મનોજ જરાંગે પાટીલને મનાવવાના પ્રયાસો નિષ્ફળ
આઝાદ મેદાનમાં આવીને બેસીશું, આરક્ષણ મળ્યા વગર પાછા નહીં ફરીએ: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમે હવે આરક્ષણ લીધા વગર પાછા ફરીશું નહીં. અમે આઝાદ મેદાનમાં જઈને બેસીશું, એવો મક્કમ નિર્ધાર મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે ગુરુવારે લોણાવલામાં વ્યક્ત કર્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા પરવાનગી નકારવામાં આવ્યા બાદ જરાંગે-પાટીલ કેવું વલણ અપનાવે છે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે આઝાદ મેદાનમાં વ્યાસપીઠ તૈયાર કરી નાખવામાં આવી છે અને ત્યાં જ જઈને આંદોલન કરીશું એમ તેમણે કહ્યું હતું.
મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે જનતાને કનડગત કરવામાં આવશે નહીં, તેઓ કામ કરી રહ્યા છે. આરક્ષણ અંગે માલિકોએ (મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન) ઉકેલ શોધી કાઢવો એવી અમારી માગણી છે. અમે સરકારને સહકાર કરવા માટે તૈયાર છીએ. અમે ઉકેલ શોધવા માટે પણ તૈયાર છીએ.
માલિક આવશે તો અમે ચર્ચા કરીશું, પરંતુ તેઓ ન આવે તો અમે કેવી રીતે ચાર્ચ કરી શકીએ. ‘સગાસંબંધી’ અંગેનો આદેશ કાઢ્યો કે? એવો સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે માગણીઓ પર હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમને પરવાનગી નકારવામાં આવી નથી. કોર્ટનો આદેશ છે એટલે સહી કરી આપી છે. જ્યાં સુધી આરક્ષણ નહીં મળે ત્યાં સુધી હવે પીછેહઠ કરીશું નહીં. અમે મુંબઈ જવાના જ છીએ. અમારી સાથે દગો ન થાય તે માટે સાવધ રહેવું સારું. આથી કોઈ તોફાન કરે તો પોલીસને સોંપી દેવો એવી સલાહ અમને આપવામાં આવી છે. અમારી માગણી ફક્ત એટલી જ છે કે માલિકોએ આવવું.
મનોજ જરાંગે-પાટીલને નોટિસ
મુંબઈ પોલીસ દ્વારા મનોજ જરાંગે પાટીલને નોટિસ મોકલવામાં આવી હતી. મુંબઈમાં થનારા તેમના આંદોલન બાબતે આ નોટિસ આપવામાં આવી છે. મરાઠા આંદોલનને કારણે મુંબઈના દૈનિક વાહન વ્યવહારમાં કોઈ પ્રકારનો અવરોધ ઊભો થવો જોઈએ નહીં એવું નોટિસમાં કહેવામાં આવ્યું છે. આંદોલનકારીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતાં મુંબઈમાં એકેય મેદાન આંદોલનકારીઓને સમાવી શકે એટલું મોટું નથી. આથી આંદોલન કરવા માટે ખારઘરના ઈન્ટરનેશનલ કોર્પોરેશન પાર્ક મેદાન સુયોગ્ય રહેશે એવું પણ પોલીસ દ્વારા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
આઝાદ મેદાનમાં નારિયેળ ફૂટ્યું
એક તરફ આઝાદ મેદાન પોલીસે પરવાનગી નકારી હોવા છતાં બીજી તરફ મરાઠા આંદોલનકારીઓ દ્વારા આઝાદ મેદાનમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મનોજ જરાંગે-પાટીલ 26 જાન્યુઆરીએ મુંબઈના આઝાદ મેદાનમાં દાખલ થવાના છે. અમે આ પહેલાં પણ પત્રવ્યવહાર કર્યો હતો. આઝાદ મેદાનની પરવાનગી પહેલાં જ માગી હતી. અમે સ્ટેજ બાંધવાનું કામ પણ શરૂ કરી દીધું છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન પણ આઝાદ મેદાનમાં જ કરીશું, એમ મરાઠા અનામત કાર્યકર્તા વીરેન્દ્ર પવારે કહ્યું હતું.