મુંબઈના એર કાર્ગોમાંથી 16 લાખ વિદેશી સિગારેટ જપ્ત
મુંબઈ: રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ) દ્વારા એર કાર્ગોના બેડશીટમાં છુપાવીને વિદેશી સિગારેટની દાણચોરી કરતાં એક વ્યક્તિ ઝડપાયો હતો. તપાસ કરતાં 16 લાખ વિદેશી સિગારેટ મળી આવી હતી. આ વિદેશી સિગારેટની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ મામલે ડીઆરઆઇ દ્વારા શનિવારે બ્રોકરની ધરપકડ કરી હતી. આ પહેલા પણ ડીઆરઆઇને ન્હાવા શેવા બંદરના એક કન્ટેનરમાંથી 5.45 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ જપ્ત કરી હતી.
મુંબઈના એર કાર્ગોમાં સિગારેટની દાણચોરી મામલે કાળુરામ કોકણે નામના આરોપીની અટક કરવામાં આવી છે. મુંબઈના એર કાર્ગો કોમ્પ્લેક્સમાં દુબઈથી એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલમાં બેડશીટ હોવાની માહિતી આપવામાં આવી હતી. પણ શનિવારે આ પાર્સલની તપાસ કર્યા બાદ તેમાં બેડશીટમાં છુપાવેલી સિગારેટ મળી આવી હતી. ત્યારબાદ ડીઆરઆઇ દ્વારા આ મામલે કાર્યવાહી કરી 15,86,960 વિદેશી સિગારેટ જપ્ત કરી હતી, અને આ સિગારેટની કિંમત અંદાજે 2.40 લાખ જેટલી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
આ મામલે વધુ તપાસ કરતાં સિગારેટને કોકણે દ્વારા મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, અને એક કંપનીના આયાત નિકાસ નંબરનો ઉપયોગ કરીને આ સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી. કોકણે સાથે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે 100 રૂપિયા પ્રતિ કિલોની દલાલી લઈને આ સિગારેટ મંગાવી હતી. પોલીસ દ્વારા આરોપી પાસેથી 70,000 રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી.
ચીનથી દુબઈ અને દુબઈથી મુંબઈ વિદેશી સિગારેટની દાણચોરી થતી હોવાની માહિતી ડીઆરઆઇને મળી હતી. સિગારેટની તસ્કરી પાછળનો મુખ્ય આરોપી કોણ છે એ બાબતે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.