શેર બજાર

વિદેશી ફંડોના પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સે ૩૭૯ પોઈન્ટના ગાબડાં સાથે ૭૨,૦૦૦ની સપાટી ગુમાવી

મુંબઈ: શેરબજારમાં તાજેતરના તીવ્ર ઉછાળા બાદ વિદેશી ફંડોએ શરૂ કરેલી વેચવાલી અને ખાસ કરીને બૅન્ક અને આઈટી શેરોની આગેવાનીમાં શરૂ થયેલા પ્રોફિટ બુકિંગને કારણે મંગળવારે બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૭૯ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને તેણે ૭૨,૦૦૦ની સપાટી ગુમાવી હતી. બીએસઇનો ત્રીસ શેરોવાળો પ્રમુખ બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૭૯.૪૬ પોઈન્ટ અથવા ૦.૫૩ ટકા ઘટીને ૭૧,૮૯૨.૪૮ પોઇન્ટના સ્તર પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૬૫૮.૨ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા ઘટીને ૭૧,૬૧૩.૭૪ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૭૬.૧૦ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઘટીને ૨૧,૬૬૫.૮૦ પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીના ૩૧ જેટલા શેર ઘટ્યા જ્યારે ૧૯ શેર વધ્યા હતા.

સેન્સેક્સ કંપનીઓમાં કોટક મહિન્દ્રા બૅન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, વિપ્રો અને હિન્દુસ્તાન યુનિલીવરનો મુખ્ય લૂઝર્સમાં સમાવેશ હતો. જ્યારે સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ અને ટાઇટનનો મુખ્ય ગેઇનર્સમાં સમાવેશ હતો.બજારે સોમવારના પાછલા સત્રના અંતિમ અડધો કલાકના સેલઓફને લંબાવ્યું હતું. નબળા ચાઈનીઝ મેન્યુફેક્ચરિંગ ડેટા અને રાતા સમુદ્રમાં વધતા તણાવને કારણે એશિયન બજારો તરફથી મળી રહેલા નકારાત્મક સંકેતો સેન્ટિમેન્ટ ખરડી રહ્યાં છે. નિષ્ણાતો માને છે કે આ પરિબળ વૈશ્ર્વિક વેપાર અને ક્રૂડ સપ્લાયને વિક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવે છે, જે ઇક્વિટી માર્કેટને પણ ખલેલ પહોંચાડે છે. આવનારી પરિણામોની સીઝન પહેલા, રોકાણકારો પ્રોફિટ બુકિંગ વ્યૂહરચના અપનાવી રહ્યા છે. ઓટો શેરોમાં અપેક્ષિત કરતાં ઓછા વોલ્યુમને કારણે તેના શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે યુએસ અર્થતંત્રમાં સુધારાને કારણે ફાર્મા શેરોમાં હલચલ જોવા મળી હતી. એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ નીચા સ્તરે સ્થાયી થયા હતા, જ્યારે સિઓલ ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. યુરોપીયન બજારો ખૂલતા સત્રમાં મોટાભાગે સુધારાના સંકેત આપી રહ્યાં હતાં. નવા વર્ષ માટે સોમવારે અમુક એશિયન, યુરોપિયન અને યુએસ બજારો બંધ રહ્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૦૫ ટકા વધીને ૭૮.૫૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૮૫૫.૮૦ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

બજારમાં હજુ પણ અનેક પોઝિટિવ પરિબળો મોજૂદ છે. ડોલર અને યુએસ બોન્ડની ઉપજમાં થઈ રહેલો ઘટાડો, ભારતીય ઇક્વિટી માર્કેટ માટે સાનુકૂળ વૈશ્ર્વિક સંદર્ભ પૂરો પાડે છે. એ જ રીતે ૨૦૨૪માં એફઆઈઆઈનો રોકાણ પ્રવાહ વધુ વિશાળ રહેવાની સંભાવના છે અને ખાસ કરીને બેંકિંગ જેવા સેગમેન્ટમાં જ્યાં મૂલ્યાંકન વાજબી હોય છે, એવા ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જ-કેપ શેરોમાં લેવાલી જળવાઈ રહેવાની અપેક્ષા છે. જોકે અગ્રણી માર્કેટ વિશ્ર્લેષક ચેતવી રહ્યાં છે કે, એક મહત્ત્વપૂર્ણ બાબતમાં વોલેટિલિટી ઇન્ડેક્સ વીઆઈએક્સમાં ૧૪.૫ સુધીનો વધારો ધ્યાનમાં લેવો જોઈએ. આ સુધારો સૂચવે છે કે બજારમાં અત્યારે ખૂણે ખૂણે ખૂબ જ જબરી ઉથલપાથલ અને અફડાતફડીની સંભાવના છુપાયેલી છે. ગઈકાલે અંતિમ ૩૦ મિનિટમાં થયેલ વેચવાલી એ ચેતવણી છે કે ઉચ્ચ સ્તરે મોટા વેચાણની સંભાવના છે.ગયા વર્ષે સેન્સેક્સ ૧૯ ટકા વધ્યો અને નિફ્ટી ૨૦ ટકા વધ્યો હતો. ૨૦૨૩માં શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧૧,૩૯૯.૫૨ પોઇન્ટસ અથવા તો ૧૮.૭૩ ટકા અને નિફ્ટી ૩૬૨૬.૧ પોઇન્ટ અથવા તો ૧૯.૪૨ ટકા વધ્યો છે. બંને સૂચકાંકોમાં ટાટા મોટર્સનો શેર સૌથી વધુ વધ્યો હતો. ટાટા મોટર્સે ૨૦૨૩માં રોકાણકારોના નાણાં લગભગ બમણા કરી દીધા છે. ૨ જાન્યુઆરીએ આ શેરની કિંમત ૩૯૪ રૂપિયા હતી, જે ૨૦૨૩ના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે ૨૯ ડિસેમ્બરે વધીને ૭૭૯ રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ સૂચકાંકો લગભગ ૪૫ ટકા વધ્યા છે.

સેન્સેક્સમાં સન ફાર્મા ૨.૯૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૮૩ ટકા, ભારતી એરટેલ ૦.૮૭ ટકા, રિલાયન્સ ૦.૮૧ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૭૪ ટકા વધ્યા હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૭૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૬ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૨.૪૧ ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૨.૩૬ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૧ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપમાંથી ટી ગ્રુપની ૧ કંપની “એક્સેલને નીચલી સર્કીટ લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button