બેસ્ટને વધુ ૫૦૦ કરોડ રૂપિયાની સુધરાઈએ કરી આર્થિક મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફડચામાં ગયેલી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ને ઉગારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વધુ ૫૦૦ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. ચાલુ આર્થિક વર્ષમાં આ અગાઉ ૮૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે અને હવે વધુ ૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવવાના છે. બેસ્ટના જનરલ મેનેજરે પાલિકા કમિશનરને પત્ર લખીને બેસ્ટને વધુ ભંડોળ ઉપલબ્ધ કરી આપવાની માગણી કરી છે. બેસ્ટનું ટ્રાન્સપોર્ટ ખાતુ દર મહિને ૧૫૦ કરોડથી ૧૮૦ કરોડ રૂપિયાની આર્થિક ખાધ ધરાવતી હોવાનું પણ તેમણે કમિશનરે કહ્યું છે.
બેસ્ટ ઉપક્રમની આર્થિક પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. બેસ્ટને ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં પાલિકાએ ૮૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ મંજૂર કરી હતી. બેસ્ટને ગયા આર્થિક વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૩૮૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે ૨૦૨૪-૨૫ના બજેટને તૈયાર કરતા સમયે બેસ્ટ ફરી પાલિકા પાસેથી બેસ્ટને ત્રણ હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની માગણી બેસ્ટના જનરલ મેેનેજરે પાલિકા પ્રશાસનને કરી હતી. જોકે પાલિકા આ અગાઉ જ ૮૦૦ કરોડ રૂપિયા આપી ચૂકી છે, તે આ વખતે ફક્ત ૫૦૦ કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ છે. આગામી દિવસમાં આ રકમ બેસ્ટ ઉપક્રમને મળશે.બેસ્ટને દર મહિને ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયાની ખોટ થઈ રહી છે. જુલાઈ ૨૦૨૩માં બેસ્ટની આર્થિક ખાધ ૭૪૪ કરોડ રૂપિયા હતી, જે આર્થિક વર્ષ પૂરું થવા સુધીમાં અઢીથી ત્રણ હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જોકે પાલિકા પાસેથી માત્ર ૮૦૦ કરોડ રૂપિયાની જ મદદ મળી છે. એ સિવાય બેસ્ટ પહેલાથી ખોટમાં રહી છે. બેન્ક પાસેથી લીધેલી લોન પરનું વ્યાજ, બસ ખરીદી માટે લાગનારી રકમ, કામગારોના પગાર, રિટાયર્ડ કર્મચારી બાકી રહેલી રકમ, ટાટા કંપનીને ચૂકવવાની રકમ સહિત બેસ્ટની અંદાજિત ખાધ આઠ હજાર કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે.
બેસ્ટની આર્થિક હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાલિકા તરફથી બેસ્ટને આર્થિક મદદ કરવામાં આવી રહી છે અને હવે તે પણ બેસ્ટને અપૂરતી સાબિત થઈ રહી છે. બેસ્ટના બજેટને પાલિકાના બજેટમાં વિલીન કરવાની જાહેરાત હજી સુધી થઈ નથી. છતાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી બેસ્ટને અનુદાન આપવામાં આવી રહ્યું છે. ચાર વર્ષ પહેલાં પણ પાલિકાએ પોતાની ફિક્સડ ડિપોઝીટ તોડીને બેસ્ટને ૨,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. તો બે વર્ષ પહેલા ૧,૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
બાદમાં જોકે આ રકમ ૧,૦૦૦ કરોડ કરી નાખવામાં આવી હતી.