શક્તિપીઠ રાજ્યનો સૌથી લાંબો હાઈ-વે
નાગપુર-ગોવા હાઈ-વે હવે 760ને બદલે 805 કિલોમીટરનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ (એમએસઆરડીસી) દ્વારા નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈ-વેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેને પગલે હવે આ હાઈ-વે 760 કિલોમીટરને બદલે 805 કિલોમીટર લાંબો બનવાની શક્યતા છે. આ પ્રસ્તાવ હવે રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.
રાજ્યના માર્ગ પરિવહનને સક્ષમ બનાવવા માટે એમએસઆરડીસી 4,217 કિલોમીટર હાઈ-વેનું બાંધકામ કરી રહી છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અને મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવે આ જ પ્રોજેક્ટનો ભાગ છે. અત્યારે રાજ્યમાં સૌથી લાંબો એક્સપ્રેસ-વે મુંબઈ-નાગપુર છે જેની લંબાઈ 701 કિલોમીટર છે. હવે તેનાથી મોટો નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈવે તૈયાર થઈ રહ્યો છે. વિદર્ભ, મરાઠવાડા અને કોંકણના ધાર્મિક સ્થળોને જોડનારો આ મહામાર્ગ તૈયાર કરવાની યોજના છે. અત્યારે પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
શક્તિપીઠ હાઈવે વર્ધાના પવનારથી શરૂ થશે અને ગોવાના પત્રાદેવા ખાતે પૂરો થશે, જેમાં નાગપુર-વર્ધા સમૃદ્ધિ હાઈવેનો 80 કિલોમીટરનો તેમાં જ સમાવેશ થઈ જશે. વર્ધાની શક્તિપીઠથી શરૂ થઈને તે વર્ધા, યવતમાળ, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, લાતુર, ધારાશિવ, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ એમ કુલ બાર જિલ્લાઓને સાંકળી લેશે.
શરૂઆતમાં આ હાઈવે 760 કિલોમીટર લાંબો રહેવાનો અંદાજ હતો, પરંતુ પ્લાન તૈયાર કરતી વખતે કેટલીક બાબતોની ફેરગણતરી કરવામાં આવતાં પ્લાનિંગમાં 45 કિલોમીટરનો વધારો થયો છે અને તેથી આ હાઈવે હવે 805 કિલોમીટર લાંબો થશે. સુધારિત પ્લાનને મંજૂરી મળતાં આગળની કાર્યવાહી થશે. સમૃદ્ધિ હાઈવે કરતાં આ રોડ 100 કિલોમીટર વધુ લાંબો છે.