ઈન્ટરવલ

જન્મદિવસ : બાળપણની યાદોને તાજી કરવાનો ઉત્સવ…

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

ઓશો કહેતા કે તમારા જન્મ પહેલાં કોઈ તમારી પરવાનગી માગવા આવેલું કે પૃથ્વી પર પધારવાનું છે… એ જ રીતે પૃથ્વી પરથી વિદાય સમયે કોઈ પૂછવા આવશે નહીં- સીધા ઊંચકી જશે. જિંદગી એ કિનારા વગરની નદી વચ્ચેનો બ્રીજ છે, જેમાં તમારા હક્કનો જન્મ અને મૃત્યુ નથી તો મારું મારું કરીને અધિકાર શેનો? મારું કશું નથી એ ભાવ પ્રગટે એ જન્મ છે અને એ જ જીવન છે. બંને અંતિમ છેડા વચ્ચે મળતાં નાનાં નાનાં સુખો સાથે આનંદ ભોગવવાનો છે, સરવાળે આ જ જીવન છે.

જન્મદિવસ- લગ્નતિથિ- પહેલો પ્રેમ-પહેલી નોકરી- પહેલો વ્યવસાય-પહેલી કાર જેવી વર્ષમાં ઘણી તિથિ ઉજવવા માટે આવે છે- ઉજવતા રહીએ….

વાત કરીએ વર્ષમાં ગયેલા જન્મદિવસની. જન્મદિવસ ઉર્ફે બર્થ-ડે ઉજવવાની મજા બધાને આવતી હોય, પણ સાથોસાથ એક વાતનું ટેન્શન થાય કે જિંદગીનું એક વર્ષ ઓછું થયું. દુનિયામાં અસંખ્ય માથાભારે મહાનુભાવો હશે કે જેમને જન્મદિવસ પર કોઇને કોઇ આવો વિચાર આવતો હશે અને એની ઉજવણી વખતે દર્દ પણ થતું હશે.

ભારતીય પરંપરા જન્મદિવસ વિશે ઉત્કૃષ્ટ છે : જે જન્મેલા છે એ મૃત્યુ પામવાના છે અને ફરી ફરી જન્મ લેવાના છે… આના જેટલો જીવંત વિચાર જગતમાં ક્યાંય નથી. આ તમારું ત્રીસમું વર્ષ હોય કે ચાલીસમું વર્ષ હોય,પણ તમારે ફરીથી એકડેએકથી શરૂ કરવાનું જ છે તો પછી સેલિબ્રેશન કરો-ઉજવણી કરોને….!

જન્મદિવસના વર્ષ અંગે એક અભ્યાસ એવું કહે છે કે નવના ક્રમમાં આવતો જન્મદિવસ ઉજવવો મહદઅંશે ગમતો નથી. ઓગણચાલીસ કે ઓગણપચાસવાળાને એવું થાય છે જિંદગીના દશકા પૂરા થઈ રહ્યા છે અને આપણે વાયા ઘડપણ થઇને મૃત્યુ તરફ ભાગી રહ્યા છીએ. જો કે મનનો આવો વ્હેમ અને ભ્રમ ભાગી નાખવો જોઈએ પણ કોણ સમજાવે? મોટાભાગે લાંબું આયુષ્ય ધરાવતી સ્ત્રીને જીવનનાં વર્ષો ગણવા કરતાં ખુશીઓ અને મળેલી ભેટમાં વધારે રસ હોય છે. નાના નાના સુખને એકઠા કરીને આનંદ ભોગવવામાં સ્ત્રીઓ સાઇકોલોજીના મતે પુરુષો કરતાં આગળ હોય છે. કદાચ પુરુષને બર્થ-ડે સેલિબ્રેશન માટે બે- ત્રણ દિવસના સમયનો ભોગ અને પૈસાનો ખર્ચ નિરુત્સાહી કરે છે. એ જ સંજોગમાં સ્ત્રીને બે- ત્રણ દિવસ એન્જોય કરવા વધારે રોમેન્ટિક લાગે છે. હા, પુરુષને પોતાના બર્થ-ડે કરતાં એમના બોસનો જન્મદિવસ વધારે વહાલો લાગતો હોય છે. હશે, આપણે શું? આપણને તો બર્થ-ડે સેલિબ્રેશન ગમે છે. તમને વીસ -પચાસ ફોન આવે- બધા મજાની વિશ કરતાં હોય તો કોને ન ગમે? ઘણાને અસંખ્ય શુભસંદેશા અથવા ફોન આવે તો મનમાં ડર લાગે છે કે ખરેખર હું લોકોના આવા પ્રેમ માટે લાયકાત ધરાવું છું? આપણી લાયકાત છે કે કેમ એની ચિંતા આપણે શું કામ કરવાની? ભલેને સામી વ્યક્તિ મને-કમને ફોન કરીને વિશ કરે આપણે તો મજા લેવી… એ ટેન્શન ભૂલી જવું કે જીવનમાં કેટલા દાયકા પસાર થઈ ગયા- હવે સમય વધારે નથી તો શું થશે? ગયેલો સમય કોઇને ય પાછો મળ્યો નથી તો આપણે એકલાએ ચિંતા કરવાની ક્યાં જરૂર છે?

