મુંબઈમાં 11 સ્થળે બોમ્બ મુકાયાની ધમકીનો ઇમેઇલ: વડોદરાથી ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત 11 સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકીનો ઇમેઇલ મોકલી પોલીસની દોડધામ વધારવા બદલ વડોદરાના ત્રણ જણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ અને કેન્દ્રી નાણાપ્રધાન નિર્મલા સીતારામન રાજીનામાં નહીં આપશે તો બપોરે દોઢ વાગ્યા બાદ બોમ્બબ્લાસ્ટ થશે, એવી ધમકી આરોપીઓએ ઇમેઇલમાં આપી હતી.
ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડેલા ત્રણેયની ઓળખ મોહંમદ અરશીલ મોહંમદ ઇકબાલ તુપાલા (27), તેના સાળા વસીમ રઝા અબ્દુલ રઝાક મેમન (35) અને તેના મિત્ર આદિલ રફીક મલિક (23) તરીકે થઇ હતી. મોહંમદ અરશીલે બીબીએ (બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) કર્યું છે અને તે શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરે છે. વસીમ મેમન પાનની દુકાન ધરાવે છે અને આદિલ મલિક ઇંડાંની દુકાનમાં કામ કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર મોહંમદ અરશીલે ઇમેઇલ આઇડી બનાવવા પોતાના મોબાઇલનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આદિલ મલિકે બોગસ દસ્તાવેજોને આધારે સિમકાર્ડ મેળવ્યું હતું અને બાદમાં તે અરશીલને આપ્યું હતું. ત્રણેયને મુંબઈ લવાયા બાદ વધુ તપાસ માટે એમઆરએ માર્ગ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.