ઈન્ટરવલ

આંખનું કાજળ ગાલે ઘસ્યું…!

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘ગિરધરભાઇ, આ સાંભળ્યું?’ રાજુ રદીએ અઘરી પહેલી પૂછી- જેને ધડ કે માથું નહીં- જેને હાથ કે પગ નહીં એવી વૈતાળ તો સારો કહેવાય. વૈતાળ શતપ્રતિશત અક્ષત લાઇવ મૃતદેહ હતો, જે બોલી શકતો હતો,હસી શકતો હતો. ગુજુ ગોરધનોને લગ્ન જીવનમાં આની જ છૂટ હોતી નથી!

રાજુ રદી હાથમાં તપેલી લઇને સવાર સવારમાં અમારા ઘરે પધારેલ. ખાંડ, ચા પતી, તેલ કે બેસન માગવા માટે…
‘રાજુ, તારા આવા સવાલ ક્યારે ખૂટશે?’

સવાર સવારમાં રાજુ જાણે વિપક્ષી નેતાની જેમ સનસનાટી સર્જવાની કોશિશ કરી રહ્યો હતો.

‘ગિરધરભાઇ, સમાચાર જ એવા છે કે તમારા પગ નીચેથી જમીન ખસી જશે!’ રાજુએે વાતમાં પાછું સસ્પેન્સનુ મોણ નાખ્યું.

‘રાજુ, એવું તો શું બન્યું? પેટ્રોલ ડિઝલ,ડુંગળી ,ડીઓ, બટેટા, ટમેટાંના ભાવોએ નવો કીર્તિમાન રચ્યો? આકાશ શબ્દ ઓછો પડે તેટલા ભાવ વધ્યા ? ભાવ વધે એ આશ્ર્ચર્ય ન કહેવાય. ગફલતથી ભાવ ઘટે તે અશ્ર્ચર્ય કહેવાય’ મેં રાજુને આશ્ર્ચર્ય કોને કહેવાય તેની સમજૂતી આપી.

‘ગિરધરભાઇ, તમે જેની કલ્પના કરેલ ન હોય તેની અછત કે દુષ્કાળ પડવાનો છે. હું તો કલ્પનામાત્રથી થરથરી ગયો છું’ રાજુએ પહેલી-ઉખાણું વધુ પ્રગાઢ કર્યું.

‘રાજુ, મને ખબર છે કે આજીવન વાંઢા માટે લગ્ન કરવા માટે યુવતી મળશે નહીં એટલે થરથરી ઊઠ્યો છે!’ રાજુને શાબ્દિક ચૂંટલી ખણી.

ગિરધરભાઇ, તમને મજાક સૂઝે છે. હવે મારે તમને કહેવું જ પડશે કે બરફનો દુકાળ આવવાનો છે. બરફની પાટ તો સમજ્યા, પરંતુ બરફની છીણ કે કરચ મળશે નહીં! પોલીસને ગુનેગારને બરફની પાટ પર શર્ટલેસ શરીરે સુવડાવી થર્ડ ડિગ્રીનું ટોર્ચર કરવા માટે પણ બરફ મળશે નહીં. મોર્ગમાં મડદા સાચવવા બરફ ક્યાંથી મળશે…હેં?’ રાજુએ પેપર ફોડ્યું .

‘રાજુ, ગિફટ સિટીમાં જઇ છાંટોપાણી કરી આવ્યો છે?ગઇ કાલે જ શહેરમાં કંતાનમાં વીંટેલ બરફના સફેદ ચોસલા જોયા હતા. મારા ફ્રિઝમાં બરફની ટ્રેમાં ભર શિયાળે બરફ પડ્યો છે તો પછી બરફની અછત કે દુષ્કાળની વાત ક્યાંથી આવી? તું તપેલી લઇને શું લેવા આવ્યો છે?’ મેં રાજુને પૂછ્યું.

‘ગિરધરભાઇ, હું બરફ લેવા આવ્યો છું.’ રાજુએ સ્પષ્ટતા કરી.

‘રાજુ, આ ભરશિયાળે બરફ લઇ જઇને શું કરીશ?’ ફ્રિઝમાંથી બરફ કાઢીને રાજુનું બરફપાત્ર ભરતા મેં સવાલ કર્યો.

‘ગિરધરભાઇ, આ બરફ થર્મોકોલના બોકસમાં સ્ટોર કરીશ. ઉનાળામાં કોલ્ડ ડ્રિંક, છાશ, શેરડીના રસમાં નાખી ચિલ્ડ પીણા પીશ. બરફનો ભૂકો કરી એસેન્સ નાખી બરફગોળો ચૂસીસ!’ રાજુએ ઉનાળાનો કાર્યક્રમ એડવાન્સમાં જાહેર કર્યો!

