મહારાષ્ટ્ર

સાંઇબાબાના દર્શને જઇ રહેલા ભાવિકોને નડ્યો અકસ્માત: ચારનાં મોત

સોલાપુર: સાંઇબાબાના દર્શન કરવા શિર્ડી જઇ રહેલા ભાવિકોની કારને અકસ્માત નડતાં ચારનાં મોત થયાં હતાં. કરમાલા તાલુકાના પાંડે ગામ નજીક તેમની કાર સામેથી આવનારા ક્ધટેઇનર સાથે ભટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી. કારમાં આઠ જણ હાજર હતા, જેમાંના ત્રણ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેયની ઓળખ શ્રીશૈલ ચંદેશા કુંભાર (56), તેની પત્ની શશિકલા કુંભાર (50), જ્યોતિ દીપક હિરેમઠ (38) અને શારદા હિરેમઠ (70) તરીકે થઇ હતી, જ્યારે આઠ મહિનાનું બાળક બચી ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના ગુલબર્ગા ખાતેના ભાવિકો સાંઇબાબાના દર્શન કરવા માટે કારમાં નીકળ્યા હતા. તેમની કાર બુધવારે વહેલી સવારે કરમાલા તાલુકાના પાંડે કામ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે બ્રિજ પર વળાંક લેતી વખતે સામેથી આવનાર ક્ધટેઇનર સાથે ભટકાઇ હતી અને બાદમાં ઊંધી વળી ગઇ હતી. અકસ્માત બાદ ક્ધટેઇનરનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન અકસ્માતની જાણ થતાં પાંડે ગામના લોકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે શારદા હિરેમઠનું કરમાલા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કારના ડ્રાઇવર શ્રીકાંત રાજકુમાર ચવ્હાણને નજીવી ઇજા પહોંચી હતી, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button