ટેન્શન વધ્યું! મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાથી બેના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં શનિવારના કોરોનાના ૧૫૪ નવા દર્દી નોંધાયા હતા, તેની સામે ૧૭૨ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા હતા, જેમાં એક દર્દી મુંબઈનો છે. મુંબઈમાં દિવસ દરમિયાન કોરોનાના ૨૧ નવા દર્દી નોંધાયા હતા.
રાજ્યમાં શનિવારના દિવસ દરમિયાન કોરોનાના ૧૪,૭૯૦ કોરોનાના ટેસ્ટ થયા હતા. દિવસનો પોઝિટિવિટી રેટ ૧.૦૪ ટકાર હ્યો હતો. હાલ રાજ્યમા કોરોનાના નવા વેરિયન્ટ જેએન.એકના ૧૬૯ દર્દી છે, જેમાં સૌથી વધુ દર્દી પુણેમાં છે. પુણેમાં હાલ જેએન.એક વેરિયન્ટના ૯૧, નાગપૂરમાં ૩૦, થાણેમાં પાંચ, બીડમાં ૩, અહમદનગરમાં બે, નાંદેડમાં બે, કોલ્હાપૂરમાં એક, અકોલા, સિંધુદુર્ગ, નાશિક, સાતારા, સોલાપૂરમાં એક-એક કેસ નોંધાયો છે.
શુક્રવાર, પાંચ જાન્યુઆરી, ૨૦૨૪ જીનોમ સિક્વેન્સિંગ મળેલા અહેવાલ અનુસાર ૨૫ ડિસેમ્બર, ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન કરેલવામાં આવેલી આરટીપીસીઆર કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવતા નવા ૨૯ દર્દી જે.એન.૧ વેરિયન્ટના મળી આવ્યા હતા.
મુંબઈમાં શનિવારે કોરોનાના કુલ ૨૧ નવા કેસ નોંધાયા હતા, તેની સામે ૩૨ દર્દી કોરોનાથી સાજા થયા હતા. દિવસ દરમિયાન કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું હતું. શનિવારે નોંધાયેલું મૃત્યુ એ છેલ્લા સવા મહિના બાદ પહેલી વખત નોંધાયું હતું. સદ્નસીબે મુંબઈમાં હજી સુધી જેએન-૧નો એક પણ કેસ નોંધાયો નથી.
પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધી કોરોનાને કારણે ૧૪૧ દર્દીના મૃત્યુ થયા છે, તેમાંથી ૭૦.૯૨ ટકા ૬૦ વર્ષની ઉપરના દર્દી હતા. શુક્રવાર સુધી રાજ્યમાં કોરોનાના સક્રિય દર્દીનો આંકડો ૯૩૧ હતો. હાલ ૮૯૪ દર્દી આઈસોલેશનમાં છે. તો ૩૭ દર્દી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.