વાહનો માટે વીઆઇપી નંબર મેળવવા ઇચ્છુક લોકો માટે આવ્યા સારા સમાચાર
મુંબઈ: વાહન માટે મનપસંદ નંબરવાળી નંબર પ્લેટ લગાવવા માટે લોકો હજારો અને લાખો રૂપિયા ખર્ચ કરે છે. હવે આરટીઓ દ્વારા વાહન પર મન પસંદ નંબરવાળી નંબર પ્લેટ લગાવવા ઇચ્છતા લોકો માટે એક સારા અને મહત્ત્વના સમાચાર આવ્યા છે.
વાહન માટે પોતાની પસંદગીની નંબર મેળવવા માટે વાહન માલિકોએ આરટીઓ ઓફિસમાં જઈને વાહન માટે પસંદગી કરી રકમની ચુકવણી કરવી પડે છે, પણ હવે આ પ્રક્રિયા પણ ઓનલાઇન શરૂ થવાની છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. જેથી હવે વાહન માલિકો આરટીઓનની વેબસાઇટ પર જઈને વાહનો માટે ગમતો નંબર માટે અરજી કરી શકશે.
પ્રાઇવેટ નંબર મેળવવા માટેની ઓનલાઇન પ્રોસેસ આવતા અઠવાડીયાથી શરૂ થવાની છે. આ મામલે એક આરટીઓ અધિકારીએ માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના આરટીઓ વિભાગમાં એક દિવસમાં આઠથી દસ હજાર જેટલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે અનેક વખત લોકો વાસ્તુ શાસ્ત્ર, પોતાનો લકી નંબર, પોતાની જન્મ તારીખ અથવા મનગમતો નંબર વાહનને આપવાની ઈચ્છા રાખે છે.
આવા નંબરમાં મોટે ભાગે 9, 99, 999, 9999, 786, 8055 આ પ્રકારના નંબરની માગણી સૌથી વધુ હોય છે. આ નંબર મેળવવા માટે લોકો 10થી 15 હજાર રૂપિયા પણ ચૂકવે છે.
વિશેષ નંબર મેળવવા માટે અનેક લોકો પ્રયત્ન કરે છે. આરટીઓ દ્વારા આ નંબર આપવા માટે એક હજારથી બાર લાખ રૂપિયા જેટલી ફી પણ લેવામાં આવે છે. પ્રાઈવેટ નંબર માટે લેવામાં આવતી ફીને લીધે આરટીઓ વિભાગને મોટી આવક મળે છે. જેથી આ આવકને વધરવા માટે આરટીઓ દ્વારા ઓનલાઇન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવવાની છે. આરટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રક્રિયાને લીધે લોકોને ઘરે બેસીને વીઆઇપી નંબર બુક કરવાની સુવિધા મળશે, એવી માહિતી આરટીઓ અધિકારીએ આપી હતી.