ભારતે ડીપ ફેકના ખતરા સામે જાગવું જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં સત્તામાં બેઠેલા લોકોમાં દીર્ઘદૃષ્ટિ નથી અને ભવિષ્યનું જોવાની ક્ષમતા નથી તેના કારણે કોઈ પણ સમસ્યા આવે પછી જ આપણે જાગીએ છીએ. મતલબ કે, આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસીએ છીએ ને ડીપ ફેકના મામલે એવું જ થયું છે. ડીપ ફેકનું ડીંડવાણું મહિનાઓથી ચાલે છે પણ આપણી સરકારે તેને રોકવા માટે કશું કરવા અંગે સળવળાટ જ નહોતો બતાવ્યો.
ગયા વર્ષે નવેમ્બરમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી ઝારા પટેલ નામની યુવતીના શરીર પર રશ્મિકાના ચહેરાને મોર્ફ કરી દેવામાં આવ્યો હતો. મતલબ કે, શરીર ઝારા પટેલનું અને ચહેરો રશ્મિકાનો હોય એ રીતે પરફેક્ટલી વીડિયો બનાવી દેવાયો હતો. ઝારા પટેલ અત્યંત ઉત્તેજક ડ્રેસમાં અંગપ્રદર્શન થાય એ રીતે લિફ્ટમાં ચડે છે એવા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવેલી. લાખો લોકોએ રશ્મિકાના આ નકલી વીડિયોને સાચો માની લીધેલો કારણ કે તેમાં રશ્મિકાના એક્સપ્રેશન એકદમ સાચુકલા લાગતા હતા.
રશ્મિકાનો વીડિયો વાઈરલ થયો ત્યારે કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે મોટા ઉપાડે ડીપફેક માટે નવા નિયમો બનાવવાની વાત કરેલી. વૈષ્ણવે ડહાપણ ડહોળેલું કે, ડીપફેક લોકશાહી માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ડીપફેકના જોખમ અને તેની ગંભીરતાને સ્વીકારે છે એ જોતાં ડીપફેકના સર્જકો અને તેને હોસ્ટ કરનાર પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમના માટે સજાની જોગવાઈ કરતા નિયમો બનાવવામાં આવશે.
આ વાતને ત્રણ મહિના થઈ ગયા પણ કોઈ નિયમો બન્યા નથી ને સરકાર વાતને સાવ ભૂલી જ ગયેલી. હવે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો એક ડીપ ફેક વીડિયો વાઈરલ થયો તેમાં તો સરકાર સફાળી જાગી છે.
આ વીડિયોમાં સચિન તેંડુલકરને ‘સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ’ ગેમિંગ એપને પ્રમોટ કરતા બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં સચિને દાવો કરેલો કે, મારી દીકરી સારા પણ આ ગેમ રમે છે અને દર કલાકે હજારો રૂપિયા કમાય છે એ જોતાં પૈસા કમાવવા હવે બહુ સરળ થઈ ગયા છે.
આ વીડિયો વાઈરલ થતાં જ મચેલા ખળભળાટને પગલે સચિને ચોખવટ કરવી પડી કે, આ વીડિયો ફેક છે અને લોકોને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે. હું ‘સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ’ ગેમિંગ એપ કે બીજી કોઈ એપને પ્રમોટ કરતો નથી ને મારી દીકરી કોઈ ગેમ રમીને કલાકના હજારો રૂપિયા કમાતી નથી તેથી આ બધી વાતોમાં આવવું નહીં.
