જાન્યુઆરીથી ડિસેમ્બર: બિછડે ના પૂરે સાલ…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
અભિષેક બચ્ચન બાળસહજ ઘટના વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પિતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘પુકાર’ના શૂટિંગ દરમિયાન સેટ પર ગયો હતો. ફિલ્મની હીરોઈન ઝીનત અમાનના પ્રેમમાં પડી ગયો હતો. આમ પણ એ યુગની બોલ્ડ હીરોઈન ઝીનત અમાન બારે મહિના સુંદરતાની મુરત લાગતી હતી. ફિલ્મ ‘પુકાર’નું ગુલશન બાવરાએ લખેલું ગીત કે જેમાં પત્ની કે પ્રેમિકાના વિરહની વાતને હળવી શૈલીમાં લખ્યું હતું.અમિતાભ બચ્ચનના અવાજમાં મઇકે મત જઇઓ…’ ગીતમાં જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં ઠંડીને લીધે માશૂકાને નજીક રહેવાનો આગ્રહ કરતાં કરતાં છેક નવેમ્બર- ડિસેમ્બર સુધી અલગ અલગ બહાનાં હેઠળ સાથે રહેવાનો આગ્રહ કરે છે. દરેક મહિના માટે હળવો તર્ક પ્રસ્તુત કરતાં કહેવામાં આવ્યું છે કે અલગ પડવું નથી…‘ગીતના અંતિમ મુખડામાં હમ ના બિછડેં પૂરે સાલ..’ કહીને બારમાસી પ્રેમના ઝરણા વહેવડાવાની વાત છે.
બારે માસ પ્રેમ રહેવો જોઈએ અને જીવનભર પ્રેમ ટકવો જોઈએ. આમ તો આપણા બાર મહિનાનાં નામ અંગે આપણે ઘણી માહિતી ધરાવીએ છીએ, પણ રોમન પદ્ધતિ વિશે બારે મહિના કદાચ અજાણ્યા હશે.
બારે મહિનાનાં નામની પણ રોચક કથા છે. જાન્યુઆરી નામ પાછળ એવું માનવામાં આવે છે કે રોમનોના એક દેવ છે. આ દેવનું નામ છે જેનસ. આપણે ત્યાં કોઈ પણ શુભકાર્ય કરીએ એટલે ગણેશજીને યાદ કરવામાં આવે એ જ રીતે રોમન શૈલીમાં જેનસ ભગવાનને પણ યાદ કરવામાં આવતા હતા. જેનસ દેવતા પરથી લેટિન ભાષામાં વર્ષના પહેલા મહિના માટે જૈનુઅરિસ’ શબ્દ આવ્યો, કાળક્રમે અંગ્રેજી ભાષામાં એ ‘જાન્યુઆરી’ બન્યો.
મૂળ વાત પૂર્વ હોય કે પશ્ર્ચિમ, માન્યતાઓ મહદઅંશે સરખી જ રહી છે. માણસ નવો વ્યવસાય શરૂ કરે કે ઘરમાં શુભકાર્ય કરે પણ દેવતાઓને યાદ કરવાનો મહિમા વિશ્ર્વભરમાં હજારો વર્ષથી રહ્યો હશે.
વિદ્વાનોનો એક મત એવું માને છે કે પશ્ર્ચિમમાં પ્રારંભમાં દશ મહિનાનું વર્ષ હતું. કાળક્રમે શક્ય છે કે અન્ય સંસ્કૃતિઓના સંપર્કથી નવા બે મહિના ઉમેરવામાં આવ્યા. આ બે મહિના એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી. જાન્યુઆરીને બાર મહિનાના પ્રારંભમાં એન્જિન બનાવ્યું અને ફેબ્રુઆરીને ગાર્ડ બનાવવામાં આવ્યું. ફેબ્રુઆરી વર્ષનો અંતિમ મહિનો બનાવ્યો. પચ્ચીસસો વર્ષ પહેલાં ફેબ્રુઆરીને બઢતી મળી અને છેલ્લા પરથી સીધો બીજા મહિના પર પહોંચી ગયો. કેટલાક વિદ્વાનો એવું માને છે કે રોમનોમાં ફેબ્રુઆરિયા નામથી કદાચ ઉચ્ચાર ફર્ક હોઇ શકે, પણ આ નામના દેવી હતાં. આ દેવીની વંદના કરવાથી સંતાનપ્રાપ્તિ થાય. ફેબ્રુઆરિયા દેવીના નામ પરથી ફેબ્રુઆરી મહિનો જન્મ્યો હોવાનું માનવામાં આવે છે.