મૂળ વાત, વર્ષ પૂરું થવાનું છે, ગુજરાતી રિવાજ મુજબ મહિના પહેલાં વર્ષ પૂરું થયું પણ જે ગયું એ ફરીથી પાછું આવવાનું છે? કાલે શું થવાનું છે એ પણ ખબર નથી તો વર્તમાનમાં કોઈ શુભેચ્છક કિંમતી સમય ફાળવીને આપણા જન્મદિનની ઉજવણી માટે સંદેશો આપતું હોય તો ખુશ થવું જોઈએ. પૈસા સુખ આપી શકે છે, પણ એક હદ સુધી. મોબાઈલ જન્મદિવસની યાદ અપાવી શકે, પણ જન્મદિવસ પર ગાળોનો વરસાદ તો અંગત મિત્રો જ આપી શકે! ભૂલી બિસરી યાદો તો આપ્તજનો જ યાદ કરાવી શકે… પૈસાથી એક મર્યાદામાં સુખ મળે એ પછીનો જલસો મફતમાં મળે છે, સવાલ ફક્ત મફતમાં મળતા સુખને ભોગવતા આવડવું જોઈએ. સુખ એ કંઈ ટેકનોલોજીનો વિષય નથી પણ અણધાર્યા વણનોતર્યા ધોધમાર વરસાદ જેવું છે, પૂરેપૂરા પલળો નહીં તો ચાલે , પણ જિંદગીની બારીમાંથી હાથ તો ભીંજવી શકાય… શું કહો છો?

ખુશીઓ અને નાનકડા સુખ જ માણસને સમૃદ્ધ હોવાની કલ્પનામાં રાખે છે, એ કિંમતી ક્ષણો ભોગવી લેવી. ઇન શોર્ટ- ટૂંકમાં જો તમે આનંદ વ્યક્ત કરશો તો તમારી આસપાસના પણ આનંદ ભોગવશે. કમસેકમ બધાના આનંદનો સરવાળો કરશો તો ઘરનો પ્રત્યેક ખૂણો પણ પ્રફુલ્લિત દેખાશે.

આ બધા વચ્ચે , આનંદની વાત કરતાં કરતાં એક વાતનો આનંદ એ છે કે છેલ્લા પાંચ દાયકાથી વિશ્ર્વભરમાં એક હકારાત્મક માન્યતા છે કે ‘અસંભવ’ શબ્દનો ઉપયોગ વિશ્ર્વભરમાં અડધોઅડધ થઈ ગયો છે. આ જગતમાં બધું શક્ય છે એ માનવાવાળા વર્ગની સંખ્યા વધવા લાગી છે. હકારાત્મક યુગમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે સતત નકારાત્મકતા શા માટે લાવીએ છીએ? પૃથ્વી પર રોજના લગભગ બે લાખ નવા માનવ -શીશુ રુપે પ્રવેશી રહ્યા હોવા છતાં એકલતા શા માટે અનુભવવી જોઈએ?

