ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

૨૪ કલાકમાં ૧૬ સૂર્યોદય – ૧૬ સૂર્યાસ્ત
રાત રોમાંચક જ હોય અને ૩૧ ડિસેમ્બરની રાત તો ‘રોમાંચની રાણી’ તરીકે પ્રસિદ્ધ છે. આજના યંગસ્ટર્સ માટે આસો વદ અમાસ (દિવાળી) પછી કારતક સુદ એકમથી શરૂ થતા નવા વર્ષનું ખાસ મહત્ત્વ નથી રહ્યું. એમને ફર્સ્ટ જાન્યુઆરી પહેલાની મધરાતે ઉજવણીમાં રસ હોય. રાતના ૧૧ – ૫૯ પછીની ૬૦ સેક્ધડ દરમિયાન ઉત્સાહ, ઉત્સુકતા અને ઉમંગની ચરમસીમા હોય. ઘડિયાળના બે કાંટા ભેગા થાય અને ક્યાંક ગ્લાસ સાથે ગ્લાસ અથડાય તો ક્યાંક બે આંખો ચાર થાય તો ક્યાંક ૨ વત્તા ૨ બરાબર ૪ હોઠનું મિલન પણ થાય…!

જો કે, એ ક્ષણ ઓસરી ગયા પછી એવી બીજી ક્ષણની રાહ જોવા ૩૬૫ દિવસ – ૮૭૬૦ કલાક રાહ જોવાની- પણ હા, જો તમને કહેવામાં આવે કે દોઢ કલાકમાં તમે બે વાર ન્યૂ યર ઉજવી શકો તો? તો તમે પૂછશો કે શું એક પર એક ફ્રી સ્કીમ છે? હવે દિલ થામ કે બૈઠો, કારણ કે વાત જ એવી છે. યુએસ, રશિયા, યુરોપ, જાપાન અને કેનેડાના સહિયારા સાહસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર હાજર રહેલા અવકાશયાત્રીઓ દર વર્ષે ‘હેપ્પી ન્યુ યર’ની ઉજવણી બે -પાંચ – આઠ વાર નહીં, પણ પૂરા ૧૬ વખત કરી શકે છે. એની પાછળ લાગણી નહીં, પણ વિજ્ઞાન કામ કરે છે …સ્પેસ સ્ટેશન દોઢ કલાક (૯૦ મિનિટ)માં પૃથ્વીનું પરિભ્રમણ પૂરું કરે છે. એનો અર્થ એ થયો કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ૪૫ મિનિટનો ગાળો -અંતર હોય છે. પૃથ્વીનો એક દિવસ ૨૪ કલાક એટલે કે ૧૪૪૦ મિનિટનો હોય છે. આ ૧૪૪૦ ને ૯૦ વડે ભાગતા જવાબ ૧૬ આવે. એટલે કે ૯૦ મિનિટમાં સ્પેસ સ્ટેશન ૧૬ ભ્રમણકક્ષા પૂરી કરે અને એ દરમિયાન ૧૬ સૂર્યોદય અને ૧૬ સૂર્યાસ્ત જોવા મળે… . આમ એમને ન્યુ યર ૧૬ વખત આવે.

અત્યારમાં સ્પેસ સ્ટેશન પર ૭ અવકાશયાત્રી છે, જેમણે તાજેતરમાં દોઢ કલાકમાં ૧૬ વાર હેપ્પી ન્યૂ યર કરવાનો લાભ લીધો. એમને તો મૌજા હી મૌજા….

પાંચ વર્ષના મામાને ૭૫ વર્ષના ભાણિયાની ફિકર
ગૃહજીવનમાં ઉંદર ત્રાસદાયક પ્રાણી ભલે ગણાતું હોય, ભાવનીક જીવનમાં એને આદર સાથે ‘ઉંદરમામા’ કહીને સંબોધન કરવામાં આવે છે. અલબત્ત, મનુષ્યને આ મામા કંસ લાગે છે એ વાત જુદી છે. મનુષ્ય જીવનમાં અંધારું થવાની સાથે ઉંદરના મગજમાં બત્તી થાય છે અને એ ખાંખાંખોળાં કરવા નીકળે છે. જો કે, નજરે પડતા જ તેને ખતમ કરી નાખવા તલપાપડ દેખાતા મનુષ્યના હૃદયમાં મૂષક માટે દયાનો છાંટો પણ નથી હોતો. જો કે, અજબ દુનિયાની ગજબ ઘટનામાં (ઉંદર) મામાએ ભાણિયા (મનુષ્ય)ની દરકાર કરી હોય એવો જ્વલંત પ્રસંગ જાણવા મળ્યો છે.

