IND vs SA Test: હાર બાદ ભારતને વધુ એક ફટકો, ICCએ લગાવ્યો ભારે દંડ
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ICCએ ભારતીય ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે સાથે ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બે પોઈન્ટ પણ ગુમાવ્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી 2 પોઈન્ટ કપાઈ ગયા છે. આ સાથે ICCએ મેચ ફીના 10 ટકાનો દંડ પણ લગાવ્યો છે. અમીરાત ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના ક્રિસ બ્રોડે ઇન્ડિયન ટીમને આ દંડ ફટકાર્યો હતો.
ટેસ્ટ હાર બાદ ભારત WTC પોઈન્ટ ટેબલમાં ત્રણ ટેસ્ટમાં 16 પોઈન્ટ અને 44.44 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે 5માં નંબરે સરકી ગયું હતું, જો કે, સ્લો-ઓવર રેટ માટે 2 પોઈન્ટની કપાયા બાદ ભારતની સ્થિતિ વધુ નબળી પડી છે. હવે ટીમ ઇન્ડિયા 14 પોઈન્ટ્સ અને 38.89 પર્સેન્ટેજ પોઈન્ટ્સની સાથે ઓસ્ટ્રેલિયાથી નીચે નં.6 પર આવી ગઈ છે.
ICCના નિયમો અનુસાર, જો ટીમ નિર્ધારિત સમયમાં ચોક્કસ સંખ્યામાં ઓવર ફેંકી ના શકે તો તેને સ્લો ઓવર રેટનો નિયમ લાગુ પડે છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને દરેક ઓવર માટે મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 2 ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે તેને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આફ્રિકા સામેની હારથી ભારતને ઘણું નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે, જયારે દક્ષિણ આફ્રિકા ટોચ પર પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા અને બાંગ્લાદેશ ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની પાંચમા સ્થાન પર છે.