ઓસમાણ મીરના ભજનને શેર કરી પીએમ મોદીએ શું લખ્યું?
અયોધ્યા રામ મંદિરને લગતા અનેક ભજનો ગાઇને દેશના ખ્યાતનામ ગાયકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, અગાઉ ગીતા રબારી અને સ્વાતિ મિશ્રાના ભજનની પ્રશંસા પીએમ મોદી કરી ચુક્યા છે, અને હવે ગુજરાતનાં બીજા ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા શ્રી રામ પર એક ભજન ગાયું હતું. જેને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું હતું. પીએમ મોદીએ ગાયક કલાકાર ઓસમાન મીરનાં વખાણ કરતા લખ્યું હતું કે, અયોધ્યા નગરીમાં શ્રી રામજીનાં આગમનને લઈ સૌ કોઈ ઉત્સાહીત છે. ઓસમાણ મીરનું આ ભજન સાંભળીને દિવ્ય અનુભૂતિ થશે..
લોકપ્રિય ગાયક કલાકાર ઓસમાણ મીરે ગત 8 જાન્યુઆરીનાં રોજ આ ગીત યુટ્યુબ પર શેર કર્યું હતું. જેને હજારો રામ ભક્તોએ સાંભળ્યું હતું. તેજ લોકોએ આ ગીતનાં વખાણ પણ કર્યા હતા.
તેમની પહેલા ગીતા રબારીએ ‘રામ ઘર આયે’ ગીત બનાવી પ્રભુ શ્રીરામ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ દર્શાવી હતી. પીએમ મોદીએ તેને શેર કરતા લખ્યું હતું કે “અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની આતુરતાનો અંત આવવાનો છે. તેમના સ્વાગત અર્થે બનેલું ગીતાબેન રબારીનું આ ભજન ખૂબ જ ભાવુક છે.”
ઓસમાણ મીર અને ગીતા રબારી બંને જાણીતા ગુજરાતી લોક ગાયક છે. બંનેમાં સામ્ય એ છે કે તેઓ બંને કચ્છના છે. ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા અને તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી. તેઓ સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામલીલાના શીર્ષક ગીત ‘મોર બની થનગાટ કરે’ ગાયનથી જાણીતા બન્યા હતા. ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપેલી હતી.