સામાન્ય દોસ્તી પણ જો સાત કરતાં વધારે વર્ષથી ટકી હોય તો એને કોઈ તોડી શક્તું નથી. આપણે પોતે દાયકાઓથી અડીખમ ઊભા છીએ તો આપણને કોણ તોડી શકે?

માણસ જીવનમાં આગળ વધે છે, સંપન્ન થાય છે અથવા ઉચ્ચ હોદ્દા પર સફળતાપૂર્વક પહોંચે છે , છતાં સાઇકોલોજીવાળાઓ માને છે કે બાળપણની મૂળભૂત ક્વોલિટી અકબંધ રહે છે.

માનવસ્વભાવમાં બાળસહજ લક્ષણો સંજોગો મુજબ પ્રગટ થતાં જ રહેતા હોય છે. અમુક ઉંમર પછી થતાં રોગોમાં પણ પેલા બાળસહજ લક્ષણો ભાગ ભજવતા હોય છે. આમ તો આખા વર્ષમાં જ્યારે પણ જન્મદિવસ આવે ત્યારે તમારી મૂળભૂત ક્વોલિટી યાદ કરજો. તમારી મૂળભૂત ક્વોલિટીમાં એક છે તમારી બાળપણથી શીખેલી ઉદારતા અથવા કંજુસાઈ. આ ક્વોલિટી-ગુણ થકી તમે બધા સાથે મિલનસાર છો કે નિશ્ર્ચિત વ્યક્તિઓ પરત્વે જ મમત્વ ધરાવો છો એ નક્કી કરજો. આપણે નવા વિચારો પરત્વે અથવા નવી પેઢી પરત્વે જડ બનીએ છીએ કે એમના વિચારોને આવકાર આપી શકીએ છીએ એ ચિંતન કરતાં રહેવું. ખાસ તો સ્વભાવમાં અકારણ ચિંતિત રહેવાનો ભાવ જો ક્યાંકથી અચાનક ટપકી પડે તો
એ અભ્યાસ માંગી લે એવો વિષય છે…માણસે એક ઉંમર પછી સતત બીજાને નીરખવા સાથે પોતાની પરત્વે સજાગ રહેવા સ્વનું સતત અધ્યયન કરતાં રહેવાથી જિંદગી જીવવાની મજા આવશે.
જન્મદિવસની વાત કરતાં આ ઉજજવળ ઘટના યાદ કરવા જેવી છે. પદ્મભૂષણ સન્માનિત ગિરીજાદેવીના ૮૬માં જન્મદિવસે દિલ્હીમાં કાર્યક્રમ હતો. એ ગંભીર બીમાર થઈ ગયાં. બ્લડ પ્રેશર નીચું ગયું અને પલ્સરેટમાં પણ સમસ્યા થતાં રાત્રે બે વાગે બેભાન થઈ ગયાં. તુરંત ઇમરજન્સી સારવાર હેઠળ ICU માં દાખલ કરવામાં આવ્યા. સવારે ભાનમાં આવતા ડોક્ટરે મજાકમાં ઓટોગ્રાફ માગ્યો. તમે હોસ્પિટલમાંથી રજા આપો અને ઓટોગ્રાફ લો ગિરીજાદેવીની આવી શરત મૂકી…ડોક્ટર આ સંજોગોમાં રજા આપવાની ના પાડી તો ગિરીજાદેવીએ સ્પષ્ટ જણાવ્યું કે મારો કાર્યક્રમ પહેલેથી નિશ્ર્ચિત છે. મારા શ્રોતાઓને નિરાશ કરી શકું નહીં. પોતાના જોખમ પર રજા લીધી અને કાર્યક્રમ આપ્યો…