આ માર્ચ મહિનો પણ ઓછો નથી. જેવી પ્રેમની ઋતુ વસંત ખતમ થાય કે રોમનો લડાઇઓ કરતાં. રોમનોમાં યુદ્ધના દેવતા માર્ટિઅસ’ના નામ પરથી માર્સ શબ્દ આવ્યો, માર્સ પરથી માર્જ અને ફાઇનલી માર્ચ મહિનાનું નામ પડ્યું. જ્યારે દશ મહિનાનું વર્ષ હતું ત્યારે માર્ચ મહિનો આગેવાની કરતો, પણ જાન્યુઆરી- ફેબ્રુઆરીએ આ સ્થાન પચાવી પાડીને એને ત્રીજા ક્રમે ધકેલી દીધો.
એપ્રિલ મહિનામાં કળીઓ ખીલે અને ફૂલ બને, આ વાત માટે રોમન શબ્દ ‘એપ્રિલીસ’ હતો, જેના પરથી અંગ્રેજી શબ્દ એપ્રિલ આવ્યો. યુરોપમાં ઉનાળામાં દિવસ લાંબો હોય, એને સ્થાનિક ભાષામાં કહેવું હોય તો ત્રણ વાર દૂધ દોહી શકાય. પ્રારંભમાં મે મહીના માટે એક શબ્દ હતો, ‘થ્રી મિલ્સ’. બિચારો મે મહિનો આગળના ક્રમે હતો, પણ કમનસીબે પાંચમા ક્રમે આવી ગયો. મેજોરેસ’ એટલે ધનિક વૃદ્ધ, પાંચમા મહીનામાં ધનિક વૃદ્ધોનું સન્માન કરવામાં આવતું. કાળક્રમે મેજોરેસ શબ્દ પરથી મે મહિનો આવ્યો. એક અભ્યાસ મુજબ મે મહીનો વૃદ્ધોને સમર્પિત હતો તો જૂન મહિનો યુવાનોને સમર્પિત કરવામાં આવ્યો. યુવાનો માટે રોમનમાં શબ્દ છે, ‘જૂનિઓરેસ’. જૂનિઓરેસ શબ્દ પરથી જૂન મહીનો આવ્યો, આ વાત સાથે ઘણી વિભૂતિઓ અસંમત છે. ઘણાના મતે જૂન મહિનામાં યુવાનો લગ્ન કરીને પારિવારિક જીવન શરૂ કરે, જે માટે એક શબ્દ છે જેન્સ’ . જેન્સ પરથી જૂન આવ્યો, જો કે ઘણા વિદ્વાનો એવું માને છે કે ‘જ્યુનો’ દેવી પરથી જૂન મહીનાનું નામ પડ્યું હશે.
પ્રસિદ્ધ રોમન સમ્રાટ જુલિયસ સિઝરનો ભત્રીજો આક્ટોવિયનને એના યોગદાન માટે ‘આગસ્ટસ’ નામથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આગસ્ટસ એટલે મહાન, તે ‘આગસ્ટસ આક્ટેવિયન’ તરીકે ઓળખાવા લાગ્યો. આક્ટેવિયન પણ સિઝર પછી રોમન સમ્રાટ બન્યો હતો.