યુકેનો હિસ્સો ગણાતા વેલ્સમાં ૭૫ વર્ષના ભાણિયા (મિસ્ટર રોડની હોલબ્રુક)ના વેરવિખેર પડેલા સામાનને ૫ વર્ષના નિશાચર મામા યથાસ્થાને મૂકી દે છે. આ સામાનમાં કપડાં સૂકવતી વખતે વપરાતી પિન, નટ – બોલ્ટ, સ્ક્રૂ, વાઈન બોટલના બૂચ, પ્લાસ્ટિકની નાની વસ્તુ વગેરેનો સમાવેશ થાય છે. રાતે અસ્તવ્યસ્ત રાખેલી વસ્તુઓ સવારે ગોઠવાઈ ગયેલી જોઈને અચરજમાં પડી ગયેલા ભાણિયા ભાઈએ ‘સેવક’ને પકડી પાડવા વીડિયો કેમેરા ગોઠવ્યો અને ખબર પડી કે આ તો મૂષક મામાનું ‘પરાક્રમ’ છે. એમાંય મામાએ ઉઠાવેલી જહેમત જોઈ ભાણિયા ભાઈ દંગ રહી ગયા છે.

હવે આ સેવા શ્રીમાન હોલબ્રુકને કોઠે પડી ગઈ છે .એ સૂતા પહેલા વેરવિખેર સામાનને સરખો કરી રાખવાની કોશિશ જ નથી રાખતા અને મહેરબાન મામાને ભરોસે ભાણિયાએ નિરાસ થવાની ફરિયાદ પણ નથી કરવી પડતી.

‘માસી’ માટે માનુનીઓની મથામણ
આપણી સંસ્કૃતિમાં માના ગુણગાન ગવાય છે, એને ઈશ્ર્વર સમકક્ષ દરજ્જો આપ્યો છે, ‘મા તે મા બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સુધ્ધાં છે. એની સાથે ‘મા કરતાં માસી વહાલી લાગે’ કે પછી ‘મા મરજો પણ માસી જીવજો’ જેવી કહેવતો પણ અસ્તિત્વ ધરાવે છે.

સિંગાપોરની શિસ્તબદ્ધ માનુનીઓ આ કહેવત જાણે છે કે નહીં, આપણે નથી જાણતા, પણ મીની માસી (બિલાડી) માટે અફાટ પ્રેમ – લાગણી ધરાવતી ભાણેજો કાયદો હાથમાં લઈ ફાયદો જોતા અચકાતી નથી. જો કે, ‘ચોરી માટેની શરમ’નું નિરાકરણ હાથવેંતમાં છે.

વાત એમ છે કે સિંગાપોરમાં છેલ્લાં ૩૪ વર્ષથી સરકારે બાંધેલા ઘરમાં બિલાડી રાખવા પર કાનૂની પ્રતિબંધ છે. જો કોઈના ઘરમાં મીની માસી પકડાઈ જાય તો ભાણેજને ૪૦૦૦ સિંગાપોર ડૉલર (આશરે અઢી લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવે અને માસીને ઘર ખાલી કરવાની નોટિસ મળી જાય. જો કે, કડક નિયમોના વાતાવરણમાં જીવતા સિંગાપોરવાસીઓ ચુઇંગ ગમના વેચાણ અને આયાતના પ્રતિબંધથી તો ટેવાઈ ગયા છે. હેરત પમાડે એવી વાત એ છે કે સરકારે બાંધેલા આવાસોમાં શ્ર્વાન રાખવા પર પ્રતિબંધ નથી. મીંદડી તો શ્ર્વાન કરતાં વધુ શાંત સ્વભાવની હોય છે. શ્ર્વાનને પરવાનગી તો બિલાડીની રવાનગી કેમ એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે. સરકારી પ્રતિબંધ હટવાની તૈયારીમાં છે અને એ જાણી ભાણેજો ગેલમાં આવી ગઈ છે.

શ્રદ્ધાને સાયન્સનો સથવારો
સમય અનુસાર વર્તન શાણપણનું લક્ષણ ગણાય છે. સમયનું મહત્ત્વ સમજાય એનો બેડો પાર થઈ જાય. એમાંય માઠા સમયને મહાત કરતા આવડ્યું તો સફળતા તમારું સરનામું શોધતી આવે. તમારી પરિસ્થિતિ તમારો સમય નક્કી કરે એ સૂક્ષ્મ અર્થ થયો અને ઘડિયાળના કાંટા સમયનું ભાન કરાવે એ સ્થૂળ અર્થ થયો.

ન્યૂઝીલેન્ડમાં મધદરિયે ફસાઈ ગયેલા એક આધેડ વયના પુરુષે સમય પારખી ઘડિયાળનો એવો ઉપયોગ કર્યો કે જીવ તાળવે ટિંગાયો હતો એ અવસ્થામાંથી જીવમાં જીવ આવી ગયો. યમરાજા દરવાજે બેલ રણકાવીને પાછા જતા રહ્યા.

બન્યું એવું કે ૬૧ વર્ષના વિલ ફ્રાન્સેન માછલી પકડવાનો શોખ પૂરો કરવા ૪૦ ફૂટની બોટમાં એકલા મધદરિયે ઊપડ્યા. માછલી પકડતા કોઈ ગફલત થઈ અને વિલ અંકલ તો ધુબાક કરી દરિયામાં પડ્યા. બોટ પર ચડી જવા એમણે કોશિશ કરી, પણ પાણીના મોજાએ માલિક અને બોટના છૂટાછેડા કરાવી દીધા. ૫૫ કિલોમીટર દૂર એક ટાપુ પર તરીને પહોંચવાના પ્રયત્નો કર્યા, પણ દરિયો એમને સમાવી લેવા જાણે કે થનગની રહ્યો હતો.

જો કે, આપણા અંકલ હિંમત ન હાર્યા. વચ્ચે એક વાર શાર્કનો સામનો થયો, પણ કોને ખબર કેમ તરત પાછી વળી ગઈ. અચાનક શ્રીમાન ફ્રાન્સેનના દિમાગમાં બત્તી થઈ અને એમણે પોતાની કાંડા ઘડિયાળના કાચ પર સૂર્ય કિરણ પડે એવી કોશિશ કરી. કિરણોનું પરાવર્તન થયું અને માછીમારી માટે નીકળેલા ત્રણ માછીમારની બાજ નજરે પાણીની સપાટી પર વિચિત્ર પ્રતિબિંબ જોયું. નક્કી કોઈ પાણીમાં ફસાયું છે એવું એમનું તારણ નીકળ્યું . વિલ ફ્રાન્સેનની આયુષ્ય રેખા પણ બળવાન નીકળી. પછી તો ફિશરમેનની ત્રિપુટી એમને ઉગારી લેવામાં

સફળ રહી.

થિયેટર એક ઔર આદમી દો…
જીવનમાં ક્યારેક એવું બનતું હોય છે કે નરી આંખે દેખાતા દ્રશ્ય વિશે જે કહેવામાં આવ્યું હોય એ સત્યથી વેગળું હોય અને હકીકત હોય એ કહેવામાં ન આવી હોય. એશિયાઈ દેશ મલેશિયામાં આ ઉક્તિને સમર્થન આપતી ઘટના બની છે.

આજકાલ સોશિયલ મીડિયાની બોલબાલા છે અને એમાં કોઈ પ્રોડક્ટ ખરીદવા કે સર્વિસનો ઉપયોગ કરવા આગ્રહપૂર્વક ભલામણ કરતા લોકો ‘ઈનફ્લુએન્સર’ તરીકે ઓળખાય છે. આવી એક ઈનફ્લુએન્સર દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકવામાં આવી હતી, જેમાં આખા થિયેટરમાં માત્ર બે જ પ્રેક્ષકો - ઈનફ્લુએન્સર અને તેનો પતિ - નજરે પડે છે. ફોટોગ્રાફ નીચે લખવામાં આવ્યું હતું કે પોતે મળતાવડી ન હોવાથી આખા થિયેટરની ટિકિટ ખરીદી જેથી ‘હૂતો ને હૂતી’ એકલા ફિલ્લમની મજા માણી શકે. આ પોસ્ટ વાઈરલ થઈ. જંગલની આગની જેમ એ ફેલાઈ ગઈ. ‘પૈસાનો દેખાડો’ જેવી અનેક પ્રકારની કોમેન્ટ આવી. જો કે, બે દિવસ પછી પસ્તાવો થયો હોય એમ શ્રીમતીજી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે ‘મેં તો મજાક કરી હતી.’ હકીકત એમ હતી કે દંપતી બે ટિકિટ ખરીદી થિયેટરમાં દાખલ થયું ત્યારે બંને ઉપરાંત ખાલીખમ ખુરશીઓ જ દેખાઈ રહી હતી. પરિસ્થિતિનો લાભ ઉઠાવી મોટો દાવો કરી દીધો, પણ પછી અંતરાત્મા ડંખ્યો હશે કે પછી... જે હોય તે. ટૂંકમાં

દેખાય અને વંચાય એ બધું માની નહીં લેવાનું.

લ્યો કરો વાત!
હાવડા બ્રિજ કલકત્તા અને ઔદ્યોગિક શહેર હાવડાને સાંકળે છે. શહેરનો નાગરિક આ સેતુને પ્રેમ અને ભવ્યતાનું પ્રતીક માને છે. હાવડામાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા બ્રિજની ગરજ ઊભી થઈ હતી અને એ બંધાયો ત્યારે ૧૫૨૮ ફૂટ લાંબો અને ૬૨ ફૂટ પહોળો હતો. એના બાંધકામમાં ૨૬૫૦૦ ટન સ્ટીલનો ઉપયોગ થયો હતો. ૧૯૪૨ના ડિસેમ્બરમાં કલકત્તા પર જપાને બોમ્બમારો કર્યો ત્યારે આ બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હતું અને આ બ્રિજનો ફિટ કરવા માટે પડેલો સ્ટીલનો એક હિસ્સો નાશ પામતા જરાક માટે બચી ગયો હતો. આ બોમ્બ આજની તારીખમાં પણ પોલીસ મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button