મૂળ વાત અહીં શરૂ થાય છે. ગિરીજાદેવીએ પોતાના સાથીદારો તેમજ આયોજકોને સ્પષ્ટતાપૂર્વક સૂચના આપી હતી કે ‘કોઈએ એમની માંદગી વિશે જરાય વાત કરવી નહીં. મારો શ્રોતા મને સાંભળવા આવે છે મારી માંદગીને નહીં. મારા કાર્યક્રમમાં મારી સાધના હોય છે. શ્રોતાને મારા સંગીતને સાંભળવા રસ છે. શ્રોતાઓ સહાનુભૂતિ વ્યક્ત કરવા નથી આવતા મારા સંગીત માટે આવે છે તેથી એમને એનો આસ્વાદ મળવો જોઈએ… જો શ્રોતાઓને ખબર પડે કે હું હોસ્પિટલમાંથી આવું છું તો તે મને લાચાર નજરે જોશે, મારી કળા માટે દયા ખાશે, જે મને મંજૂર નથી..! ’

આમ બર્થ- ડે સેલિબ્રેશન શીખવાનો સૌથી શ્રેષ્ઠ પાઠ ગિરીજાદેવીએ શીખવ્યો :
‘જગતને તમારા દુ:ખમાં કોઇ રસ નથી. તમે બહુ દુ:ખ ગાશો તો સ્વજનોને છોડતાં સરેરાશ લોકો ફક્ત સહાનુભૂતિ વ્યક્ત કરશે, પણ સરવાળે સહુને તમારી વાતોમાં, તમારા આનંદમાં અને તમારી જીતમાં રસ છે. વર્ષના અંતે અને આવનારા નવા વર્ષે આનંદ ભોગવો અને આનંદ આપો, જેના માટે તમે જન્મ્યા છો….’

તમે જન્મ્યા ત્યારે કોઈ ચપટી વગાડતું ત્યારે તમે ખડખડાટ હસી પડતાં એ હાસ્ય શોધવા અને યાદ કરવા માટે કોઈ દિવસ હોય તો એ તમારો જન્મદિવસ છે, સ્કૂલમાં મિત્રોને ચોકલેટ વહેંચતા અને નવા કપડાં પહેરીને જતાં જે આનંદ થતો એ પાછો યાદ કરવાનો કોઈ દિવસ હોય તો એ તમારો વર્ષ દરમિયાન ઉજવેલો જન્મદિવસ છે. તમારી માતાએ બનાવેલો કંસાર-લાપસી કે શીરાની મીઠાશ યાદ કરવાનો દિવસ એટલે તમારો જન્મદિવસ હતો. હજી કશું મોડું થયું નથી, નવા વર્ષમાં બાળપણની યાદોને એકઠી કરીને જન્મદિવસ ઉજવીએ..

એની વે, છેલ્લા દોઢ વર્ષથી આ કોલમ થકી આપણા વચ્ચે એક સંબંધ બન્યો છે તો આજે હું ય મારો જન્મદિવસ ઉપર લખ્યા મુજબ જ ઉજવુંને?!

ધ એન્ડ :
‘ बचपन में जब रोना आता है, तो बडे बोलते है आसुन पूछो। जब गुस्सा आता है, तो बडे कहते है मुस्कुराओ ताकि घर की शांति बनी रहे। नफरत करना चाहे, तो इजाजत नहीं दी। और जब प्यार करना चाहे, तो पता चला ये साला इमोशनल सिस्टम ही गडबडा गया. काम नहीं कर रहा, काम नहीं कर सकता। रोना, गुस्सा, नफरत कुछ भी खुल के एकसप्रेस नहीं करने दिया। अब प्यार कैसे एकसप्रेस करे ?’
(ડિયર જિંદગી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…