આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં ખાડી કિનારે ચાલતી રેવ પાર્ટી પર પોલીસની રેઇડ: પાંચ મહિલા સહિત 95 જણ દારૂ પીતા, ડ્રગ્સનું સેવન કરતા પકડાયા

બે આયોજકને તાબામાં લેવાયા: રૂ. આઠ લાખનું ડ્રગ્સ, 29 મોટરસાઇકલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નવા વર્ષની પૂર્વસંધ્યાએ થાણેમાં ખાડી કિનારે ચાલતી રેવ પાર્ટી પર ક્રાઇમ બ્રાન્ચે મળસકે રેઇડ પાડીને પાંચ મહિલા સહિત 95 જણને ઝડપી પાડ્યા હતા, જેઓ ડ્રગ્સનું સેવન કરી દારૂના નશામાં નાચતા મળી આવ્યાં હતાં. પોલીસે રેવ પાર્ટીનું આયોજન કરનારા બે જણને પણ તાબામાં લીધા હતા અને ત્યાંથી રૂ. આઠ લાખનું ડ્રગ્સ, 29 મોટરસાઇકલ તેમ જ અન્ય સામગ્રી જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

થાણેમાં નવા વર્ષના સ્વાગત માટે યોજાતી પાર્ટીઓમાં ડ્રગ્સનું વેચાણ તેમ જ સેવન થતું હોવાથી આવી પાર્ટીઓ પર નજર રાખી કાર્યવાહી કરવાના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા. દરમિયાન બે જણે થાણેના કાસારવડવલીમાં ખાડી કિનારે ખુલ્લી જગ્યામાં યુવાનો માટે રેવ પાર્ટીનું આયોજન કર્યું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ના અધિકારીઓને મળી હતી. આથી પોલીસ ટીમે રવિવારે મળસકે ત્યાં રેઇડ પાડી હતી.

એ સમયે ત્યાં પાંચ મહિલા સહિત 95 જણ ડ્રગ્સનું સેવન કરીને દારૂના નશામાં ડીજે પર નાચતાં મળી આવ્યાં હતાં. પોલીસે ત્યાંથી ચરસ, એલએસડી, એક્સટસીની ગોળીઓ અને ગાંજાની સાથે દારૂ પણ જપ્ત કર્યો હતો. રેવ પાર્ટીનું આયોજન કરનારા ડોંબિવલીના તેજસ કુનાલ અને કલવાના સુરલ મહાજનને પણ તાબામાં લીધા હતા.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને જણે પાર્ટીની યોજના બનાવી હતી અને બે કલાક અગાઉ જ સોશિયલ મીડિયા પર લોકેશનની જાહેરાત કરી હતી. તેમણે વ્યક્તિદીઠ એન્ટ્રિ ફી તરીકે રૂ. એક હજાર ચાર્જ લીધો હતો. પાર્ટીમાં ડ્રગ્સ કોણે સપ્લાય કર્યું હતું, તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button