ઈજ્જતની લિજ્જત…
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની ઈજ્જત બહુ વ્હાલી હોય છે. સામાન્ય રીતે તેને દીકરીથી પણ વિશેષ સાચવતા હોઈએ છીએં. કચ્છી ચોવક કહે છે કે: “ઈજત જી લિજત જાણે સે જાણે ‘ઇજત’ અને તેની ‘લિજત’એ બન્ને શબ્દો તો સૌના પરીચિત છે. પણ ‘જી’ એટલે ‘ની’, ‘જાણે સે જાણે’ એ શબ્દ સમૂહનો અર્થ છે: ‘જે જાણે તે જ જાણે’ બેશક, અહીં આબરૂનું મહત્ત્વ ચોવક દર્શાવે છે. સમાજમાં આબરૂ હોવી તેની પણ એક લિજ્જત છે! ઈજ્જત પણ કમાવી પડે છે!
કમાણીના વિવિધ ક્ષેત્રની કક્ષા બતાવતી પણ એક ચોવક છે: “ઉતમ ખેતી, મધ્યમ વેપાર, નફટ નોકરી નેં ફિટબુડ ભીખ હાલના સમયમાં આ ચોવક થોડી જુનવાણી જેવી લાગે પણ તેથી વ્યવસાયની કક્ષામાં કંઈ ફરક નથી પડતો! વિચારો… ખેડૂતને જગતનો તાત કહ્યો છે, આવું સન્માન વેપારી કે નોકરિયાત વ્યક્તિને ક્યારેય મળ્યું છે ખરું? ચોવક કહે છે: કમાણી માટે સૌથી વધારે ઉચ્ચ કક્ષા ખેતી ધરાવે છે, તે પછી બીજા નંબર પર આવે છે વેપાર, નોકરી તો… કરી કરી ને, નો-કરી! તેવી નફટાઈની કક્ષા પર આવે છે જ્યારે સૌથી નિમ્નકક્ષાનું કામ છે: ‘ફિટબુડ’ શબ્દ બહુ અજાણ્યો લાગશે, જેનો અર્થ થાય છે: ધિક્કાર જનક, અપમાનજનક!
વ્યવસાયની માફક જ ‘ધન’ કે કમાણીની કક્ષા પણ ચોવક બતાવે છે: કહે છે કે, “કકર પથર પાધન, સોન ચાંધી અધ ધન, અન પન સર્વ ધન, ચમ ધન નિર્ધન ‘કકર પથર’ એટલે કાંકરા અને પથ્થરા, સોન એટલે સોનું અને ચાંધી એટલે ચાંદી. ‘ધન’ એટલે ધન કે નાણાં ‘અન પન’નો અર્થ થાય છે. અનાજના છોડનાં પાન અને ‘ચમ ધન’ એટલે ચામડી, ચામડાંની કમાણી. ચોવકનો શબ્દાર્થ છે: કાંકરા અને પથ્થર (દ્વારા કમાવું) એ ‘પા ધન’ ગણાય છે. ‘પા’ એટલે અડધાથી ઓછું. સોના-ચાંદી (પાસે હોવાંકે)થી કમાણી એ ‘અધ ધન’ એટલે કે અડધા ધનિક કહેવાવું! પરંતુ અનાજ ઉગાડતાં વૃક્ષોનું વ્યક્તિ પાસે હોવું કે, તેમાંથી કમાવું એ ‘સર્વ ધન’ એટલે કે સાચું ધન છે, પરંતુ જો ચામડાંના વેપારી હોવું કે, ચર્મ સંગ્રહ હોવો એ નિર્ધન જ ગણાય છે!
સહેજ ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયાસ કરશું તો આ ચોવક સંયુક્ત પરિવારની રૂડી હિમાયત કરતી હોય તેવું લાગશે! આ રહી એ ચોવક: “કરઈ ઓસરીતા, ઓસરી અંડ.ણ તા અંડ.ણ શેરી તાં ખિલે ચોવકમાં પ્રયોજાયેલા શબ્દોના અર્થ છે: ‘કરઈ એટલે ઓરડો. ‘ઓસરી’ તો ગુજરાતીમાં પણ વપરાતો શબ્દ છે. ‘અંડણ’ એટલે આંગણું અને ‘શેરી’નો અર્થ થાય છે શેરી… ઘરની ડેલીની બહાર પસાર થતો સાંકડો પણ લાંબો માર્ગ! શબ્દાર્થ હવે સ્પષ્ટ થઈ ગયો છે… સંયુક્ત પરિવારના સભ્યો જેમ પરસ્પર સ્મિત ફરકાવતા અને હસતા રહે છે, તેમ એક ઘરનો ઓરડો, ઓસરી અને આંગણું, હંમેશાં સંયુક્ત રીતે સુખ-ચેનથી સંકળાયેલાં હોય છે. ‘ખિલે’ એટલે હાસ્ય કે સ્મિત! અને એ હાસ્ય કે સ્મિતના પડઘા ડેલીની બહાર પણ પડતા હોય છે. હાસ્ય એ અહીં સુખી ઘરની નિશાની દર્શાવે છે.
એક અદ્ભુત ચોવક છે: “કલમ કડ્છીને બરછી ‘કલમ’ એટલે કલમ. ‘કડ્છી’ રસોઈઘરમાં વપરાતું એક સાધન અને ‘બરછી’નો અર્થ એજ થાય છે, બરછી! ચોવક કહેવા એમ માગે છે કે, આપણા વિરોધીઓને હરાવવા માટેનાં એ ત્રણ હથિયાર છે! કલમથી જીતી શકાય. ‘કડછી’ શબ્દ અહીં સ્વાદિષ્ટ ભોજનના બદલે કરવામાં આવ્યો છે. સ્વાદિષ્ટ ભોજન દ્વારા તમે કોઈનું પણ દિલ જીતી શકો અને બરછીના તીક્ષ્ણ પ્રહારતો વિરોધીઓને વિંધવા માટે પ્રખ્યાત જ છે!