ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Taiwan Election 2024: ચીનના વધતા પ્રભાવ વચ્ચે તાઈવાનમાં રાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન, અમેરિકાની નજર

તાઈપેઈ: વિસ્તારવાદી વલણ ધરાવતા ચીનના વધતા જતા દબાણ વચ્ચે તાઈવાનમાં આજે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે, આજે બે કરોડથી વધુ લોકો મતદાન કરશે. મતદાન પહેલા, ચીને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેને ખતરનાક “અલગતાવાદી” ગણાવ્યા હતા અને મતદારોને ચેતવણી આપી કે જો તેઓ લશ્કરી સંઘર્ષ ટાળવા માંગતા હોય તો “યોગ્ય નેતાની પસંદગી” કરે. ઉલ્લેખનીય છે કે લાઈ ચિંગ-તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેમની ચૂંટણી જીતવાની પ્રબળ સંભાવના છે.

ચીન તેની મુખ્ય ભૂમિથી માત્ર 180-કિલોમીટર (110-માઇલ) દુર પ્રશાંત મહાસાગરમાં આવેલા સ્વાયત રાષ્ટ્ર તાઇવાન પર ચીન પોતાનો દાવો કરે છે. ચીન કહે છે કે તે તાઇવાનને પોતાના સાથે સમાવવા માટે શક્તિનો પ્રયોગ કરશે નહીં, પછી ભલે તેને કેટલી પણ રાહ જોવી પડે. આવી સ્થિતિમાં ચીન તાઈવાનની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી શકે છે. તાઈવાનમાં લગભગ 18,000 મતદાન મથકો પર સવારે 8:00 વાગ્યે (0000 GMT) મતદાન શરૂ થયું હતું, ચૂંટણીમાં લગભગ 2 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


2020માં તાઈવાનમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં લગભગ 75 ટકા મતદાન થયું હતું, પરંતુ વિશ્લેષકોનો અંદાજ છે કે આ વખતે આ આંકડો ઓછી હોઈ શકે છે. ચૂંટણીના પરિણામો શનિવારે સાંજે જાહેર થવાની ધારણા છે, બેઇજિંગથી વોશિંગ્ટન સુધી આ ચૂંટણીના પરિણામો પર નજર રાખવામાં આવશે કારણ કે બે મહાસત્તાઓ વ્યૂહાત્મક રીતે આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પ્રભાવ માટે સામ સામે છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP) ના નેતા લાઈએ પોતાને તાઈવાનની લોકશાહી જીવનશૈલીના રક્ષક તરીકે રજૂ કર્યા. તેમના મુખ્ય હરીફ, વિપક્ષ કુઓમિન્ટાંગ (KMT) ના હાઉ યુ-ઇહ ચીન સાથે સારા સંબંધોની તરફેણ કરે છે અને તાઇવાન “પહેલેથી જ સ્વતંત્ર” હોવાના તેમના વલણથી બેઇજિંગને નારાજ કરવાનો DPP પર આરોપ મૂકે છે.


રાષ્ટ્રપતિની સાથે, મતદારો તાઇવાનની 113-સીટની વિધાનસભા માટેના સભ્યોને પણ ચૂંટશે. તાઇવાન ચૂંટણીના 10 દિવસની અંદર મતદાનના પ્રકાશન પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ રાજકીય નિરીક્ષકો કહે છે કે લાઇ સૌથી વધુ બેઠક જીતશે તેવી અપેક્ષા છે, જો કે તેમની પાર્ટી તેની સંસદીય બહુમતી ગુમાવે તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button