હૂતી વિદ્રોહીઓ પર ત્રાટકી અમેરિકા અને બ્રિટનની સેના, જાણો કોણ છે આ હૂતીઓ અને ભારતને તેમનાથી શું જોખમ?
અમેરિકા અને બ્રિટનની સેના દ્વારા યમનમાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણાઓ પર હવાઇ હુમલા કરી તેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. નવેમ્બર મહિનાથી સતત જહાજોને નિશાન બનાવીને અવારનવાર હુમલા કરતા હૂતીઓને અમેરિકા અને બ્રિટને બરાબરનો જવાબ આપ્યો છે. ત્યારે જાણીએ કે આખરે આ હૂતીઓ છે કોણ અને આ સંગઠન શા માટે બનાવવામાં આવ્યું?
ઘણા વર્ષોથી ઈરાનના સમર્થનને પગલે હૂતી સંગઠન બળવત્તર બન્યું છે.
યમનના ઘણા મોટા વિસ્તારો પર હૂતી વિદ્રોહીઓએ કબજો કર્યો છે. ખાસ કરીને લાલ સમુદ્ર એ યુરોપને એશિયા અને પૂર્વ આફ્રિકા સાથે જોડતો સૌથી મહત્વનો જળમાર્ગ છે. હૂતી વિદ્રોહીઓના હુમલાને કારણે એશિયા-યુરોપ તથા આફ્રિકાના દેશોને વેપારમાં મોટાપાયે નુકસાન જઇ રહ્યું છે જેને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાયા છે.
વાત જ્યારે વિશ્વસ્તરે થતા વેપારની હોય તો તેમાં ભારતને પણ ઓછું જોખમ નથી. જે જહાજો પર હુમલા થયા છે તેમાંથી ઘણા જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ હોય છે જેઓ જીવના જોખમે યાત્રા કરી રહ્યા છે. ભારત જે દેશો સાથે વેપાર કરી રહ્યું છે તેને પણ હૂતીઓના હુમલાને કારણે આર્થિક ફટકો પહોંચે તેવી પૂરી શક્યતાઓ છે.
હૂતી વિદ્રોહીઓએ માગ કરી છે કે જ્યાં સુધી ઇઝરાયલ ગાઝા પર બોમ્બમારો તથા હમાસને ખતમ કરવાનું બંધ નહિ કરે ત્યાં સુધી તે જહાજો પર હુમલા કર્યા કરશે. હવે જ્યારે અમેરિકા અને બ્રિટને વળતો પ્રહાર કર્યો છે ત્યારે તેનો પણ બદલો લેવાની હૂતી વિદ્રોહીઓએ ચીમકી આપી છે.
હૂતી વિદ્રોહીઓ કાર્ગો જહાજો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે. જેને કારણે વિશ્વની ઘણી શિપિંગ કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ રૂટ ફેરવી નાખશે. હૂતીઓને જવાબ આપવાની કાર્યવાહીમાં અમેરિકા અને બ્રિટન સાથે યુકે, કૅનેડા, ફ્રાન્સ, બહેરિન, નોર્વે અને સ્પેન સહિતના દેશો પણ જોડાયા છે. વોશિંગ્ટને આ વેપારી જહાજો સામે ઑપરેશનના આયોજનમાં ઈરાનની “ઊંડી સંડોવણી” હોવાનો આરોપ મૂક્યો છે.
યમનના હથિયારધારી લોકોનું જૂથ ‘હૂતી’ નામથી ઓળખાય છે. તેઓ શિયા મુસ્લીમોની એક પેટા જ્ઞાતિ ઝૈદીઓમાંથી આવે છે. 1990ના દાયકામાં યમનના તત્કાલીન પ્રમુખ અલી અબ્દુલ્લા સાલેહના ભ્રષ્ટાચારને પડકારવાના હેતુસર આ જૂથની રચના કરવામાં આવી હતી. હુસૈન અલ હૂતી એ વ્યક્તિ હતો જેણે આ આખી ચળવળ શરૂ કરી હતી.
લેબેનોનના સશસ્ત્ર જૂથ ‘હિઝબુલ્લાહ’ જેવી જ તેમની કામગીરી છે. જે પ્રકારે તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સત્તા સ્થાપી દીધી એની જેમ જે હૂતીઓએ યમનમાં સત્તા સ્થાપી છે. વર્ષ 2015માં યમનના તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દ્રબુહ મનસૂર હાદr યમન છોડીને નાસી છુટ્યા હતા, એ પછી એપ્રિલ 2022માં તેમણે પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલને તેમની સત્તા સોંપી, જે હવે યમનની આધિકારિક સરકાર છે.
જો કે હૂતી સંગઠને ગૃહયુદ્ધ અને બળવાની સ્થિતિ પેદા કરી યમનના સ્થાનિક બળવાખોરોને સતત એકત્ર કરી સંગઠનના અનુયાયીઓ વધાર્યા અને હવે મોટાભાગના યમનના વિસ્તારો હૂતી સંગઠનના કબજામાં છે. હૂતી સંગઠનના કેટલાક લોકો ચલણી નોટો પણ છાપે છે અને કર પણ ઉઘરાવે છે.
મુખ્યત્વે ઝૈદી શિયાઓના હિત માટે લડવાના હેતુસર આ સંગઠનની સ્થાપના થઇ હતી જેણે 1962 સુધી યમન પર શાસન કર્યું હતું, જો કે ઝૈદી શિયાઓ યમનમાં લઘુમતીમાં છે. અલી અબદુલ્લા સાલેહના 1990થી 2012ના શાસન દરમિયાન યમનના ભારે હિંસાનો તથા ગૃહયુદ્ધનો માહોલ રહ્યો. અંતે વર્ષ 2017માં અલ સાલેહની હૂતી વિદ્રોહીઓએ હત્યા કરી નાખી હતી.
હૂતી સંગઠનનો હાલમાં જે સર્વેસર્વા નેતા છે તેનું નામ છે અબ્દુલ મલિક અલ-હૂતી. તે માંડ 40 વર્ષનો છે પરંતુ હજારો હૂતી વિદ્રોહીઓ તેના અનુયાયી છે. તેમની પાસે ડ્રોન હથિયારો, બેલેસ્ટિક મિસાઇલ સહિત અનેક શસ્ત્રો છે. અલ-હૂતી આજ સુધી ક્યારેય મીડિયાને મળ્યો નથી. તે જાહેરમાં ક્યારેય નીકળતો નથી.
તેમજ કોઇ જગ્યા પર જો રોકાવાનું થાય તો ઘણા ઓછા સમય માટે તે રોકાતો હોય છે. આ ઉપરાંત તે યમનની હાલની સરકારના અધિકારીઓને પણ મળતો નથી. યમનનું સના હૂતીઓનું ગઢ છે. સનામાં એક ગુપ્ત જગ્યા છે જ્યાંથી તે પોતાના અનુયાયીઓને સંબોધન કરતો હોય છે.