ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬.૦૩ કરોડની ચોખ્ખી લેવાલી નીકળી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ના મથાળે બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૦૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૩ અને ઉપરમાં ૮૩.૦૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૭ ટકા વધીને ૧૦૨.૧૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૧.૫૦ ટકા વધીને બેરલદીઠ ૭૭.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૦.૯૯ પૉઈન્ટનો અને ૩૧.૮૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.