મનોજ જરાંગે-પાટીલને કારણે એકનાથ શિંદે નહીં જાય અયોધ્યા
વકીલ ગુણરત્ન સદાવર્તે જશે કોર્ટમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા આરક્ષણનો મુદ્દો અત્યારે ખાસ્સો ગરમ છે. મનોજ જરાંગે-પાટીલ પોતાના સેંકડો સમર્થકોની સાથે મુંબઈ આવવા માટે પદયાત્રા કરી રહ્યા છે અને તેને કારણે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અયોધ્યા જવાનું મોકૂફ રાખ્યું છે.
અત્યારે આખા દેશમાં રામમય વાતાવરણ બની ગયું છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ રાજ્યમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હોવાથી અને મનોજ જરાંગેની પદયાત્રા ચાલુ હોવાથી તેઓ અયોધ્યામાં જવાના નથી એવી જાણકારી મુખ્ય પ્રધાન દ્વારા આપવામાં આવી છે.
બીજી તરફ જાણીતા વકીલ ગુણરત્ન સદાવર્તેએ રવિવારે એવી માહિતી આપી હતી કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ મને પણ આપવામાં આવ્યું છે, પરંતુ મનોજ જરાંગે-પાટીલની ગુનેગારી સંદર્ભે સોમવારે સુનાવણી હોવાથી હું જઈ શકીશ નહીં, હું તુલસી માનસ વિદ્યામંદિરમાં જઈને રામ લલ્લાની પૂજા કરીશ.
મનોજ જરાંગે પાટીલ 28 જાન્યુઆરીએ મુંબઈ પહોંચે એવી શક્યતા છે. તે પહેલાં જ ગુણરત્ન સદાવર્તે તેમને કોર્ટમાં ખેંચે છે કે નહીં તે જોવાનું રહેશે.
કમ્યુનિસ્ટોએ સોમવારની રજાને હાઈકોર્ટમાં પડકારી
બીજી તરફ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે રાજ્ય સરકારે જાહેર કરેલી રજાને કમ્યુનિસ્ટ પાર્ટીના લોકોએ મુંબઈ હાઈકોર્ટમાં પડકારી હતી એવી માહિતી આપતાં સદાવર્તેએ કહ્યું હતું કે રામ મંદિર પ્રકરણમાં હું અને જયશ્રી પાટીલ વકીલ હતા અને કારસેવકોની બાજુ માંડી હતી.
આથી આ વખતે અમે કારસેવકો તરફથી ઊભા રહ્યા હતા અને કોર્ટે તેમની માગણી ફગાવી દીધી હતી. રાજ્ય સરકારે જે રજા જાહેર કરી હતી તેના પર કોઈ સ્થગિતી આપવામાં આવી નથી. રામ લલ્લાની પૂજા કરવા માટે બધાને રજા જાહેર કરવામાં આવી છે તેના પર હવે હાઈકોર્ટનો પણ થપ્પો લાગી ગયો છે.