આક્ટેવિયનના કાકા જુલિયસ સિઝરના નામ પરથી જુલાઈ મહીનો આવ્યો હતો, આક્ટેવિયનને પણ વિચાર આવ્યો કે એના નામ પરથી પણ મહીનો હોવો જોઈએ. આક્ટેવિયને રોમન સેનેટમાં રજૂઆત કરી અને મંજૂરી મળતા છઠ્ઠામાંથી બનેલા આઠમા મહીનાનું નામ બદલીને ઓગસ્ટ નામનો મહીનો બન્યો.
ઓગસ્ટ મહીનો એ યુગમાં ત્રીસ દિવસનો હતો, પણ રાજાઓને કોણ સમજાવે? આક્ટેવિયને જીદ્ કરી કે સિઝરના નામનો જુલાઈ મહીનો એકત્રીસ દિવસનો હોય તો ઓગસ્ટ પણ એકત્રીસ દિવસનો થવો જોઈએ.
રાજાને ખૂશ કરવા સમાધાન શોધવામાં આવ્યું. ફેબ્રુઆરી મહિનાના દિવસો ઘટાડ્યા અને ઓગસ્ટ મહીનો એકત્રીસ દિવસનો થયો….
આમ તો આ વાત સાથે આપણે શું લેવાદેવા? પણ આરંભ પ્રચંડ થાય તો સફળતા માટે કોઈ રોકી શક્તું નથી.
સપ્ટેમ્બર એટલે રોમન ભાષામાં સાતમો ક્રમ. આપણી સંસ્કૃત સહિત સ્થાનિક ભાષાઓમાં સપ્તમ્ શબ્દ છે જ. સમજી ગયા હશો કે પ્રારંભમાં સપ્ટેમ્બર સાતમા ક્રમે હતો, સાતમા ક્રમ પર જે હોય એ સપ્ટેમ્બર. આ જ વાત ઓક્ટોબર સાથે પણ જોડાયેલી છે, ઓક્ટ એટલે આઠ, ઓક્ટોબર એટલે આઠમો મહિનો થાય, જાન્યુઆરી ફેબ્રુઆરીએ બાકીના દશ મહિનાઓની વાટ લગાડી દીધી એવું કહી શકાય. ભલા માણસ, નવેમ્બરમાં નવ શબ્દ દેખીતી રીતે વ્યક્ત થાય છે. રોમનોમાં ‘નોવમ’ એટલે નવમું. જો કે ઘણા વિદ્વાન એવું માને છે કે નવેમ્બર એટલે નવીનતાનો મહિનો. માનવા દો ને, આપણે ક્યાં વાંધો છે? આપણે જે લખ્યું છે એ નહીં માને તો ય આપણને ક્યાં વાંધો છે?
આમ મહિનાનાં નામ કેટલા સરળ થઈ ગયા? ડિસેમ્બરમાં દશમો મહિનો વ્યક્ત થાય છે જ… લેટિનમાં ડેકેન’ એટલે દશમો ક્રમ. શબ્દ બદલાતો ગયો અને આખરે ડિસેમ્બર આવ્યો.
ઘણા પુસ્તકોમાં મહીનાઓની માહિતી આપવામાં આવી છે. એ રીતે જોઈએ તો કદાચ આ વાતોમાં નવિનતા નથી, પણ મૂળ વાત પર પાછા ફરીએ. ફિલ્મ પુકાર’ના ગીત પર જઇએ, ગીતના અંતે આખું વર્ષ સાથે રહેવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આપણે બધા વર્ષ ૨૦૨૪માં સાથે જ રહીએ- સાથે જ શક્તિ પ્રાપ્ત કરીએ અને સાથે તેજ પ્રાપ્ત કરીએ, પણ એકબીજાનો દ્વેષ કરીશું નહીં…. બરાબર?!
ધ એન્ડ :
અમારા વડોદરાના એક સંત ખંડવાવાલા તરીકે જાણીતા, એ હંમેશાં કહેતાં કે ગુરુ કોઈ ગધા નહીં હૈ, જો તુમ્હારા બોજ લે કે ગુમતા ફીરે….!