‘રાજુ, તને ખબર છે કે રોમનો કુખ્યાત સમ્રાટ નીરો દૂરના પહાડોમાંથી બરફ મેળવતો હતો. તે તેમાં બ્લૂબેરી જેવાં ફળો ઉમેરીને ખાતો હતો. માર્કો પોલો, તેરમી સદીમાં ચીનની પ્રસિદ્ધ યાત્રા પછી, ત્યાંથી ‘વોટર આઈસ’ માટેની રેસીપી પોતાની સાથે લાવ્યા હતા. મુઘલો અને અંગ્રેજો જામ અને શરાબના પાગલ હતા, પરંતુ ભારતમાં તેના માટે સૌથી મોટી સમસ્યા ત્યારે આવી જ્યારે તેના પીણામાં બરફના ટુકડાની જરૂર હતી. મોગલોના સમયમાં હિમાલયથી આગ્રા સુધી બરફ લાવવામાં આવતો હતો. બરફ ઓછો પીગળે તે માટે જ્યુટથી ઢાંકીને પાંદડાઓથી લપેટીને લવાતો હતો. મેં બરફનો ઇતિહાસ રજૂ કર્યો.

‘ગિરધરભાઇ અંગ્રેજોની બરફની માગ પૂરી કરવા માટે બોસ્ટોનિયન ઉદ્યોગપતિ ફ્રેડરિક ટ્યુડોરે એક ઉકેલ શોધી કાઢ્યો. ૧૮૩૩માં તેણે પોતાનું પ્રથમ બરફથી ભરેલું જહાજ કલકત્તા મોકલ્યું. તે મેસેચ્યુસેટ્સનાં તળાવોમાંથી ૧૮૦ ટન પ્રાચીન બરફથી ભરેલું હતું, લાકડાના વહેરથી લપેટાયેલું હતું અને ડબલ-પ્લેન્ક ક્ધટેનરમાં વહાણની પકડમાં મૂકવામાં આવ્યું હતું. મુંબઈમાં સન ૧૮૩૦થી ૧૮૭૦ના સમયમાં લક્ઝરી ચીજ તરીકે બરફની ખૂબ માગ હતી. આ માટે બરફની ન્યૂ ઇંગ્લેન્ડ અને ઉત્તર અમેરિકામાંથી’રાજુએ બરફયાત્રા વિશે ઠંડી ઠંડી વાત શેર કરી .

‘રાજુ,. બરફ બનાવવાનું મશીન ક્યારે શોધાયેલ?’ મેં રાજુને કેબીસી જેવો સવાલ પૂછ્યો.

‘ગિરધરભાઇ,ઓગણીસમી સદીમાં વેન પિયર્સ અને તેના સાથીઓએ ૧૪ માર્ચ, ૧૮૫૦માં રોજ બરફ બનાવતું મશીન બનાવ્યું હતું. જેમ્સ હેરિસને ૧૮૫૧માં પ્રથમ બરફ બનાવવાનું મશીન બનાવ્યું. મશીન બનાવવા માટે તેણે ether vapor compressionનો ઉપયોગ કર્યો.’ રાજુએ અમિતાભની જેમ કોમ્પ્યુટર મહાશય પાસેથી પૂરક વિગતો મેળવી શેર કરી.

‘રાજુ, તે શેના આધારે બરફનો દુકાળ પડવાનો છે તેવી ટીડા જોષી જેવી તિકડમ આગાહી કરી.’

‘ગિરધરભાઇ,બખડજંતર ચેનલમાં નોકરો કૂટો છો. છાપા બાપા વાંચો છો કે નહીં?’ રાજુએ મને પાણીથી પાતળો કરી નાખ્યો.

‘રાજુ, પેપરમાં શું સમાચાર આવ્યા છે? . જે પેપરમાં સમાચાર પ્રગટ થયા હોય તે પેપર લાવ.’ મેં રાજુ પાસે સોર્સ ઓફ ઇન્ફર્મેશન માગ્યા .

‘ગિરધરભાઉ, લો પેપરનું પંદરનું પાનું ,ડાબી બાજુ બરફનો દુકાળ, જૂની સમસ્યા, નવી ચિંતા….અમેરિકા યુરોપમાં બરફ પીગળી રહ્યો છે તેવા સમાચાર પ્રકાશિત થયા છે!’ રાજુએ મારા તરફ પેપર સરકાવ્યું. વિશ્ર્વ વિજેતા સિકંદરની અદાથી હું પરાજિત પોરસ રાજા હોય તેમ જોવા માંડ્યો.

‘રાજુ,આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ. કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.’ અખાના છપ્પા જેવું કર્યું ..છાપામાં જે બરફના સમાચાર છે તે બરફ ખાવાનો બરફ નથી. પરંતુ, સહેલાણીઓ બરફના ગોળા બનાવીને એકમેક પર ઉડાડે છે તે બરફની વાત છે.આ સમસ્યા અમેરિકા કે યુરોપની નથી. આપણે ત્યાં ઉતરાખંડ અને હિમાલયમાં બરફ વર્ષા થઇ નથી અને બરફ પિગળી રહ્યા છે એટલે બરફાચ્છાદિત પર્વત ગંજા માનવીના કેશલેસ મસ્તક સમાન લાગે છે તે ઇકોલોજીકલ,.એન્વાર્યમેન્ટલ સમસ્યાના સમાચાર છે!
‘હે હે હે…ખરેખર ?!’ કહીને રાજુ રદી બરફની પાટ જેવું મોઢું કરીને મારા ઘરેથી મુઠીઓ વાળીને નાસી છૂટ્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button