ગુજરાત વિધાનસભામાં નવો પ્રયોગ, 1300થી વધુ બાલિકાઓ કરશે વિધાનસભાનું સંચાલન
ગાંધીનગર: દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમવાર વિધાનસભાની સમગ્ર કામગીરીનું સંચાલન લગભગ 1 કલાક સુધી બાલિકાઓ વડે થશે.
કાર્યક્રમનું ઉદ્ધાટન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે જ્યારે મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુમતિબેન બાબરિયા પણ હાજર રહેશે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘તેજસ્વિની વિધાનસભા’ કાર્યક્રમનો હેતુ રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. બાલિકાઓ લોકતંત્રના મૂલ્યોને સમજે અને તેમનામાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં ધારાસભ્યોની જેમ જ બાલિકાઓ પ્રશ્નોત્તરી કરશે, ગૃહની સમગ્ર કામગીરીનું સંચાલન કરશે. ગુજરાતની અંદાજે 1300થી વધુ દિકરીઓ આ પહેલમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે.
તેજસ્વિની વિધાનસભા બાદ તેજસ્વિની પંચાયત પણ યોજવામાં આવશે જે જિલ્લા સ્તરની હશે. તેમાં પણ દિકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે. આ ઉપરાંત કોર્પોરેશનમાં પણ જનરલ બોર્ડનું સંચાલન પણ દિકરીઓ દ્વારા કરાવવાની સરકારની યોજના છે.