પોલીસે બાળકના મૃતદેહને પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી છે.