નેશનલ

પ્રાણ પ્રતિષ્ઠા પર સમગ્ર વિશ્વની નજર, જાણો અમેરિકા, બ્રિટેન, સહિત શું કહે છે વર્લ્ડ મીડિયા?

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા વિશાળ રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂર્ણ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરી, જેના કારણે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. વિદેશમાં વસતા ભારતીયોમાં પણ દિવાળી જેવી ઉજવણી જોવા મળી રહી છે. વિદેશી મીડિયામાં પણ રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વિધિને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

US બ્રોડકાસ્ટર એનબીસી ન્યૂઝે લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું જે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ‘ધાર્મિક તણાવ’નું પ્રતીક બની ગયું છે. અયોધ્યામાં જે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તે મુખ્ય હિન્દુ દેવતા રામનું મંદિર છે. આ મંદિર 30 લાખની વસ્તી ધરાવતા શહેર અયોધ્યાને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

અમેરિકન એનજીઓ હિંદુઝ ફોર હ્યુમન રાઈટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુનીતા વિશ્વનાથને ટાંકીને અમેરિકન બ્રોડકાસ્ટરે લખ્યું છે કે ઉદ્ઘાટન સમારોહ એક ‘ચૂંટણીનો ખેલ’ છે અને ધર્મના નામે આવી વસ્તુઓ ન કરવી જોઈએ. જો કે, કાનૂની ફરિયાદના પગલે ભારતમાં ઓક્ટોબરમાં હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની જેમ, મોરેશિયસમાં, જ્યાં અડધી વસ્તી હિંદુ છે, હિંદુ સરકારી કર્મચારીઓને બે કલાકની રજા આપવામાં આવી છે જેથી તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના સાક્ષી બની શકે.

એબીસી ન્યૂઝે લખ્યું છે કે ભાજપ દાયકાઓથી મંદિર બનાવવાની હિમાયત કરી રહ્યું હતું અને તેનું ઉદ્ઘાટન હિન્દુ બહુમતી ભારતમાં મોદીની જીતની તરફેણ કરશે. એક અમેરિકન અખબારે તેના અહેવાલમાં લખ્યું છે કે દરરોજ લગભગ 2 લાખ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

સુનીતા વિશ્વનાથને ટાંકીને અમેરિકન અખબારે લખ્યું છે કે, ‘મોદી કોઈ પૂજારી નથી, તેથી રાજકીય લાભ માટે પોતે જ પવિત્ર વિધિ કરવી એ દરેક રીતે અનૈતિક અને ખોટું છે.’

UAEના અખબાર ગલ્ફ ન્યૂઝે તેના એક અહેવાલનું શીર્ષક આપ્યું છે – નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ભારત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

લંડન સ્થિત ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું છે કે, વડાપ્રધાન મોદીએ રામ મંદિરના ઉદ્ઘાટનને ઐતિહાસિક ક્ષણ ગણાવીને ભારતીયોને સોમવારે તેમના ઘરો અને નજીકના મંદિરોમાં દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવા વિનંતી કરી છે.

જ્યારે રાજનૈતિક વિવેચક પૃથ્વી દત્તા ચંદ્ર શોભીને ટાંકીને રોયટર્સે લખ્યું કે, ‘મંદિરનું ઉદ્ઘાટન કોઈ પણ ધાર્મિક તહેવાર કરતાં સામાન્ય ચૂંટણી પ્રચારની શરૂઆત જેવું લાગે છે. એવું લાગે છે કે વડાપ્રધાન એક રાજાની ભૂમિકામાં છે જે એક મોટી ધાર્મિક વિધિ કરી રહ્યા છે.

રોયટર્સે લખ્યું છે કે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહથી ભારતમાં રાજકીય વિવાદ પણ સર્જાયો છે કારણ કે કોંગ્રેસ સહિત ભારતના તમામ મુખ્ય વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ નકારી કાઢ્યું હતું. વિરોધ પક્ષોનું કહેવું છે કે ઉદ્ઘાટન સમારોહને રાજકીય, મોદી ઈવેન્ટ બનાવી દેવામાં આવ્યો છે.

બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસી વર્લ્ડે (BBC) લખ્યું છે કે આ મંદિર 16મી સદીમાં બનેલી મસ્જિદનું સ્થાન લેશે જેને 1992માં હિન્દુઓના ટોળાએ તોડી પાડ્યું હતું. મસ્જિદ તોડી પાડ્યા બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા હતા.

ભારતના ટોચના ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો મંદિરના ઉદ્ઘાટનમાં ભાગ લઈ રહ્યા છે, પરંતુ મોટા ભાગના વિરોધ પક્ષોએ તેનાથી દૂરી બનાવી લીધી છે. વિપક્ષનું કહેવું છે કે પીએમ મોદી પોતાના રાજકીય ફાયદા માટે રામ મંદિરના ઉદ્ઘાટનનો ઉપયોગ કરી રહ્યા છે.

બીબીસી વર્લ્ડે આગળ લખ્યું કે, ‘સમીક્ષકોએ સરકાર પર એવા દેશમાં ધાર્મિક તહેવાર ઉજવવાનો આરોપ પણ લગાવ્યો છે જે બંધારણ મુજબ ધર્મનિરપેક્ષ છે.’

રશિયન અખબાર રશિયા ટુડે (RT)એ તેના એક અહેવાલમાં લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી શહેરની કાયાપલટ થઈ ગઈ છે. અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, ‘હિંદુ ભગવાનનું જન્મસ્થળ ગણાતા અયોધ્યામાં હવે મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે અને જમીનના ભાવ આસમાને છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકારે નવી હોટલ બનાવવા માટે એક ડઝનથી વધુ પરમિટ જારી કરી છે અને લગભગ 4 બિલિયન ડોલર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાઈ ચૂક્યા છે.’

નેપાળના અગ્રણી અખબાર ‘ધ કાઠમંડુ પોસ્ટ’એ તેના એક અહેવાલમાં લખ્યું છે કે જે વ્યક્તિ મંદિરના ઉદ્ઘાટનમાં ભગવાન રામ કરતાં પણ વધુ લાઈમલાઈટ મેળવી રહી છે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે ધર્મનિરપેક્ષ લોકશાહીના વડાપ્રધાન છે.

કતાર સ્થિત ટીવી નેટવર્ક અલ જઝીરાએ એક અભિપ્રાય લેખમાં લખ્યું છે કે ‘ભારતની ધર્મનિરપેક્ષતા ભગવા રાજનીતિના પહાડ નીચે દટાઈ ગઈ છે.’ ભારતીય રાજકીય વિવેચક ઈન્સિયા વહનવતી દ્વારા લખવામાં આવેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ધર્મનિરપેક્ષ ભારતના વડાપ્રધાન માટે મંદિરનું ઉદ્ઘાટન કરવું અયોગ્ય છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘બાબરી મંદિરનો ધ્વંસ હજુ પણ મુસ્લિમો માટે દુઃખદાયક છે. આપણામાંના ઘણાને હજુ પણ યાદ છે જેઓ તોફાનોમાં મૃત્યુ પામ્યા હતા. રાજકીય વચનો આપવામાં આવ્યા હતા કે મસ્જિદ ફરીથી બનાવવામાં આવશે પરંતુ તે ક્યારેય બન્યું નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button