શું ભારત ખરેખર એક શાકાહારી દેશ છે? કેટલા ભારતીયો ખાય છે નોનવેજ?
શું ભારતમાં લોકો ખરેખર શાકાહારી છે? ફક્ત દેશના લોકો જ નહિ, દુનિયાના તમામ લોકોમાં આ ધારણા પ્રચલિત છે કે ભારતની પ્રજા એક શાકાહારી પ્રજા છે અને અહીં માંસાહાર કરતા શાકાહારને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે આ વાત સંપૂર્ણપણે સત્ય નથી.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ 57.3 ટકા પુરુષો અને 45.1 ટકા મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ચિકન, માછલી સહિત અન્ય નોનવેજ વાનગીઓનો આનંદ ઉઠાવે છે. શહેરી ક્ષેત્રોમાં લગભગ 60 ટકા પુરુષો અને 50.8 ટકા મહિલાઓ અઠવાડિયામાં એકવાર કોઇને કોઇ પ્રકારે નોનવેજ ખાય જ છે.
ધાર્મિક તુલનાઓ વિશે જોઇએ તો કોઇપણ ધર્મની તુલનામાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો માંસાહારનું સેવન વધુ પ્રમાણમાં કરે છે. લગભગ 80 ટકા ખ્રિસ્તી પુરુષો અને 78 ટકા ખ્રિસ્તી મહિલાઓ અઠવાડિયામાં એકવાર માંસાહાર કરતા જ હોય છે. જેની તુલનામાં ફક્ત 79.5 ટકા તેમજ 70.2 ટકા મુસ્લિમ પુરુષો અને મહિલાઓ અને 52.5 ટકા હિંદુ પુરુષો અને 40.7 ટકા હિંદુ મહિલાઓ માંસાહારી ભોજન ખાય છે.
માંસાહાર કરનારા લોકોની સૌથી વધુ વસ્તી પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં છે. ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં 80 ટકાથી વધુ પુરુષો કમ સે કમ એકવાર માછલી, ચિકન કે પછી અન્ય સી ફૂડનું સેવન કરતા હોય છે. જ્યારે મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, ઓરિસ્સા અને તમિલનાડુમાં 50 ટકાથી વધુ પુરુષો માંસાહારી ભોજન માણે છે.
આ ઉપરાંત ભારત માંસની મોટાપાયે નિકાસ પણ કરે છે. કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદન વિકાસ પ્રાધિકરણના જણાવ્યા અનુસાર ભારતથી ભેંસનું માંસ 71 દેશોમાં એક્સપોર્ટ થાય છે. વર્ષ 2023માં 25, 648 કરોડ રૂપિયાના ભેંસના માંસની નિકાસ કરવામાં આવી, વર્ષ 2012માં આ આંક 13, 757 કરોડ રૂપિયાનો હતો. મોટાભાગે ગલ્ફના દેશોમાં મટનની નિકાસ કરવામાં આવે છે.