વ્યસનના અંધકાર સામે સમાજને બચાવવામાં સોનલ માતાનું ઘણું યોગદાન: પીએમ મોદી
જૂનાગઢ: પીએમ મોદીએ કહ્યું હતું કે “ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી એ સંતો અને વિભૂતિઓની ધરતી રહી છે. વ્યસનના અંધકાર સામે સમાજને બચાવવામાં સોનલ માતાએ ઘણું યોગદાન આપ્યું છે. તેમનું સમગ્ર જીવન જનકલ્યાણ માટે સમર્પિત રહ્યું છે.”
પીએમ મોદીએ ચારણ સમાજના આધ્યાત્મિક ગુરૂ આઇ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી સમારોહ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને સંબોધન કર્યું હતું. તેમજ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકી તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. હાલમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આઇ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે.
પીએમ મોદીએ આગળ સંબોધનમાં કહ્યું હતું કે મઢડા ધામ, ચારણ સમાજ માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, શક્તિનું કેન્દ્ર છે, સંસ્કાર તથા પરંપરાનું કેન્દ્ર છે. હું આઇના શ્રીચરણોમાં મારી ઉપસ્થિતિ દર્શાવી તેમને પ્રણામ કરું છું.”
“ગુજરાત અને સૌરાષ્ટ્રની આ ધરતી સંતો-મહંતો અને વિભૂતિઓની ધરતી છે. અનેક સંતો, મહાત્માઓએ અહીં માનવતાની સુવાસ પ્રસરાવી છે. સૌરાષ્ટ્રની સનાતન પરંપરામાં શ્રી સોનલ માતા આધુનિક યુગ માટે દીવાદાંડી સમાન હતા. તેમની આધ્યાત્મિક ઊર્જા, માનવીય શિક્ષણ, ઉંડી તપસ્યા વડે તેમના વ્યક્તિત્વમાં એક અદ્ભભૂત દૈવી આકર્ષણ ઉત્પન્ન થતું હતું. જેની અનુભૂતિ આજે પણ જૂનાગઢમાં અને મઢડાધામમાં થાય છે. સોનલમાંનું સમગ્ર જીવન જનકલ્યાણ માટે, દેશ અને ધર્મની સેવા માટે સમર્પિત રહ્યું. તેમણે ભગત બાપુ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ સહિતના સંતો સાથે કામ કર્યું.” તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.
ચારણ સમાજ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં ચારણ સમાજને શ્રીહરિના સંતાનો ગણાવવામાં આવ્યા છે. “વિશાળ ચારણ સાહિત્ય આજે પણ મહાન પરંપરાનું પ્રમાણ છે. દેશભક્તિના ગીતો હોય કે આધ્યાત્મિક ઉપદેશ હોય, ચારણ સાહિત્યએ સદીઓથી પોતાની ભૂમિકા ભજવી છે.”
આ પછી પીએમ મોદીએ તેમના સંબોધનમાં અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પણ ઉલ્લેખ કરી સૌરાષ્ટ્રવાસીઓને દરેક ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રજ્વલિત કરવાનું આહ્વાન કર્યું હતું.