ઈન્ટરવલ

સિંદોર

ટૂંકી વાર્તા -ગોરધન ભેસાણિયા

ઘઉં, ચણા, રાઇ ને રાજગરો સીમને શણગારી હોય તેેમ શોભાવતાં’તાં. જાંબુડા અને આંબાની મંજરીઓ મહોરીને તેની સુગંધે સારીય સીમને તરબતર કરી રહી હતી. પક્ષીઓનો કિલકિલાટ થાક્યાં તનનેય આરામ આપતો’તો. જાણે ઘરમાં બાળકોની કાલીઘેલી બોલી સાંભળીને માવતર ખુશી થાય તેમ માણસ માત્રનું હૈયું આનંદ અનુભવતું હતું. આવા વાતાવરણમાંય ભવાનનું મન ઉદાસ હતું. તેને પોતાનું ઘર વેરાન લાગતું’તું ને હરિયાળીથી ભરી ભરી સીમ પણ ભેંકાર ભાસતી હતી. એની નજર સામે એક રમતિયાળ મોં ઊપસતું ને પાછું વિલાઇ જતું. ભવાનને અબળખા જાગતી કે એની ઘરવાળી આનંદથી છલકાતાં મોંએ, જાણે માંડ મેળાપ થયો હોય તેમ આંખોના આવકારે, પગથી તે માથા સુધી પોતાને નીરખી રહે અને પૂછે: “થાકી ગયા હશો…! લ્યો… હું ઊનું પાણી ચોકડીમાં મૂકી દઉં. હાથપગ ધોઇને વાળું કરી લ્યો… એટલે ટાણાસર…’

ભવાનના મનની અબળખા મનમાં જ જાગતી ને અબળખા અબળખા જ રહેતી. શરૂઆતમાં તો ભવાનને એમ હતું કે હજી નવી નવી છે તે ‘ઇ’ શરમાતી હશે, પણ સમય સરતો ગયો છતાંય તેની ‘નવી’, નવી જ રહી. વાત કરવામાં જાણે થાક લાગતો હોય તેમ તે ખપ પૂરતું જ બોલતી. બીજા સાથે તો ઠીક, પણ ભવાનનેય તે પૂછે તેનો ઉત્તર જ મળતો. વાતો કરીનેય આનંદ મેળવાય છે… તેની તો જાણે કે તેને ખબર જ નહતી. ભલી તે પોતે ને પોતાનું કામ ભલું. તેનો આવો સ્વભાવ જોઇને ભવાનને થતું કે, “ઇશ્ર્વરે મને સજા કરી છે. નહિતર આ યુવાનીને વળી ઘરમાં એકાંત; આડું ઊભું તો કોઇ છે… જ નહિ. યુવાની નિર્બંધ નદીની જેમ ખળખળ વહેવા ન માંડે…! મેહુલિયો ગાજે ને મોર મૂગો કેમ રહી શકે…? ભરવસંતે કોયલ ટકુકે નહિ તો તેનું હૈયું ફાટી ન જાય…? પણ આ કોયલ તો વસંત ખીલી છે… તોય ચૂપ છે.’

ભવાન પણ ધીમે ધીમે એકલસૂરો થવા માંડ્યો. એને એકાંત ખાવા દોડતું. ઘરમાં તેની પત્ની હોય કે ન હોય; કંઇ ફેર પડતો નહિ. ભવાને પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી, કારણ કે એકાંતને ભાંગવાના એના બધા ઇલાજ નિષ્ફળ ગયા હતા. ને હવે ભવાન કંઇ કરી શકે તેમ ન હતો. કંઇ હલચલ કરવાની જાણે કે ત્રેવડ જ રહી નહોતી. કારણ કે, પ્રથમ પત્ની જમનાને છેડો ફાડી દઇને આ બીજી લાવ્યો હતો અને પહેલી બૈરીને છેડો ફાડી દેવાનું કારણ પણ શું હતું…?! તે બહુ બોલકી હતી; વા હાર્યે વાતું કરે એવી. તેનો રમતિયાળ ને વાતોડિયો સ્વભાવ ભવાનને ત્યારે ગમ્યો નહોતો પણ હવે મીઠોમધ જેવો લાગતો’તો. એના કેટલાંય નખરાં હજુય નજરે તરતાં… ને… તે… એકલો એકલો ય મલકાઇ જતો.

કોક દિ’ઘેર કે સીમમાં તેની પત્ની પણ સાથે હોય ને તે વિચારે ચડી જતો ને હસ્યા કરતો. પોતાને ખ્યાલ આવે ત્યારે થતું કે હમણાં પૂછશે:- કેમ એકલા એકલા હસો છો, પણ તેવું કંઇ થતું નહિ. ને ભવાન વધારે ઉદાસ બની જતો. આ… તે માણસ છે કે પછી માણસના રૂપમાં મૂંગું પ્રાણી…! ભવાનથી નિસાસો નખાઇ જતો. માણસનું મન પણ કેવું વિચિત્ર છે. આ બોલતી નથી તેનો અણગમો છે ને પહેલી બોલતી તેનો અણગમો હતો, પણ તે અણગમો સાવ આવો નહોતો. અણગમાની સાથે સાથે ગમતા પ્રસંગો પણ આવ્યા કરતાં. હવે તો એવા ગમતા પ્રસંગોને યાદ કરીને જ ખુશી થવાનું રહ્યું.

સવારમાં વહેલું કામે જવાનું હતું. પોતે જ જમનાને કહ્યું હતું: ‘મને વહેલો ઉઠાડજે’, પણ મોડે સુધી જમનાની વાતો ખૂટી નહિ. તે વાતોની મીઠાશમાં વહેલું સૂઇ જવાનું યાદ ન રહ્યું. ને… સવારે જમના વહેલો ઉઠાડવા માંડી:- ‘ઊઠો…! વહેલું જાવાનું છે…. ને…?’

ભવાને હોંકારો જ ન દીધો. જમનાએ ઓઢવાનું ગોદડું ખેંચી લીધું ને સંકેલીને ડામચિયે મૂકી દીધું. ફરી પાછી ખાટલે આવી તોય ભવાન તો નિરાંતે ઘોરતો’તો. જમનાએ ગલગલિયાં કરવા માંડ્યા. ભવાન ટૂંટિયું વળી ગયો પણ ઊઠયો નહિ.

થાકીને જમના ઊંઘતા ભવાનને તોફાની નજરે જોઇ રહી. પછી તેણે એક બાજુથી ખાટલો ઊંચો કર્યો. ભવાન દડબલાંની જેમ દડીને “ભફફાગ દઇને પથ્થરાની જેમ પડ્યો. જમના મોં છૂટું મૂકીને હસી પડી.

ભવાનની કોણી ખાટલાના પાયા સાથે ભટકામી ને તમ્મર ચડી ગઇ. કોણી પકડીને તે સીસકારા કરતો રહ્યો ને જમના હસતી રહી.

તમ્મર ઉતરી કે તરત જ ભવાન બેઠો થયો ને હસતી જમનાને બે લાફા વળગાડયા ને ગર્જ્યો: ‘આ કાંઇ… ઉઠાડવાની રીત છે…? મારી કોણી ભાંગી નાખી. આખો હાથ ખોટો પડી ગયો…!’
‘હાથ ખોટો પડી ગયો એટલે જ હાથ હાલે છે… ને…? સાંજે ગુડાતા નો હો તો કોઇ ઉઠાડે નંઇ. સૂતારયોની સાંજ સુધી. મારા બાપનું શું લૂંટાઇ જાય છે. તંઇ તો વાતુંનો ઢઢ્ઢો બવ છે. સૂવામાં સમજે નંઇ ને પછી અટાણે નીંદર ઉડે નંઇ. પાછા મોટે ઉપાડે કીધું હોય: મને વે’લો ઉઠાડજે. મારે વે’લું કામે જાવું છે. તેવડ નો હોય તો કોઇને કે’વું નો જોઇ’ને કાં સાંજે સૂઇ જવાય વેળાસર…! જમના બબડતી રહી… પણ ભવાન કંઇ બોલ્યો નહિ.

તેને થયું: વાંક મારો છે… ને કંઇ કહીશ તો વધારે માથાકૂટ થશે. જમનાને જાણે મોકળું મેદાન મળ્યું તે બોલતી રહી: નીંદરમાં તો કુંભકરણના માસીયાઇ છે… ને પાછું વે’લું કામે જાવું છે. વે’લા ઊઠયા ને કામે ગયા…! તમારી જેવા શું વે’લા કામે જાવાના…? આમાં બાતડી શું મરે…? ઉઠાડવા ને માથે જાતા માર ખાવો. તમારે પનારે પડ્યા છંઇ તે ક્યાં જાઇ નકર રીંહ તો એવી ચડે છે… કે… તમારું ડાચું જ નો બોલાવવું જોઇ…! પડ્યા પડ્યા ગંધાવ તોય મારે શું…?’
ભવાનને શું બોલવું તે જ સૂઝ્યું નહિ… કે પછી જમનાએ વારો જ ન આવવા દીધો. તેણે શિરામણ કર્યા વિના જ ચાલતી પકડી. ભવાનને હતું કે બપોરે જઇનેય જમનાને મનાવવી પડશે. કહીશ કે, ‘ભૂલ થઇ ગઇ. નીંદરમાં કાંઇ ધાર્યું ન રહ્યું. પાછી કોણી ભટકાણી એમાં વધારે રીંહ ચડી… ને હાથ ઊપડી ગયો. વાંક તારો નથી મારો જ છે… પણ હવે તો જે થયું ઇ અણથ્યું થાવાનું નથી.’ ભલી હશે તો બપોરે કાંતોક રાંધશે જ નંઇ, પણ ભવાનની નવાઇ વચ્ચે દિવસ ચઢયે જમના ખેતર શિરામણ લઇને આવી…. ને ભવાનને કહ્યું: ‘લ્યો…!’ ખાઇ લ્યો… હવે…!’ ભવાને સામું ન જોયું. રીંસ ચડી હોવાનો દેખાવ કર્યો. જમના પરી બોલી: ‘મોઢામાં મગ ભર્યા છે…? એક તો સવારના પો’રમાં બે ધોલ આંટી ગ્યા… ને પાછા વળી મોઢું ફૂલાવીને ફરે છે…! ભાર્યે… ભઇ… આ રીંહની બંબૂડી… તો…!’

ભવાનને ઘડીક મોં ભારે રાખવું’તું તોય ન રહ્યું ને મલકી જવાયું… અને તે ખાવા બેઠો. તેન થયું: ‘માના ખોટાં લાડ જેમ બાળકને બગાડે છે તેમ બૈરીના ખોટાં લાડ આદમીને પણ બગાડે છે. ધણીના ગુનાનેય પોતાનો ગુનો માની લેનાર પત્ની ઉપર ધણી વાતવાતમાં હાથ ઉપાડે નહિ તો જ નવાઇ. સ્ત્રીના ભોળપણ અને પ્રેમનો પુરુષ ફાયદો કે પછી ગેરફાયદો ઉઠાવે છે ને ક્યારેક પોતાના જ પગ ઉપર કુહાડો મારે છે.’
ભવાને શિરામણ કર્યું ત્યાં સુધી કંઇ બોલ્યો નહિ. ને જમનાય છાનીમાની જોતી રહી. ભવાને ખાઇને પાણી પીધું કે તરત જમનાએ વાસણ બાંધ્યાં ને ચાલતી થઇ… પણ જતાં જતાંય ઝળકી તો ખરી જ: ‘ખાવું હોય ને પાછા વળી મોણ ઘાલે કેમ જાણે મારી સારું ખાતા હોય…! આ… તો હું… જ નકટી તે તમારી વાંહે આવી; શિરામણ લઇને નકર બપોર ઘણાં લાંબા થાત… ને… પેટમાં ગલૂડિયાં રમત.’
…‘તારી જાતની તેમાં….!’ ભવાન હસી પડ્યો ને દૂર ગયેલી જમનાને ઢેફું માર્યું, પણ જમના ખસી ગઇ. ઘા પડખે પડયો કે તરત જમનાએ અંગૂઠો દેખાડયો. જાણે કે… બપોર સુધી મોં હસતું રહે તેવી કરામત કરતી ગઇ.

ભવાનને જિંદગી ભરી ભરી લાગતી હતી, પણ સહેજે મળેલું આ સુખ જાણે કે જીરવાયું નહિ. જમનાની બહુ બોલવાની ટેવ ભવાનને ન ગમી. જમના ભવાનની સાથે બોલતી. તેનો ભવાનને આનંદ હતો પણ જમના તો બીજાઓ સાથેય તેવી રીતે જ વર્તતી. દિયર થતો હોય તેને જમના ઝપટમાં લે…ય તો સામે દિયર પણ ઓછો તો ન જ ઊતરે. ને… જમનાને તો આવા બોલકા માણસો વધારે ગમતા. દિયર- ભોજાઇની મશ્કરીઓ ક્યારેક ભવાનને અકળાવી મૂકતી. તેનો માલિકીભાવ જાગ્રત થતો ને તે ઘૂંઘવાઇને મરાડતો: ‘આ વળી શું ઢોંગ…? જેની તેની હાર્ય હાથ ઉલાળતીકને આ માંડી તડાકા મારવા. આપણને આ ગમતી વાત નથી… સમજીને…?’

‘તે… મારે શું મૂંગું રે’વું…? જમના પણ આ વાતે સામો જવાબ આપતી. ‘કોક બોલાવે એનો મારે જવાબેય નો દેવો….? ને… માણાહ, હાથ માણાહ બે વાતું તો કરે…! આમાં તમારું શું લૂંટાઇ જાય છે? સામાં માણાહનો જીવ માનતો હોય તો જ આપણને બોલાવતો હોય ને…? નકર કોણ નવરો છે… બોલાવવા?’

‘હવે… એવા નવરીનાવની ગામમાં તાણ્ય નથી. ભેગી તું… ય સાવ નવરી. બાયડીની જાત્ય ને વળી જેની તેની હાર્યે લવારી શું કરવી…? પારકા ભાયડા હાર્યે બૌ લટકા- મટકા કર્યે કાંઇ સારી નથી લાગતી. આ લખણ આપણને નથી ગમતા… શું… સમજી….!’ ભવાનની આંખો જમનાને વીંધી નાખવી હોય તેમ આરપાર ઊતરી જતી… ને મનોમન બોલતો: “આવી બાયડીને તો સિંદોર પાઇદેવ જોઇ. જીભ ઝલાય જાય એટલે બોલતી બંધ. પછી જિંદગી આખીનું સુખ. કાયમી નિરાત થઇ જાય.’

ભવાનની રોકટોક છતાં જમનાને બોલ્યા વિના ન ચાલે. એની દલીલ તો આગળ જ રહેતી: ‘માણાહ હાર્યે માણાહ વાતુ’ તો કરે ને…! એમાં ખોટું શું… છે…?

એક દિવસ બપોર સુધી કામ કરીને ભવાન ઘેર આવ્યો. જમના ત્યારે કોઇક અજાણ્યા ભાઇ સાથે વાતોમાં એવી લીન હતી કે ભવાન આવ્યો તેની નોંધ પણ ન લીધી. કાયમ પાણીનો લોટો ભરીને ફળિયામાં સામી જતી પણ આજ તો જાણે ભવાનને જોયો જ ન હોય તેમ સામી નજર પણ ન નાખી. તે ભાઇ થોડીવારે ઊભો થયો: ‘હું જાઉં… હવે…!’

‘બપોરા કરીને જજે… ભાઇ…!’ જમનાએ વિવેક કર્યો, તે ન રોકાતા જમના ડેલી સુધી તેને વળાવવા ગઇ. ડેલીએથી પાછી આવી કે મનોમન ઘૂંઘવાતો ભવાન તાડૂક્યો. ‘કોણ હતો તારો ઇ… સગલો…? ડેલી સુધી જઇને પાછી આવી એના કરતાં એની હાર્યે જ ગઇ હોત તો…! મારે તો માથાકૂટ નોહતી.’

‘શું તમેય નો બોલવાનું બોલો છો…! મારો છેટાવો ભાઇ હતો. આંયથી નીકળ્યો હશે તે હરખેથી બિચારો ખબર પૂછવા આવ્યો’તો એમાં તો તમારો ગરાહ સાવ લૂંટાઇ ગયો ચાનો ઘૂંટડો પી… ને… એને કેડે હાલતો થઇ ગયો છે. તમારું કાંઇ લઇ નથી ગયો… કે નથી મેં એને કાંઇ દઇ દીધું.

‘ભાળ્યો તારો ભાઇ…! આવા હાલી-મવાલી તો કેટલાય રખડયા હોય. એવાને ઘરમાં ઘાલીને આ બેઠી તડાકા મારવા. કાંઇ ધંધો નો હોય તેમ.’
‘મેં… શું કાંઇ કાળું-ધોળું કરી નાખ્યું… છે…?’ જમના પણ ખીજથી સમસમી ઊઠી.

‘કાળા-ધોળામાં હવે બાકીય શું રહ્યું… છે…? જો…. ને…. આવાને આવા કોણ જાણે કેટલાય હશે… તારા ભાઇ… કે’વાના.’ ભવાનનું મોં ક્રોધથી તમતમતું’તું. ભૂખ અને થાક માણસની વિવેકબુદ્ધિનો નાશ કરે છે. તેમાં વળી ભવાનને પોતાની ઉપેક્ષા થઇ હોય તેવું લાગ્યું. ને… તે જેમ તેમ બોલતો રહ્યો.

ભવાનની ખુલ્લો આરોપ નિર્દોષ જમનાને હાડોહાડ લાગી ગયો. ભવાનની શંકાથી વીંધી નાખતી. નજર જમનાથી અજાણ ન હતી. તે પણ ક્રોધથી સળગી ઊઠી: ‘તમને હું… એવી હલેકટ લાગું… છું…? તો આજ દિ’ સુધી આમ ખોટું ગાડું શું કામ તાણ્યું…?’

‘ઇ… મારી મૂર્ખાઇ…! મેં ધાર્યું’તું કે તું સુધરી જઇશ, પણ તું… તો સાવ બગડતી હાલી.’ ભવાનનો પારો ઊંચો ને ઊંચો ચઢયે જતો’તો. તો સામે જમના પણ આજ તો જાણે લડી લેવાના મૂડમાં હતી: ‘તમને એમ કે મને કાંઇ ખબર પડતી નથી કાં…? પણ હું બધુંય સમજું છું. તમારી જેવા ઘડીકના, માણાહ હાર્યે ભવ કાઢવા કરતાં તો બહેતર છે… કે…’
જમનાએ પોતાનો બચકો બાંધ્યો ને ચાલી નીકળી. એકબીજાની ખેંચતાણ એવી ભયંકર નીવડી કે… કોઇની સમજાવટ પણ કામ ન આવી. છેડા છૂટકો થઇને જ રહ્યો.
ભવાને ફરી ઘર માંડયું તો સામે જમના પણ કાંઇ ઘેર ન બેઠી. તેનેય બીજે ઠેકાણે દીધી. બંનેએ નવો સંસાર શરૂ કર્યો.

એક દિવસ ભવાન બાજુના શહેરમાં હટાણું કરવા ગયો હતો. સ્ટેશનમાં તે બસ આવવાની રાહમાં આંટા મારતો’તો. ત્યાં સ્ટેશનના બાંકડે હાંડપીંજર જેવી જમના બેઠી’તી. તેની આવી દશા જોઇને ભવાનના કાળજામાં શારડી ફરવા માંડી. તે પોતાની જાતને ન રોકી શક્યો ને જમનાની નજીક જઇને ઊભો રહ્યો. જમના નીચું જોઇને બેઠી હતી. જાણે આ માણસોથી છલકાતાં સ્ટેશનને બદલે નિર્જન વગડામાં બેઠી હોય. સાહસ કરીને ભવાન બોલ્યો. ‘આ… તને શું થઇ ગયું…?’

જમનાએ ઊંચું જોયું. ઘડીક જોઇ રહી… ભવાનને. કાંઇ બોલી નહિ… પણ આંખો છલકી ગઇ ને ફરી નીચું જોઇ ગઇ. ભવાન જોઇ રહ્યો. આંખો દેખાતી નહોતી પણ બેઠેલી જમનાના ખોળામાં આંસુની ધાર પડતી’તી. જાણે તે જમના નહોતી પણ વેદનાનો જીવતો જાગતો અવતાર હતો.

ભવાન ભારે પગે ત્યાંથી દૂર ખસી ગયો. એની આંખો પણ પરાણે છલકી ગઇ; માણસોના સમૂહ વચ્ચે, પુરુષનો અંચળો ઉતારીને.

ભવાનને કાળજે ખાલીપો ફરી વળ્યો: ફક્ત બે બોલ જમના બોલી હોત તો કેવું સારું હતું….! ભલે મીઠાં નહિ તો કડવાય, પણ… બોલી હોત તો હું એને મારા કાળજામાં સંઘરી રાખત.
ભવાન છેટે જઇને બેસી ગયો. તેનું અંતર જમનાના વેણ સાંભળવા ઝૂરવા માંડ્યું. તે ઝૂરતા અંતરને અંતરમાંથી જ જવાબ મળ્યો: જમના હવે ક્યાંથી બોલે…? એને તો સિંદોર પાઇ દીધો છે… ભવાન, તારા જેવા પુરુષોએ.

ભવાનને પોતાની નવી પત્ની યાદ આવી ગઇ. એ મનોમન તેના મૂંઢપણાંને પામી ગયો: જમના જેવી અનેક હસતી-રમતી સ્ત્રીઓને મારા જેવા વગર સમજયે સિંદોર પાયા જ કરે છે. ને સૌભાગ્યનો શણગાર સિંદોર આટલો બધો ક્રૂર હશે એવી ખબર કોને હતી…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button