ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાને ભારત પર લગાવ્યો પોતાના નાગરિકોની હત્યાનો આરોપ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારત પર પોતાના 2 નાગરિકની હત્યાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના બંને નાગરિકોની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના તેની પાસે પુરાવા પણ છે. પાકિસ્તાની વિદેશ સચિવ સાયરસ કાઝીએ ઇસ્લામાબાદમાં એક સંમેલન દરમિયાન કહ્યું હતું કે આ ‘ભાડું આપવાના બદલામાં હત્યા’ નો કેસ છે.
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં હત્યા કરવા માટે વિદેશી ધરતી પર પ્રૌદ્યોગિકી અને સુરક્ષિત જગ્યાઓનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે અપરાધીઓ, આતંકવાદીઓ અને શંકાસ્પદ નાગરિકોની ભરતી કરી હતી. તેમને હત્યામાં ભૂમિકા ભજવવા બદલ પૈસા પણ ચૂકવ્યા હતા.
પાકિસ્તાની વિદેશ સચિવે ભારતીય મીડિયા સામે પણ ઝેર ઓક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હત્યા કરનારા લોકોની ભરતી કરી હતી. એ માટે ISIS ના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાઈનાન્સર, લોકેટરો અને હત્યારાઓની ટીમને ઓપરેશન માટે અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
પાકિસ્તાનમાં આવતા મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આ વખતે પણ પાકિસ્તાની મિડીયા ભારત સાથેની દુશ્મનીને ચૂંટણીનો મુદ્દો બનાવીને સત્તાકીય ફાયદો મેળવવાનો રસ્તો શોધી રહી છે. પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પણ ભારત સાથેના સંબંધોમાં સુધારા અંગે જડ વલણ જ અપનાવી રહ્યા છે.