પુરુષ

સ્વિત્ઝરલેન્ડ, વાયા ચારધામ, વાયા…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

સાંભળો છો?
કાન ખુલ્લા છે. એ જાહેર પ્રોપર્ટી છે એટલે બોલો.

તો સાંભળો, મારે એમ કહેવાનું છે કે, આપણે પણ આયોજન કરવું જોઈએ.

જે કહેવું હોય તે પોઇન્ટ ટુ પોઇન્ટ બોલો. પતિદેવ તાડૂક્યા.

એટલે કે મને એમ લાગે છે કે, જેમ બધા આયોજન કરે તેમ આપણે પણ આયોજન કરવું જોઈએ.

ઓ મારી મા…, પણ શેનું આયોજન એ ભસને…
તો કાન ખોલીને બરાબર સાંભળો, (કદાચ પતિદેવને મારા કાન ઉપર તમાચો મારવાનું મન થતું હશે પણ હજી મારા હાથની પૂરણ પોળી ખાવાની બાકી છે. બાકી તો…) આપણે આવતા મહિને સ્વિત્ઝરલેન્ડ તેમજ એની આસપાસના નાના નાના દેશો જોવા જવાનું આયોજન કરી નાખીએ.

પતિદેવ ખુરશી પરથી કૂદકો મારી ઊભા થયા અને આંખ લાલ કરી બોલ્યા, તું તો જાણે કે તારા મોહાળ કે પિયર ફરવા જવાનું આયોજન કરતી હોય એમ સ્વિત્ઝરલેન્ડ અને એની આસપાસના દેશોમાં મહાલવા જવાની વાત કરે છે. તું એક કામ કર; તારા બાપાને પહેલાં ફોન કર ને કહે કે, લગ્ન પછી હનીમૂન કરવા નહોતા મોકલેલાં તે આ વર્ષે યુરોપની ટૂરની ચાર ટિકિટ મોકલો.

પણ મારા બાપાએ તો બે ટિકિટનો વાયદો કર્યો હતો અને તમે આમ ચાર ટિકિટ માંગવાની વાત કરો છો? શરમ જેવું કંઈ છે કે નહીં?

તે તારા બાપાને કંઈ શરમ જેવું છે કે નહીં? લગ્ન બાદ જે ટિકિટ આપવાની હતી તે દસ વર્ષ પછી આપે તો મુદ્દલ ઉપર વ્યાજ બરાબર આપણા આ બે ટાબરિયાં, સમજી?

મારા બાપા ઉપર વધારે પ્રકોપ ઠાલવે એ પહેલાં મેં વાતને થોડો વળાંક આપ્યો, સાંભળો છો? બાજુવાળા રમેશભાઈ સિક્કિમ જઈ રહ્યા છે, તો મને છેલ્લે સિક્કિમ કે પછી પેલું ચારધામવાળું પણ ચાલશે.

તો હવે સાંભળ, બાજુવાળો રમેશ એની સ્કૂલમાંથી આઠ રૂપાળી શિક્ષિકાઓ સાથે સિક્કિમ જાય છે. તું કહે તો હું પણ મારી ઓફિસની સેક્રેટરી, સ્ટેનો અને પ્રોજેક્ટ મેનેજર વગેરે સાથે જ જાઉં. એમ પણ એ બિચારીઓને ફરવા કોણ લઈ જાય?

વાત ફરી આડે પાટે ચડી જતી લાગી એટલે મેં છેલ્લો દાવ ફેંક્યો, ચાલો, હવે મારું પણ નહીં ને તમારું પણ નહીં; આપણે આ વખતે ગોવા ફરી આવીએ. સસ્તી જાત્રા સિધ્ધપુરની. તમને એમ પણ ત્યાંની વાઇન બિયર બહુ પ્રિય છે.

