‘Silent baraat’: આ રીતે જાનમાં જાનૈયાઓને નાચતા જોયા છે ક્યારેય? Social Media પર વીડિયો થયો વાઈરલ…
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને લગ્નની વાત હોય એટલે ઢોલ, તાશા અને ડીજેના ઘોંઘાટ તેમ જ જાનૈયાઓના દિલખોલ ડાન્સ સિવાય તો જાન કેવી રીતે નીકળે? ઘણી વખત આ ઘોંઘાટ એટલો બધો વધી જાય છે કે વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી જાય છે. પણ આજે અમે અહીં તમને એક એવી જાન અને જાનૈયાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે કદાચ તમે અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય.
સોશિયલ મીડિયા પર આ જાનનો વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં જાનૈયાઓ કાન પર હેડફોન પહેરીને ડાન્સ કરી રહ્યા છે અને આવી જાન કાઢવાનું કારણ પણ એકદમ ખાસ હતું. આવો જોઈએ ક્યાં નીકળી છે આવી અનોખી જાન અને આવું કરવાનું કારણ શું હતું?
@shefooodie નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી આ સાઈલેન્ટ જાનનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જાનૈયાઓ ઢોલ, નગારા કે ડીજેના ઘોંઘાટ વગર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. લોકોએ કાન પર હેડફોન પહેર્યા છે અને તેઓ ડાન્સ કરી રહ્યા છે. રણબીર કપૂર અને અનુષ્કા શર્માની ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલ તો તમે જોઈ જ હશે અને એટલે તમને આ કોન્સેપ્ટ ખ્યાલમાં આવી ગયો હશે અને જેમાં દરેક વ્યક્તિ પોતાની પસંદગીના ગીતો હેડફોન પર સાંભળે છે, જેને કારણે ગડબડ નથી થતી.
પાછા બેક ટુ ટ્રેક આવીએ અને સોશિયવલ મીડિયા પર વાઈરલ વીડિયોની વાત કરીએ તો આ જાનમાં વરરાજા સહિત બધા જ જાનૈયાઓએ હેડફોન પહેર્યા છે અને એના પર ગીત સાંભળીને તેઓ ડાન્સ કરી રહ્યા છે. ડીજે કે ઢોલ વગાડીને તેના તાલ પર ડાન્સ કરવામાં ખાસ કંઈ જ વાંધો નહોતો પણ આવું ના કરવાનું કારણ એવું છે કે જાન જે ઠેકાણે જઈ રહી છે ત્યાં એક કેન્સર હોસ્પિટલ આવેલી છે અને દર્દીઓને અવાજને કારણે મુશ્કેલી ના પડે એટલે સાઈલેન્ટ જાન કાઢવામાં આવી હતી.
એકાઉન્ટ પરથી બે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી એક વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે જ્યારે બીજા વીડિયોમાં ઓરિજનલ ગીત સંભળાઈ રહ્યું છે. આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી 1.9 કરોડ લોકોથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.