સચિનના વીડિયોને પગલે સરકાર પણ સફાળી જાગી અને એલાન કરી નાંખ્યું કે, ડીપફેક અંગે નવા નિયમો આવી રહ્યા છે. કેન્દ્રીય ઈન્ફર્મેશન અને ટેકનોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એલાન કર્યું છે કે, પોતે ડીપફેક પર બે બેઠકો કરી છે અને આઈટીને લગતા નવા નિયમોમાં ખોટી માહિતી અને ડીપફેક માટેની સજાને પણ આવરી લેવાઈ છે. ચંદ્રશેખરે કરેલા એલાન પ્રમાણે આ નવા આઈટી નિયમો અંગે ૭-૮ દિવસમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
કેન્દ્ર સરકાર ખરેખર ડીપ ફેક અંગે નિયમો બનાવે છે કે નહીં એ ખબર નથી પણ આ ઘટનાના કારણે ડીપ ફેકનો ખતરો કેટલો મોટો છે તેનો ફરી લોકોને અહેસાસ થયો છે. કમનસીબે ભારતમાં ડીપ ફેક માટે કોઈ કાયદો કે નીતિ નથી. ડીપ ફેકને લગતા તમામ કેસો આઈટી એક્ટ હેઠળ નોંધાય છે. આવા વીડિયો કે માહિતી ફેલાવનાર વ્યક્તિને આઈટી એક્ટ હેઠળ ત્રણથી દસ વર્ષની જેલની સજા થઈ શકે છે પણ તેનો આધાર જજની મુનસફી પર હોય છે. ડીપ ફેકની વ્યખ્યાથી માંડીને ક્યા પ્રકારના ડીપ ફેક વીડિયો માટે શું સજા થઈ શકે તેની કોઈ જોગવાઈ નથી.
દુનિયામાં ટેકનોલોજી બદલાઈ રહી છે ને તેના કારણે અપરાધોની પરિભાષા પણ બદલાઈ રહી છે પણ આપણે નથી ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકતા કે નથી તેના દુરુપયોગને રોકવા માટે કશું કરી શકતા નથી. દુનિયાના બીજા દેશો આ વિશે ગંભીરતાથી વિચારે છે ને પગલાં ભરે છે ત્યારે આપણે સાવ ફાલતુ વાતોમાં અટવાયેલા છીએ.
યુરોપિયન યુનિયને ડીપ ફેક્સને રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્ટ હેઠળ કોડ ઓફ પ્રેક્ટિસ ઓન ડિસઇન્ફોર્મેશન નામે આચારસંહિતા લાગુ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમને રોકવાની જવાબદારી નાંખી દીધી છે. ગુગલ, મેટા, ટ્વિટર સહિતનાં મોટાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ કોડ સ્વીકારવાની ફરજ પાડીને યુરોપીયન યુનિયને તેના પર સહી કરાવડાવી છે. તેના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ટેક કંપનીઓએ ડીપ ફેક અને નકલી એકાઉન્ટ્સને રોકવા માટે કડક પગલાં લેવાં પડે. યુરોપીયન યુનિયને આ કોડનો અમલ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે. એ પછી આચારસંહિતા તોડવામાં આવશે કંપનીએ તેની વાર્ષિક વૈશ્ર્વિક આવકના છ ટકા દંડ ચૂકવવો પડશે.
અમેરિકામાં પણ ડીપ ફેક ટાસ્ક ફોર્સ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. ઘણાની ફરિયાદ છે કે, આ કાયદો યુરોપીયન યુનિયન જેટલો કડક નથી કેમ કે આ કાયદા હેઠળ ડીપ ફેક ટેક્નોલોજીનું વાર્ષિક વિશ્ર્લેષણ કરવામાં આવે છે. તેના આધારે કંપનીઓને દંડ થાય છે. અલબત્ત કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવાં સ્ટેટે પોતાના અલગ કાયદા બનાવ્યા છે તેથી અમેરિકામાં પણ ડીપ ફેક અંગે ચિંતા છે જ.
ભારતે પણ આ ચિંતા કરવી જોઈએ કેમ કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત ઝડપથી ઉભરી રહેલું અર્થતંત્ર હોવાથી ભારત પર દુનિયાની નજર છે. ભારત પાસે જંગી બજાર છે તેથી ભારતની ચૂંટણીમાં દુનિયાના ધનિક દેશોને રસ છે. આ સંજોગોમાં ચૂંટણીનાં પરિણામો પર અસર પાડવા માટે બહારનાં પરિબળ પણ ડીપ ફેક ટેકનોલોજીનો સહારો લઈ શકે છે કે જેથી પોતાને અનુકૂળ આવે એવી સરકારને કે નેતાઓને બેસાડી શકાય. આ સંજોગોમાં ચૂંટણીનો મતલબ જ ના રહે. ભારતની ચૂંટણી બહારનાં પરિબળોના ઈશારે ચાલતું નાટક બનીને રહી જાય. આ મોટો ખતરો છે ને તેને ટાળવા ભારતે ડીપ ફેક અંગે કાયદો બનાવવો જરૂરી છે.