ઉત્સવ

અજાણી વ્યક્તિ પણ ક્યારેકસુખનો પાસવર્ડ આપી જાય…!

એ બહેન ગુજરાતી નીકળ્યાં. એ કહે: અહીં આજુબાજુમાં ચાર-પાંચ ઓટોશોપ અને ટાયરની દુકાનો છે, પરંતુ આજે તો ૪ જુલાઈ છે એટલે કદાચ બધું બંધ હશે. અમારો સ્ટોર તો ગેસ સ્ટેશન સાથે છે એટલે ખુલ્લો છે. તમે જુઓ કોઈ ટાયરવાળા મળી જાય તો ઠીક છે નહીં તો અહીં પાછા આવજો. આપણે કોઈક રસ્તો કાઢવાની કોશિશ કરીશું.

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

૨૦૨૩ના જૂન-જુલાઈ મહિના દરમિયાન હું અમેરિકાના પ્રવાસે ગયો હતો એ દરમિયાન ઘણા બધા અનુભવો થયા. એમાંના કેટલાક સુખદ અનુભવો વાચકો સાથે શૅર કરવા છે… અમે જગવિખ્યાત નાયગ્રા ધોધની મુલાકાત લેવા ઇચ્છતા હતા એટલે બફેલો જવાનું નક્કી કરી. મારા કઝિન પિનાકીન પટેલે કહે: આપણે બાય રોડ જઈએ. હું તમને મારી કારમાં લઈ જઈશ.
‘ચોથી જુલાઈના દિવસે બપોરે હું અને મારી પત્ની પિનાકીન સાથે એની ‘હોન્ડા પાઇલટ’ કારમાં ફિલાડેલ્ફિયાથી બફેલો જવા નીકળ્યાં. પિનાકીને કહેલા અંદાજ પ્રમાણે અમે આશરે સાડા પાંચથી-છ કલાકમાં બફેલો પહોંચી જવાનાં હતાં. ફિલાડેલ્ફિયાથી બફેલો વચ્ચેનું અંતર ૩૫૦ માઈલનું છે, પરંતુ અમેરિકાના રસ્તાઓ એટલા સારા છે કે આપણે એટલું અંતર છએક કલાકમાં કાપી શકીએ.
લોંગ ડ્રાઇવનો આનંદ માણતાંમાણતાં બફેલો જઈ રહ્યાં હતાં. રસ્તામાં મને સહેજ શંકા પડી કે કાર એક બાજુ ખેંચાઈ રહી છે. મેં પિનાકીનને કહ્યું: કદાચ તારી કારની જમણી બાજુના પાછળના વ્હીલમાં પંકચર થયું લાગે છે.

પિનાકીન કહે: ના, ના. એવું નથી. મેં પણ હમણાં સ્ક્રીન પર જોયું. સેન્સર બતાવી રહ્યું છે કે એ વ્હિલમાં એર પ્રેશર ઓછું છે. નજીકમાં ક્યાંક ગેસ સ્ટેશન (અમેરિકામાં પેટ્રોલ પંપને ગેસ સ્ટેશન કહે છે) આવે એટલે આપણે ત્યાં એ વ્હિલમાં હવા ભરાવી લઈશું અને બીજાં બધાં વ્હિલમાં પણ હવા ચેક કરાવી લઈશું. ડોન્ટ વરી.

એ પછી અમે થોડા માઈલ આગળ ગયા પછી એક નાના ટાઉનમાં પ્રવેશવા માટે એક્સપ્રેસ વેથી એક્ઝિટ લીધી. ત્યાં એક ગેસ સ્ટેશન પાસે જઈને કાર ઊભી રાખી. નીચે ઊતરીને જોયું તો કારની જમણી બાજુના પાછળના ટાયરમાં બિલકુલ હવા નહોતી અને હવા વિના થોડા માઈલ કાર ચાલી હતી એટલે એ ટાયર ચિરાઈ ગયું હતું!

મને હતું કે આપણે ત્યાં વાહનોમાં જે રીતે સ્પેર વ્હિલ હોય એ રીતે આપણે જાતે ટાયર બદલી નાખીશું. પહેલાં તો એ કારમાં સ્પેર વ્હિલ ક્યાં છે એ શોધવા માટે અમે માથાકૂટ કરી, પણ અમને સફળતા ન મળી. પિનાકીને નવી જ કાર લીધી હતી અને ક્યારેય આવી નોબત નહોતી.

એ ગેસ સ્ટેશનની સાથેના જનરલ સ્ટોરમાં કાઉન્ટર પર ઊભેલી એક મહિલાને પૂછ્યું કે અહીં ક્યાંય ટાયર વેચતી દુકાન છે?

એ બહેન ગુજરાતી નીકળ્યાં. એ કહે: અહીં આજુબાજુમાં ચાર-પાંચ ઓટોશોપ અને ટાયરની દુકાનો છે, પરંતુ આજે તો ૪ જુલાઈ છે એટલે કદાચ બધું બંધ હશે. અમારો સ્ટોર તો ગેસ સ્ટેશન સાથે છે એટલે ખુલ્લો છે. તમે જુઓ કોઈ ટાયરવાળા મળી જાય તો ઠીક છે નહીં તો અહીં પાછા આવજો. આપણે કોઈક રસ્તો કાઢવાની કોશિશ કરીશું.

આમ પણ કારનું ટાયર ચિરાઈ ગયું હતું એટલે અમે એ હવા વિનાનાં – ચિરાયેલાં ટાયર સાથે જ આજુબાજુની દુકાનો શોધવાની કોશિશ કરી, પરંતુ ૪ જુલાઈ એ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન છે એટલે એ દિવસે મોટાભાગની શોપ બંધ હતી. અમે નિરાશ થઈને પાછા ગેસ સ્ટેશન ગયાં.

અમે ત્યાં પહોંચ્યા એ વખતે જ એ સ્ટોરના માલિક બિન્દુબહેન પટેલનો યુવાન કઝિન ત્યાં બહારથી આવ્યો હતો. એ અમારી મદદે આવ્યો. એ કહે: તમારે ઈમરજન્સી સર્વિસમાં કોલ કરીન સહાય માગવી પડશે. એટલે કંપનીમાંથી કોઈ વાહન આવશે અને સ્પેર વ્હીલ બદલી આપશે.

એ યુવાને ઈમરજન્સી સર્વિસમાં કોલ કરીને મદદ માગી સામેથી જાણ કરવામાં આવી કે દોઢેક કલાકમાં કંપનીનું વાહન આવશે અને તમને સ્પેર વ્હિલ નાખી આપશે…. અમે એ વાહનની રાહ જોતાં હતાં, પણ બહાર ગરમી હતી એટલે અમે એ સ્ટોરમાં ગયા. સ્ટોરના માલિક બિન્દુબહેને પૂછ્યું : શું થયું?

અમે કહ્યું : દોઢેક કલાકમાં વાહન આવશે અને સ્પેર વ્હીલ નાખી આપશે. તો એ બહેન કહે :મારું ઘર નજીકમાં જ છે ત્યાં જઈને તમે આરામ કરી શકો છો. તમે ફિલાડેલ્ફિયાથી અહીં સુધી ડ્રાઈવ કરીને આવ્યા છો અને હજી તમારે બફેલો સુધી જવાનું છે. ઇમરજન્સી સર્વિસનું વાહન આવશે એટલે હું તમને કોલ કરી દઈશ. ચિંતા ન કરતાં અને આજે ૪ જુલાઈ છે એટલે કોઈ સંજોગોમાં વાહન ન પણ આવે તોય મૂંઝાતા નહીં.

જોકે અમે બિન્દુબહેનની ઓફરનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. એક તો અમે અજાણ્યા હતા અને અમને એવું પણ લાગ્યું કે એ કહેવા ખાતર જ કહેતાં હશે એટલે અમે કહ્યું કે અમને અહીં સ્ટોરમાં જ થોડી વાર સમય પસાર કરવા દો.

એ પછી લગભગ સવા ક્લાક બાદ એક વેન આવી. એમાંથી એક અમેરિકન ડ્રાઈવર ઊતર્યો અને એણે ફટાફટ પોતાની વેનમાંથી એક પાતળું વ્હીલ કાઢ્યું. એ પછી જેક લગાવીને પિનાકીનની કારનું ચિરાયેલું વ્હિલ કાઢીને એ સ્પેર વ્હીલ એમાં લગાવ્યું. એ વ્હીલની સાઈઝ જોઈને અમે એકબીજા સામે મોં વકાસીને જોઈ રહ્યાં, કારણ કે ‘હોન્ડા પાયલટ’નાં ખાસ્સાં પહોળાં વ્હિલ કરતાં લગભગ ત્રીજા કે ચોથા ભાગ જેટલું પાતળું એ વ્હિલ હતું!

પિનાકીનને પણ આ રીતે ક્યારેય ટાયર બદલવાની નોબત નહોતી આવી. એટલે તેનેય ખબર નહોતી કે એ કારમાં સ્પેર વ્હિલ આવતું જ નથી. એ પછી પેલા અમેરિકન ડ્રાઈવરે હસતાં-હસતાં બાય બાય’ કહ્યું. જતા-જતા એ કહેતો ગયો: યુ કેન ગો અપ ટુ ટ્વેન્ટી ટુ થર્ટી માઈલ વિથ ધિસ વ્હીલ (એટલે કે તમે આ વ્હિલ સાથે ૨૫થી ૩૦ માઈલ દૂર સુધી જઈ શકો છો. ત્યાં સુધીમાં તમે કોઈ બીજી વ્યવસ્થા કરી લેજો)!

અમે ઊતરેલા ચહેરે ફરી વાર પેલા સ્ટોરમાં ગયાં. બિંદુબહેને અમને પૂછ્યું: શું થયું?

અમે તેમને વાત કરી. અમારા ચહેરા પરના ભાવ જોઈને એમણે પોતાની કારની ચાવી અને ઘરની ચાવી અમારી સામે ધરીને હૂંફ અને આત્મીયતાભર્યા કહ્યું, હું મારું એડ્રેસ આપું છું. તમે મારી કાર લઈને મારાં ઘરે જતાં રહો. તમે રાતે મારા ઘરે જ રોકાઈ જજો અને કાલે તો બધી શોપ ખૂલી હશે. તમે નવું ટાયર નાખીને બફેલો જવા નીકળજો.

અમને સુખદ આશ્ર્ચર્ય થયું. એ બહેને અમને ઓળખતા નહોતા કે કોઈ રેફરન્સ પણ નહોતો. અમે એમને જિંદગીમાં પહેલીવાર મળી રહ્યાં હતાં, પણ અમારામાં વિશ્ર્વાસ મૂકીને એમણે પોતાનાં ઘર અને કારની ચાવી આપીને પોતાને ત્યાં રોકાવાનું આમંત્રણ આપી રહ્યાં હતાં!
વાત થોડી લાંબી છે એટલે આગળની વાત આવતા રવિવારે કરીએ….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા