કચ્છમાં ભૂકંપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છમાં હાલ પડી રહેલા સિંગલ ડિજિટના બર્ફીલા ઠારને કારણે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે ત્યારે સતત આવી રહેલા ભૂકંપના નાના-મોટા આંચકાઓની વણથંભી વણઝાર યથાવત રહેતી હોય તેમ પુરાતન શહેર ધોળાવીરા નજીક 4.1ની તીવ્રતાના ડરામણા અવાજ સાથે આવેલા ધરતીકંપના શક્તિશાળી આંચકાથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી ઊઠ્યું છે.
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, શુક્રવારે સવારે 9 અને 38 કલાકે પ્રાચીન નગર ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઊઠી હતી. પખવાડિયામાં બીજી વખત ઉત્પન્ન થયેલા આ આંચકાની અસર કેન્દ્રબિંદુ આસપાસના અમરાપર, ગણેશપુર, બાંભણકા,વેરસર, લોદ્રાણી,બાલાસર સહિતનાં ગામોમાં વિશેષ જણાઇ હતી અને તાજેતરમાં જાપાનમાં આવેલા મહાભૂકંપનાં અહેવાલોથી ડરી ગયેલા લોકોએ મકાનોની બહાર દોટ લગાવી હતી.
નોંધનીય છે કે,ધરતીકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતા કચ્છમાં આફ્ટરશોકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને રણકાંધીએ સ્થિત વાગડ ફોલ્ટ લાઈન પર તેની સંખ્યા વિશેષ રહેવા પામી છે. રણપ્રદેશમાં અવિરત આવી રહેલા આંચકાઓને લઈને બૃહદ કચ્છમાં વસતા કચ્છી પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે.