આનંદ મહિન્દ્રા પાસે માંગ્યા એક લાખ રૂપિયા તો ઉદ્યોગપતિએ આપ્યો આવો જવાબ…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજકાલ પોતાની વાત રજૂ કરવાનો, લાગણીઓ વ્યક્ત કરવાનો, પ્રતિભા અન્ય લોકો સુધી પહોંચાડવા માટેનું સશક્ત માધ્યમ છે અને દર બીજી વ્યક્તિ આજે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે એમાં બી-ટાઉનના સેલેબ્સથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ પણ થાય છે. એમાંથી કેટલાક બિઝનેસમેન એવા પણ છે કે જેઓ પોતાના ગજબના સેન્સ ઓફ હ્યુમરને કારણે પ્રખ્યાત છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ એમાંથી જ એક છે. તેઓ ફોલોવર્સને મજા કરાવવાનો એક પણ મોકો છોડતા નથી અને આવું જ કંઈક તેમણે ફરી એક વખત કર્યું હતું. એક વ્યક્તિએ આનંદ મહિન્દ્રા પાસે કંઈક એવી ડિમાન્ડ કરી હતી કે તેની ડિમાન્ડ કરતાં આનંદ મહિન્દ્રાએ તેને આપેલો જવાબ સોશિયલ મીડિયા પર વધારે વાઈરલ થઈ ગયો હતો. આવો જોઈએ શું છે આખો મામલો…
વાત જાણે એમ છે કે એક યુઝરે આનંદ મહિન્દ્રા પાસે સીધા એક લાખ રૂપિયાની માગણી કરી હતી અને તેણે એવું કારણ આપ્યું હતું કે તે આ પૈસાથી મહિન્દ્રા કંપનીના જ શેર્સ ખરીદવા માગે છે. પછી તો પૂછવું જ શું હતું, આનંદ મહિન્દ્રાએ પણ યુઝરની આ માગણીનો એવો જવાબ આપ્યો હતો કે તે ખુદ વિચારી રહ્યો હશે કે તેણે આખરે કોની સાથે પંગો લઈ લીધો.
આનંદ મહિન્દ્રાએ એ વ્યક્તિને જવાબ આપતા કહ્યું હતું કે સરજી શું કમાલનો આઈડિયા છે. તમારી હિંમત માટે તો તાળીઓ વગાડવી જોઈએ. પૂછવામાં શું જાય છે? આનંદ મહિન્દ્રાનો આ જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.
નેટિઝન્સ આ પોસ્ટ પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પોસ્ટને અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ અને વ્યુઝ મળી ચૂક્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે ભાઈનો કોન્ફિડન્સ તો જુઓ… બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું ખબર સામેવાળો કેવા મૂડમાં છે અને માની પણ જાય. જ્યારે ત્રીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે તમારા જ પૈસા તમને આપવાની વાત થઈ રહી છે સર અહીંયા તો…