આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં રવિવારે ‘મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’

દરરોજ ૧,૦૦૦ કિલોમીટર રસ્તા ધોઈને સાફ કરવાનું લક્ષ્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સ્વછતા ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત રવિવારે, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના ‘મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ હેઠળ મુંબઈમાં ૧૦ જગ્યાએ મોટા પ્રમાણમાં સફાઈનું કામ હાથ લેવામાં આવશે એવી જાહેરાત પાલિકાએ કરી છે.

રવિવારના ૧૦ જગ્યાએ ‘મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ અમલમાં મૂકવામાં આવવાની છે, જેથી કરીને તેની કાર્યપદ્ધતી ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્યના અન્ય શહેર અને સ્થાનિક પાલિકા પણ તેમના સ્તર પર તેને અમલમાં મૂકી શકે. તે માટે મુંબઈ મહાનગરપાલિકાની યંત્રણાને આવશ્યક તૈયારીઓ કરવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો હતો.

મુંબઈને સ્વચ્છ કરવામાં માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ બાબતે કમિશનરે કહ્યું હતું કે મુંબઈમાં આગામી સમયમાં દરરોજ ૧,૦૦૦ કિલોમીટર લંબાઈના રસ્તાને નિયમિત સ્વચ્છ કરીને ધોવાનું આયોજન છે. તે માટે વધારાનું મનુષ્યબળ, પાણીના ટેન્કર, મશીનરીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ સિવાય પાલિકા દ્વારા મુંબઈમાં ઠેક-ઠેકાણે લગાડવામાં આવતા ગેરકાયદે બેનર, જાહેરાતના પોસ્ટર વગેરે પણ હટાવવામાં આવવાના છે. હવાની ગુણવત્તાને અસર કરનારા ક્ધસ્ટ્રક્શન પ્રોજેક્ટ સામે આકરા પગલા લેવાનો આદેશ પણ કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો છે.

નોંધનીય છે કે મુંબઈમાં ૩ ડિસેમ્બર, ૨૦૨૩થી દર અઠવાડિયામાં એક દિવસ દરેક ઝોનમાં એક પ્રશાસકીય વોર્ડમાં ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ અમલમાં મૂકવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાની આ ઝુંબેશ હવે સમગ્ર રાજ્યમાં અમલમાં કરવામાં આવી છે. એ પાર્શ્ર્વભૂમી પર રવિવારના ૧૦ જગ્યાએ ‘મેગા ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ હાથ ધરાવાની છે, જેનો આરંભ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં સવારના નવ વાગ્યાથી થશે. અહીં લગભગ એક હજાર ગણવેશધારી સ્વચ્છતા કર્મચારીઓ સફાઈનું કામ હાથ ધરશે. ગેટ વે ઓફ ઈન્ડિયા બાદ મુંબઈમાં જુદા જુદા ૧૦ ઠેકાણે પણ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકાશે એવું પ્રશાસને કહ્યું હતું.

દરરોજ એક હજાર કિલોમીટર રસ્તા ધોવાનો લક્ષ્યાંક

મુંબઈમાં જુદા જુદા ઠેકાણે ચાલી રહેલા બાંધકામ, ડેવલપેન્ટના પ્રોજેક્ટના કામને કારણે ધૂળ ફેલાઈ રહી છે. વાયુ પ્રદૂષણ રોકવા માટે પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમા મૂકી છે. એ સાથે જ સ્વચ્છતા ઝુંબેશ હેઠળ પાણીનો છંટકાવ કરીને રસ્તા સ્વચ્છ કરવામાં આવે છે. અત્યાર સુધી સંપૂર્ણ મુંબઈમાં દરરોજ ૬૦૦ કિલોમીટર લંબાઈના રસ્તા નિયમિત રીતે સ્વચ્છ કરીને ધોવામાં આવી રહ્યા છે. તે માટે પાણીના ૧૨૧ ટેન્કર અને અન્ય મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આગામી દિવસમાં દરરોજ એક હજાર કિલોમીટર લંબાઈના રસ્તા સ્વચ્છ કરીને પાણીથી ધોવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button