અને તરત પતિદેવે ટ્રેક બદલતા કહ્યું, ગોવા પીવા માટે લાંબુ થવું એનાં કરતાં તો દમણની સિદ્ધપુરની જાત્રા તને કેવી લાગે? કારમાં બેઠા કે ચાર કલાકમાં દમણ!
મગજ તો એટલું ફાટતું હતું કે પિયર ભેગી થઈ જવાનું મન થયું, પણ પેલી સેક્રેટરી અને સ્ટેનો નજર સામે તાદૃશ્ય થયાં ને મનના ઘોડા છોડી વિચારવા લાગી.

સાંભળો છો? હું શું કહેતી હતી?

તું કશું કહેતી નહોતી માત્ર બકવાસ કરતી હતી. એક કામ કર રસોડામાં જા અને થાળી પીરસ. પૂરણ પોળી ઠંડી થાય છે.

પણ સાંભળો… કાલે કિટીપાર્ટી છે. આખી સોસાયટીની બહેનો વેકેશનમાં ક્યાં જવાની છે એ વાત કરી મને નીચી પાડવાની કોશિશ કરશે. એક કહેશે, અલી તારો વર તો બિઝનેસમેન છે. તું તો લાખોમાં આળોટે એટલે તું તો યુરોપ જ જશેને?’ તો બીજી કહેશે, તારો વર તો ખૂબ જ શોખીન છે એટલે નક્કી વિદેશગમન જ કરાવશે, ખરુંને? બધાની આંખો આપણા વેકેશન પ્રવાસ ઉપર જ હશે. એમાં હું એમ કહું કે. ના, અમે તો વેકેશનમાં ઘરે જ છીએ તો મારું તો ઠીક, તમારું કેટલું ખરાબ લાગે! મને મારાં કરતાં તમારી ઈજ્જતની વધારે પડી છે. સોસાયટીના આવી તીનપાટ જેવીઓ તમને નીચા પાડે એનાં કરતાં આજે પૂરણ પોળી ખાતાં પહેલાં સ્થળ નક્કી કરી જ દો કે વેકેશન આપણે ક્યાં પસાર કરવું છે. સૌથી વધારે મજા આવે એવું આરામદાયક આનંદદાયક સરસ ખાવાપીવા મળે એવું સ્થળ નક્કી કરી દો, જેથી કાલે કિટીપાર્ટીમાં તમારું નાક અને મારું નામ બરાબર જળવાઈ રહે. બોલો..

તો સાંભળ… સૌથી વધુ ઉત્તમ સુંદર સુખદાયક ગમતીલું અને એકપણ રૂપિયો ખર્ચાય નહીં, ઊલટાનું ત્યાંથી પાછા ફરતા આપણને બધાને કવર પણ મળે ને કપડાંલત્તાં મીઠાઈ પણ મળે. એવું મારું સસરાનું શહેર સુરત. આપણે તારા પિયર સુધી જઈશું ને લોચો ખમણ ઘારી ભૂસું ભજીયા ઊંધિયું ખાઈપીને વજન વધારીને આવશું. તારા મમ્મી-પપ્પા પણ ખુશ, ટાબરિયાં પણ નાનાનાનીથી ખુશ અને આપણે રહેવા-ખાવાનું મજા કરવાનું મહાલવાનું બધું ફ્રી ઓફ ચાર્જ. પેલી હનીમૂનની ટિકિટ આપણે આ રીતે દર વેકેશનમાં રાજાની જેમ રહીને કટકે કટકે વસૂલ કરીશું.
સાચું કહું? આપણને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. પિયરમાં જવાનું કોને ન ગમે હેં? પિયર આગળ તો યુરોપ હોય કે ગોવા કે પછી દમણ બધા જ ફીકાફૂસ. કાલની કિટીપાર્ટીમાં સી.એલ. મૂકી દેવાની જે ગામ જવું નહીં તે ગામનું પાણી શું પીવાનું, ખરુંને?

પૂરણ પોળી ખાતી વેળા સુરતની ચાર ટિકિટ અમારા એણે હાથમાં મૂકીને એ જાણે કે સ્વિત્ઝરલેન્ડની ટિકિટ કરતાં પણ વ્હાલી વ્હાલી લાગી. ખુશીની મારી મેં તો રામ જાણે કેટલી પૂરણપોળી પેટમાં…
પણ જે હોય તે, સ્વિત્ઝરલેન્ડ વાયા ચારધામ વાયા આપણા પિયર સુધી મારી ગાડી પહોંચીને જંપી. સીધી આંગળીએ ઘી ન નીકળે તો છેલ્લે આંગળી વાંકી પણ કરવી પડે. એમાં મેં કંઈ ખોટું કર્યું?
આમ પણ અમે સ્ત્રીઓ ક્યારેય ખોટું કરતાં જ નથી. પણ ક્યારેક ભાઈઓ અમને અવરોધે ત્યારે અમારે રસ્તો બદલવો પડે છે. “સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી ટેઢી કરવી પડે” અને એમાં અમે કંઈ ખોટું કરીએ છીએ. એમ તમને લાગે (ભાઈઓને) તો એ તમારી પોકળ માન્યતા છે. ક્યારેક અમારી કઠિણાઈઓ ખૂબ વધી જાય છે ત્યારે અમારે અમારી આંગળી ટેઢી કરવી પડે છે. બહેનોનાં માથે કેટલી જવાબદારી હોય છે, કેટલાય પ્રશ્નો અને કેટલીય અડચણો રોજ રસ્તો રોકીને ઊભા હોય છે.

અમે કહીએ આજે શું બનાવું? પતિદેવ કહેશે મારું માથું રોજેરોજ ખાવાનું બંધ કર, તારે જે કરવું હોય તે કર. પછી અમે તો બનાવીએ અમારી રીતે પણ જેવા જમવા બેસે એટલે એમના વાક્પ્રહારો શરુ. (જો કે અમે બહેનો એને અમૃતધારા સમજીને પી જઈએ છીએ.) તમને રાંધતા કેટલા વરસ થયા? (અમે મૌન) તમને કોઈએ રાંધતા શીખવાડેલું કે નહિ? દાળ-ભાત સાથે ભીંડા સારા નહિ જ લાગે. સાદું ગણિત પણ આવડતું નથી. અરે! બાજુમાં રહેતાં રમીલાબહેનની રસોઈની સોડમ, એમનો તડકો મારવાની રીત, એમની રસોઈનું વૈવિધ્ય, એમનું રોજેરોજનું મેનુ પણ કેટલું ઉત્તમ… અરે નહિ આવડતું હોય તો માણસે ત્યાં જઈને એમની પાસે શીખવું જોઈએ.

એમાં આપણે નાના થોડાં થઈ જવાના? (બોલવાનું બંધ કરે પછી હું સિક્સર મારું છું.)
આખરે મૌન છવાયું એટલે અમે બોલ્યાં – “કાલે તમે નહોતા ત્યારે રમીલાબહેનનાં પતિ હસુભાઈ રડતા રડતા આવેલા અને મને ખાલી વાડકો આપતા બોલ્યા – આ અમારી રમલીને રસોઈ કરતાં શીખવાડો. આજે એણે ભીંડા કાપ્યા અને ચાર પાણીએ ધોયા અને પાણી છાંટી બાફવા મૂક્યાં. તે ભીંડા એવા ચીકણા લાટ થઈ ગયા કે તવેથાની સાથે તમામ ભીંડાનો પિંડ રેસાબની ઉંચકાયો અડધો ગેસનો બાટલો પૂરો થયો, પણ ભીંડા છૂટો પડ્યો નહિ.

આજે તમે જે રાંધ્યું હોય તે આપો. મારે તો રોજનો જ ભૂખમરો છે. ગીતાબહેન તમે તો અન્નપૂર્ણા છો. મારો મિત્ર કેટલો નસીબદાર છે. પારકાં બૈરાં અને એની રસોઈ સહુને બહુ ગમે સમજ્યા? અને હા હું પણ રમલીની જેમ કાલે પાણીવાળા ભીંડા બનાવીને ખવડાવું છું. તમને એની રસોઈ બહુ ભાવે છેને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button