ભગવાન શ્રીરામને જ હવે ચૂંટણીમાં ઉતારવાનું બાકી: સંજય રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે કૉંગ્રેસની સતત ટીકા કરવાનું શનિવારથી બંધ કરી દીધું હતું અને પોતાનું ધ્યાન ભાજપ પર વાળ્યું હતું. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ થઈ રહેલા શ્રીરામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીને મુદ્દો બનાવતાં કહ્યું હતું ભાજપ તરફથી હવે પ્રભુ શ્રીરામને ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાનું જ બાકી રહ્યું છે. બાકી અત્યારે ભગવાન રામના નામે ભારે રાજકારણ ખેલાઈ રહ્યું છે.
કૉંગ્રેસની ગઈકાલે કરવામાં આવેલી ટીકાને મુદ્દે ફેરવી તોળતાં રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ શૂન્ય છે એવું હું બોલ્યો જ નહોતો. કૉંગ્રેસ પાસે આજે એકેય સંસદસભ્ય નથી એમ મારે કહેવું હતું. અમારી પાસે 18 સંસદસભ્ય હતા, તેમાંથી કેટલાક જતા રહ્યા છે. એનસીપી પાસે ચાર-પાંચ સંસદસભ્ય હતા, તેમાંથી એક-બે ઓછા થઈ ગયા પણ કૉંગ્રેસ પાસે આજે એકેય સંસદસભ્ય નથી. અમે એકત્ર લડીને મહારાષ્ટ્રમાં 40 બેઠકો જીતી શકીએ છીએ એટલી અમારી તાકાત છે, એમ તેમણે કહ્યું હતું.
ભાજપને જીતવા માટે ઈવીએમ આવશ્યક છે એમ જણાવતાં રાઉતે કહ્યું હતું કે આજે દેશમાં એકેય પક્ષ એવો નથી જે સ્વબળે જીતી શકે. ભાજપને પણ જીતવા માટે ઈવીએમની આવશ્યકતા છે, જ્યારે અમને જીતવા માટે સાથી પક્ષોની આવશ્યતકતા છે. સહયોગી પક્ષ વગર જીતવું મુશ્કેલ છે.