ISROને મળી મોટી સફળતા, આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ લેગ્રેન્જ પોઇન્ટ પર પહોંચ્યું
નવા વર્ષે ISROએ ઇતિહાસ રચ્યો છે. સૂર્ય વિશે સંશોધન કરી શકાય એ માટે લોન્ચ થયેલા આદિત્ય L1 મિશનમાં અભૂતપૂર્વ સફળતા મેળવતા લેગ્રેન્જ પોઇન્ટ પર સેટેલાઇટ પહોંચી ગયો છે. આ એવો પોઇન્ટ છે કે જ્યાંથી ઇસરો ધરતીથી 15 લાખ કિમી દૂર રહેલા સૂર્યનું સતત પાંચ વર્ષ સુધી નિરીક્ષણ કરી શકશે.
2 ડિસેમ્બર 2023ના રોજ શરૂ થયેલી આદિત્ય મિશનની આ યાત્રા પાંચ મહિના બાદ તેના ગંતવ્ય સ્થાને પહોંચી છે. 6 જાન્યુઆરીની સાંજે સેટેલાઇટ પોઇન્ટ L1 પર પહોંચી સોલર હેલો ઓર્બિટમાં તે તૈનાત થઇ ચુક્યું છે. સૌરમંડળના સૌથી મોટા સભ્યનું એટલે કે સૂર્યનું અવલોકન કરવા માટે લૉન્ચ કરેલા ઇસરોના આ મિશનનું નામ સૂર્યના પુત્ર અને હિન્દુ દેવ આદિત્ય પરથી રાખવામાં આવ્યું છે. એલ-1 એટલે લેગ્રેન્જ બિંદુ 1 જે સૂર્ય અને પૃથ્વી વચ્ચે રહેલું એવું બિંદુ જ્યાં આ અવકાશયાન જઈ રહ્યું છે.
આ મિશન દ્વારા સૂર્ય પર થતી તમામ ગતિવિધિઓ અને તેની પૃથ્વી પર પડતી અસરોનો અભ્યાસ કરી શકાશે. કુલ 400 કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવ્યા છે. જેમાં સૂર્યમાંથી નીકળતી ગરમી, ઉર્જાનો અખંડ પ્રવાહ, સૌર લહેરોની વાયુમંડળ પર થતી અસરો, સૌર હવાઓનું વિભાજન અને તાપમાનનો અભ્યાસ વગેરે થશે.
પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને ISROને અભિનંદન પાઠવ્યા હતા.
આપણા સૌરમંડળને સૂર્યમાંથી જ ઉર્જા મળે છે. સૂર્યની ઉંમર લગભગ 450 કરોડ વર્ષ માનવામાં આવે છે. સૌર ઉર્જા વગર ધરતી પરનું જીવન શક્ય નથી. સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે સૌર મંડળમાં તમામ ગ્રહો ટક્યા છે. ન્યુક્લિયર ફ્યુઝન સૂર્યના કેન્દ્રમાં એટલે કે કોરમાં થાય છે. તેથી જ સૂર્ય ચારે બાજુ આગ ફેલાવતો દેખાય છે.
સૂર્યના કારણે પૃથ્વી પર રેડિયેશન, ગરમી, ચુંબકીય ક્ષેત્રો અને ચાર્જ થયેલા કણોનો સતત પ્રવાહ રહે છે. આ પ્રવાહને સૌર પવન કહેવામાં આવે છે. સૌર ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. જે ખૂબ જ વિસ્ફોટક હોય છે. સૂર્યમાંથી નીકળતો પ્રકાશ, ઉર્જાના કણો તેમજ ચુંબકીય ક્ષેત્રોનો વિસ્ફોટ ઇલેક્ટ્રોનિક વસ્તુઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.
વર્ષ 1859માં પૃથ્વી પર સોલર ફેલ્યર ટકરાયા હતા. એ પછી તે સમયે શોધાયેલી ટેલિગ્રાફ તથા અન્ય કમ્યુનિકેશન સીસ્ટમ્સને અસર પહોંચી હતી. આથી ઇસરો સૂર્યને સમજવા માગે છે જો સોલર ફેલ્યર વિશે વધુ સમજ હોય તો તેના ઉકેલ માટે પગલા ભરી શકાય છે.