આ વખતે મહારાષ્ટ્રની 48 લોકસભા સીટો પર જોવા મળશે જોરદાર જંગ….
મુંબઈઃ 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોતાની રીતે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. ત્યારે જે રાજ્યોમાં સૌથી વધારે સીટો છે ત્યાં આ વખતે ભાજપ અને કાંગ્રેસની એકબીજાની સામે જોરદાર જંગ જામશે. જેમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર સૌથી વધુ લોકસભા સીટો ધરાવતું રાજ્ય છે.
ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 અને મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે. મહારાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. શિવસેના સાથે ગઠબંધન કરીને બંનેએ 41 બેઠકો જીતી હતી. જેમાં ભાજપે 23 અને શિવસેનાએ 18 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. કારણ કે આ વખતે ભાજપ સાથે શિવસેનાનો છેડો તૂટી ગયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પણ બે ટુકડા થઈ ગયા છે. અજિત પવારે ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર સાથે જોડાણ કર્યું છે, જ્યારે શરદ પવારે વિપક્ષને સાથ આપ્યો છે. જેના કારણે હાલમાં મહારાષ્ટ્રના રાજકારણની પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે.
ભાજપ શહેરી વિસ્તારમાં સારો દેખાવ કરી શકે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તેનું પ્રદર્શન કેવું રહેશે તે કહી શકાય નહિ કારણ કે રાજ્યમાં હાલ કૃષિ સંકટ છે. કારણકે કમોસમી વરસાદ અને અણધાર્યા હવામાનના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. રાજ્ય સરકાર ખેડૂતોને વળતર આપી રહી છે પરંતુ તે કદાચ પૂરતું નથી. આ ઉપરાંત ટામેટા અને ડુંગળી પર છેલ્લા એક વર્ષમાં જુદા જુદા સમયે નિકાસ પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્રના હસ્તક્ષેપથી ખેડૂતો ઘણા નાખુશ છે. તેમજ રાજ્યના મંત્રીઓએ પ્રતિબંધ હટાવવા માટે કેન્દ્ર સાથે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.
એનસીપીના 53 ધારાસભ્યોમાંથી અજિત પવાર પાસે લગભગ 30 ધારાસભ્યો છે. 2019ની સંસદીય ચૂંટણીમાં એનસીપીએ તેના ગઢ બારામતી સહિત ચાર બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટીમાં વિભાજન સાથે એનસીપીની સંખ્યામાં વધુ ઘટાડો થવાની ધારણા છે. ત્યારે શરદ પવાર બીજેપીની આગેવાની હેઠળના ગઠબંધનને નુકસાન પહોંચાડવા માટે કૃષિ સંકટનો મુદ્દો ઉઠાવી શકે છે.
મહોરાષ્ટ્રમાં શિંદે પાસે શિવસેનાનું નામ અને પક્ષનું ચૂંટણી ચિન્હ હોઈ શકે છે, ત્યારે એવી પણ ચર્ચા છે કે ભાજપ રાજ્યમાં વધુ બેઠકો જીતવા માટે 32 થી 35 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે.