મુંબઈ, પુણે અને કાનપુરની મસ્જિદોમાંથી મોબાઇલ-રોકડ ચોરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, પુણે અને કાનપુરમાં મસ્જિદોમાં વહેલી સવારે પ્રવેશ્યા બાદ મૌલાના-ઇમામના પૈસા અને મોબાઇલ ચોરનારા યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસતી પકડી પાડ્યો હતો. યુવકની ઓળખ મોહંમદ અઝીમ આલમ શેખ (29) તરીકે થઇ હોઇ તેને કાનપુરનો રહેવાસી છે. તેની પાસેથી ચોરીના સાત મોબાઇલ જપ્ત કરાયા હતા.
ધારાવી વિસ્તારમાં ચાર અલગ અલગ મસ્જિદોમાં મૌલાના-ઇમામના મોબાઇલ અને રોકડ ચોરાયા હોવાની ફરિયાદો મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ની ટીમ તેની સમાંતર તપાસ કરી રહી હતી. પોલીસ ટીમે ટેક્નિલક બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપી મોહંમદ અઝીમ શેખે મુંબઈ, પુણે અને કાનપુરની મસ્જિદોમાં ચોરી કરી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. તે ચોરી કરવા કાનપુરથી મુંબઈ અને પુણે આવતો હતો. અઝીમ શેખ વિરુદ્ધ ધારાવી, શાહુનગર, ડોંગરી અને કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે. તે આઠમા ધોરણ સુધી ભણેલો છે.