મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં ૬૫.૮ ટકા પાણીનો સ્ટોક
…તો Aપાણીકાપ અમલમાં મુકાશે
મુંબઈને પાણી પૂરુંં પાડતા સાત તળાવોમાં પાણીનો સ્ટોક શુક્રવારે તેમની કુલ ક્ષમતાના ૬૫.૮ ટકા પર પહોંચ્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. જોકે, શહેરમાં ટૂંક સમયમાં પાણી કાપ થવાની શક્યતા નથી કારણ કે એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ ખાતરી આપી હતી કે હાલમાં તળાવોમાં ૧૫ જુલાઈ સુધી પાણી પુરવઠો પૂરો પાડવા માટે પૂરતો સ્ટોક છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે તળાવનું સ્તર નીચું છે કારણ કે છેલ્લા બે વર્ષથી વિપરીત ઑક્ટોબરમાં વરસાદ પડ્યો નથી. આ સીઝનમાં ચોમાસાની મોડી શરૂઆતને પગલે, મુંબઈમાં ચોમાસું વહેલું પાછું ખેંચાયું હતું જે પાછું ખેંચવાની સત્તાવાર તારીખના ચાર દિવસ પહેલાં સાત ઑક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગ, મુંબઈના વરિષ્ઠ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, પાછી ખેંચવાની સત્તાવાર તારીખ ૧૦ ઑક્ટોબર છે. મોડું શરૂ થવા અને વહેલું પૂરું થવા છતાં, ચોમાસાના સારા વરસાદને કારણે, તળાવનું સ્તર બીજી ઑક્ટોબર સુધીમાં ૯૯.૨૪ ટકાને સ્પર્શ્યું હતું. શુક્રવારે પાણીનો સ્ટોક કુલ ક્ષમતાના ૬૫.૮ ટકા હતો, જ્યારે ગયા વર્ષે તે જ દિવસે તળાવનું સ્તર ૭૦.૯ ટકા હતું. ૨૦૨૨માં સ્ટોક ૭૨.૪૬ ટકા રહ્યો હતો. “ત્રણ મહિના પછી, બાષ્પીભવનના દરને ધ્યાનમાં રાખીને, જો જરૂર પડશે તો પાણી કાપ લાદવાનો નિર્ણય લેવાશે. તદનુસાર, અમે ભાતસા અને અપર વૈતરણામાંથી કાઢવામાં આવેલા રિઝર્વ સ્ટોકમાંથી પાણી મેળવવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવીશું, એમ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી. વેલરાસુએ જણાવ્યું. મુંબઈ તેના વાર્ષિક પાણી પુરવઠા માટે ચોમાસાના વરસાદ પર નિર્ભર છે અને શહેર તેનો દૈનિક પાણી પુરવઠો તાનસા, ભાતસા, મોડક સાગર, તુલસી, વિહાર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણા જેવા સાત તળાવોમાંથી મેળવે છે. ચોમાસા દરમિયાન આ સરોવરોનાં કેચમેન્ટ વિસ્તારો ભરાઈ જાય છે, જેના પગલે સમગ્ર વર્ષ દરમિયાન પાઈપલાઈનનાં નેટવર્ક દ્વારા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે.