આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના ત્રણ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક

ત્રણ વોર્ડ પાલિકાના રડાર પર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં ધૂળનું પ્રદૂષણ સતત વધી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેમાં મુખ્યત્વે કોલાબા, જૂહુ અને બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)નો સમાવેશ થાય છે.

આ ત્રણે વિસ્તારમાં વધતા પ્રદૂષણને કારણે પાલિકા કમિશનરે આ વિસ્તારો પર ખાસ ધ્યાન રાખવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે મુંબઈમાં શનિવારે સાંજના ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૭૫ નોંધાયો હતો.

મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મુંબઈમાં મોટા પાયા પર ચાલી રહેલા જુદા જુદા વિકાસકામોને કારણે વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે. ધૂળ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે. ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન પણ અમલમાં મૂકી છે.

છતાં મુંબઈના પ્રદૂષણમાં નોંધનીય ઘટાડો જણાતો નથી. વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ કલાઉડ સીડિંગનો પણ પ્રોજેક્ટ હાથ ધરવાની છે. જોકે હાલ વધતા પ્રદૂષણને કારણે મુંબઈમાં અસ્થમા સહિત શ્ર્વાસોશ્ર્વાસની ગંભીર બીમારી ધરાવતા લોકોની તકલીફ વધી ગઈ છે.

મુંબઈમાં હાલ મોટા પાયા પર ‘ડીપ ક્લીન’ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત તાજેતરમાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી, તેમાં મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને દક્ષિણ મુંબઈ સહિત પશ્ર્ચિમ ઉપનગરમાં વધતા પ્રદૂષણને ઘટાડવા માટે તેમણે સંબંધિત અધિકારી અને ખાતાને નિર્દેશ આપ્યો હતો. કમિશનરે આ બેઠકમાં ‘એચ-પૂર્વ’ વોર્ડમાં બીકેસી પરિસર, ‘કે-પશ્ર્ચિમ’ વોર્ડમાં જુહૂ પરિસર અને ‘એ’ વોર્ડમાં કોલાબા-નેવી નગરમાં હવાના પ્રદૂષણ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

મુંબઈના આ ત્રણેય વિસ્તારમાં બાંધકામને કારણે હવામાં ધૂળનુ પ્રમાણ વધી ગયું હોવાની શક્યતા છે. તેથી આ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પાલિકાએ બનાવેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું ન હોવાનો અંદાજ છે. તેથી સંબંધિત વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને જે વિસ્તારમાં બાંધકામને લગતી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી ત્યારે સીધી કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો. તેમ જ આ ત્રણે વિસ્તારમાં ધૂળને નિયંત્રણમાં લાવવા માટે પાણીનો છંટકાવ વધારવા પર ભાર આપવાનું પણ કમિશનરે કહ્યું હતું.

મુંબઈનો એક્યુઆઈ ૧૭૬

મુંબઈમાં હવાની ગુણવત્તા શનિવારે સતત બીજા દિવસે પણ ખરાબ નોંધાઈ હતી. મુંબઈમાં સાંજના સમયે સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૭૬ રહ્યો હતો. બાંદ્રામાં ૧૧૨, બીકેસીમાં ૧૧૮, બોરીવલીમાં ૧૦૨, કોલાબામાં ૧૧૪, દેવનાર ૧૦૨, જૂહુમાં ૧૧૦, કુર્લામાં ૧૧૮, મલાડમાં ૧૪૯, મઝગાંવમાં ૧૧૫ જેટલો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button