રામ મંદિરના નામે થઇ રહ્યો છે સાયબર ફ્રોડ, શું તમે પણ ઓનલાઇન દાન આપ્યું છે?
નવી દિલ્હી: જો તમે રામમંદિરમાં ઓનલાઇન ફંડ-ફાળો આપ્યો હોય તો તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. રામમંદિરના નામે વેબસાઇટ ઉભી કરી દેશવ્યાપી સાયબર ફ્રોડ થઇ રહ્યો છે, આ મુદ્દે વિશ્વ હિંદુ પરિષદએ ગૃહ મંત્રાલય, ડીજીપી ઉત્તરપ્રદેશ અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને કડક કાર્યવાહીની માગ કરી છે.
અમુક સોશિયલ મીડિયા સાઇટ પર રામમંદિરના નામનું પેજ ઉભું કરીને લોકો પાસેથી રામમંદિર માટે ડોનેશનની માગણી કરવામાં આવી રહી છે, અને કહેવાઇ રહ્યું છે કે લોકોને મંદિરના કાર્યક્રમમાં સામેલ થવા માટે અયોધ્યા બોલાવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા સાઇટ પર “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા, ઉત્તર પ્રદેશ” નામનું બનાવટી પેજ બનાવવામાં આવ્યું છે. પેજ પર QR કોડ પણ મૂકવામાં આવ્યો છે. અહીં રામ મંદિરના નામે દાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ પેજ પર નામ-નંબર પણ મુકવામાં આવ્યા હતા.
અયોધ્યાથી VHPના સભ્યે છેતરપિંડી કરનાર સાથે ફોન પર વાત પણ કરી હતી, જેમાં રામ મંદિરના નામે દાન માંગનાર વ્યક્તિએ કહ્યું હતું કે, “શક્ય હોય તેટલું દાન કરો, દાન આપનારના નામ-નંબર ડાયરીમાં નોંધવામાં આવશે, જ્યારે મંદિર પૂર્ણ થશે, તમામ તમને અયોધ્યા બોલાવવામાં આવશે. હું અયોધ્યાથી બોલી રહ્યો છું…”
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે, મેં ગૃહ મંત્રાલય, ડીજીપી ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોલીસ કમિશનરને આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે.