India-France: સેફ્રાન કંપની જેટ એન્જિનના માટે ભારતને ટેકનોલોજીકલ સહયોગ આપવા તૈયાર
નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના 75માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથી તરીકે ભારત આવ્યા છે. ત્યારે એક અખબારી અહેવાલ મુજબ ફ્રાન્સમાં ભારતના રાજદૂતે જણાવ્યું હતું કે સેફ્રાન ભારતમાં ફાઇટર જેટ એન્જિનના વિકાસ માટે સહયોગ આપવા અને ટેક્નોલોજી શેર કરવા ઇચ્છુક છે. સેફ્રાન વિશ્વની બીજી સૌથી મોટી એરક્રાફ્ટ ઇક્વિપમેન્ટ ઉત્પાદક છે. કંપની લેન્ડિંગ ગિયર, વ્હીલ્સ અને બ્રેક્સ, વાયરિંગ ઉપરાંત એરક્રાફ્ટ કી સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગઈકાલે રાત્રે જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ વચ્ચેની વાટાઘાટોના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે ભારત અને ફ્રાન્સે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીનો રોડમેપ તૈયાર કર્યો છે. મુખ્ય લશ્કરી હાર્ડવેર અને પ્લેટફોર્મના સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે ટેક્નોલોજીનું આદાન-પ્રદાન કરવામાં આવશે. અવકાશ, જમીન યુદ્ધ, સાયબરસ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજી સહયોગ કરવામાં આવશે.
આ કરાર સાથે સંરક્ષણ, પરમાણુ ઉર્જા અને અવકાશમાં સહયોગથી ફ્રાન્સ અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવાની 25 વર્ષની યોજનાનો ભાગ છે. વડા પ્રધાન મોદીને ગયા વર્ષે ફ્રાન્સમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ફ્રાન્સના નેવલ ગ્રૂપ પાસેથી સબમરીન અને ડસોલ્ટ એવિએશનના 26 મરીન રાફેલ ફાઇટર જેટ ખરીદવાની વાટાઘાટો કરવામાં આવી હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે જયપુર પહોંચ્યા હતા, તેમની સાથે એક હાઈ-પ્રોફાઇલ પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું હતું. જેમાં એરબસના સીઇઓ ગુઇલોમ ફૌરી, સેફ્રાન એસએના સીઇઓ ઓલિવિયર એન્ડ્રીસ અને EDF SA અને Dassault Aviation SAના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે.