પાલિકાની તિજોરી ખાલીખમ: પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાના લક્ષ્યાંક સામે ૧૦ ટકા વસૂલ
ત્રણ મહિના બાકી ને માત્ર ૬૩૮ કરોડ રૂપિયા વસૂલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૬,૦૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જોકે તેની સામે પાલિકાની તિજોરીમાં માત્ર ૬૩૮ કરોડ રૂપિયા જ જમા થયા છે. આર્થિક વર્ષ પૂરું થવાને માત્ર ત્રણ મહિના બાકી છે ત્યારે લક્ષ્યાંક સામે લગભગ ૧૦ ટકા ટેક્સ જ પાલિકા વસૂલ કરી શકી છે. તેથી આગામી ત્રણ મહિના બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે પાલિકાએ કમર કસી છે અને મુંબઈના પ્રોપર્ટી ટેક્સ ધારકોને નવા બિલ મોકલવાની શરૂઆત કરી દીધી છે.
પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્રોત ગણાય છે. જોકે કાયદાકીય જટીલતાને કારણે પાલિકાએ તાજેતરમાં જ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના બિલવ મોકલવાનું ચાલુ કર્યું છે. તેથી આગામી ત્રણ મહિનામાં ૬,૦૦૦ કરોડ રૂપિયાના લક્ષ્યાંકને પાર કરવા પાલિકા પ્રશાસને જબરી કવાયત હાથ ધરવી પડવાની છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાની આવકનો મુખ્ય આધાર પ્રોપર્ટી ટેક્સ ગણાય છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં પાલિકાની આ જ આવકને ફટકો પડ્યો છે. મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના રહેણાક મકાનનો પ્રોપર્ટી ટેક્સ સરકારે માફ કરી દીધો છે, તેને કારણે લગભગ ૪૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એ ઉપરાંત ૨૦૨૦-૨૧ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સમાં સુધારો અપેક્ષિત હતો, પરંતુ કોવિડ મહામારીને કારણે આ નિર્ણય મોકૂક રહ્યો હતો, જે છેક ૨૦૨૩ સુધી ચાલુ રહ્યો હતો, તેને કારણે પાલિકાની આવકમાં ૧,૦૮૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેથી પાલિકાએ ૨૦૨૨-૨૩માં પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક ૭,૦૦૦ કરોડ રૂપિયાથી ૪,૮૦૦ કરોડ રૂપિયાનો કરી નાંખ્યો હતો. જોકે તેની સામે પાલિકા લક્ષ્યાંક કરતા પણ વધુ એટલે કે ૫,૫૭૫ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી હતી, જેમાં તે મોટા મોટા ડિફોલ્ટરો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી હતી.
આ દરમિયાન ૨૦૨૩-૨૪માં પાલિકાએ પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલવામાં જ નવ મહિના ખેંચી નાંખ્યા હતા. છેક ડિસેમ્બર મહિનો આવ્યો ત્યારે પાલિકાએ બિલો મોકલવાનું ચાલુ કર્યું હતું. તાજેતરમાં પાલિકાએ પોતાની વેબસાઈટ પર ૧૫થી ૨૦ ટકા વધારા સાથએના બિલ મૂકતા કરદાતાઓની સાથે જ ભૂતપૂર્વ નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો. એ બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી. કરદાતાઓને પહેલી એપ્રિલ, ૨૦૨૩ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ અને પહેલી ઓક્ટોબર, ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ સુધીના બે કામચલાઉ બિલો મોકલવામાં આવશે એવી સ્પષ્ટતા પણ કમિશનરે કરી હતી.
કામચલાઉ બિલ ૨૦૨૨-૨૩માં ચૂકવવા પાત્ર રકમની બરાબર હશે. કરદાતાઓ પહેલું બિલ (પહેલી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર) ૧૫ જાન્યુઆરી સુધીમાં ચૂકવવાનું રહેશે. બાકીના છ મહિનાનું બિલ ૨૫ માર્ચ ૨૦૨૪ સુધી ચૂકવવાનું રહેશે.
ગયા વર્ષે પાલિકાએ પહેલી એપ્રિલથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ વચ્ચે ૩,૫૫૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. તેની સામે આ વર્ષે નવ મહિનામાં ફક્ત ૬૩૮ કરોડ રૂપિયા વસૂલ કરી શકી છે, ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આગામી ત્રણ મહિનામાં તેઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં સફળ રહેશે.