ઓનલાઇન અજાણ્યાથી ચેતતા રહો: એ કયાંક મોતનું આમંત્રણ ન હોય
સાયબર ઠગોના પાપે મુંબઇના એક પરિવારે કલ્પના ન કરી શકાય અને ગળે ડૂમો ભરાઇ આવે એટલું બધું સહન કરવું પડયું.
પ્રફુલ શાહ – સાયબર સાવધાની
૨૦૨૩ના ઑકટોબરમાં મીનાબહેનને દાદર રેલવે પોલીસે ફોન કરીને જણાવ્યું કે આપના પતિને એક્સિડન્ટ થયો છે અને તેમને સાયન હૉસ્પિટલમાં રખાયા છે.
મીનાબહેનના પતિ એટલે ૩૬ વર્ષના રાજુભાઇ. માટુંગામાં સરકારી નોકરી કરે. ઘરમાં પત્ની ઉપરાંત માતા અને બે સંતાન. મીનાબહેન હાંફળા-ફાંફળા ગયા તો ઘાયલ પતિ જોવા ન મળ્યા. ઊલટાનું માથા પર આભ તૂટી પડયું. કારણકે તેમને મૃતદેહની ઓળખ કરવા લઇ જવાયાં. દુર્ભાગ્યે એ મૃતદેહ રાજુભાઇનો જ નીકળ્યો.
આ કુઠરાઘાત ઓછો હોય એમ પોલીસે જણાવ્યું કે રાજુભાઇએ આપઘાત કર્યો હતો. આ માની જ શકાય એવું નહોતું. દાદર રેલવે પોલીસે તો તેઓ પાટા પર ઝંપલાવી રહ્યાં હોય એવું સીસીટીવી ફૂટેજ પણ માટુંગાથી મેળવી રાખ્યું હતું. રાજુભાઇને નહોતી કોઇ બીમારી, ટેન્શન કે આર્થિક દેવું તો પછી આપઘાત કરે શા માટે?
આ સવાલનો જવાબ રાજુભાઇએ લખેલી આખરી ચિઠ્ઠીમાં હતો.
મોટાભાગના સોશિયલ મીડિયા પર સક્રિય હોય એમ આપણા રાજુભાઇ પણ ખરા. ફેસબુક પર એક મહિલા સંપર્કમાં આવી. તેણે વાતચીતની પહેલ કરી. પછી દોસ્તી પણ થઇ ગઇ. આ મૈત્રી વચ્ચે તેણે ન જાણે કંઇ રીતે રાજુભાઇના અમુક વીડિયો મેળવી લીધા.
ત્યારબાદ એ ‘દોસ્ત’નો અસલી રંગ સામે આવ્યો, સાચી બદનિયત સ્પષ્ટ થઇ. તેણે રાજુભાઇને ધમકી આપી કે અમુક રકમ મોકલ નહીંતર તારા વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા થકી આખી દુનિયામાં ફરતા થઇ જશે. મધ્યમવર્ગનો સામાન્ય માનવી આવી ધમકીથી ગભરાઇ જ જાય ને? રાજુભાઇએ થોડી રકમ મોકલીને નિરાંતનો શ્ર્વાસ લીધો.
એ મહિલાએ ફરી પોત પ્રકાશયું: કેસ કરવાની ધમકી આપીને દિલ્હી સાયબર ક્રાઇમના એક ઑફિસરનો નંબર આપ્યો. સ્વાભાવિક છે કે આ ‘ઑફિસર’ બનાવટી હોવાનો. આ બન્નેના દબાણ અને ધમકીને વશ થઇને રાજુભાઇ થોડી-થોડી રકમ ટ્રાન્સફર કરતા રહ્યાં.
પરંતુ નોકરિયાત માણસ કયાં સુધી આ રીતે પૈસા આપતો રહે? આ ખંડણી ચૂકવવાનું અશકય બની ગયું. અત્યારસુધી બે લાખ તો આપી ચૂકયા હતા. પણ સામેવાળા પાપીઓ કંઇક સાંભળવા-સમજવા જ તૈયાર નહીં. પરિવાર અને સમાજમાં બદનામીની કલ્પનાએ જ તેમને ગભરાવી દીધા. એમાં બિચારા ન કરવાનું કરી
બેઠા.
કાશ, પહેલી જ ખંડણીની માગણી વખતે પોલીસ પાસે પહોંચી ગયા હોત તો! પોલીસે ત્રણ જણ સામે ફરિયાદ નોંધી છે. એમને જયારે જે સજા થાય એ પણ ઇશ્ર્વર સદગતના આત્માને પરમશાંતિ આપે, ને પરિવારને એમની ખોટ સહન કરવાની શક્તિ આપે.
A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
સોશિયલ મીડિયા પર જ એક જ પંક્તિ યાદ રાખો: કોઇ કોઇનું નથી રે, કોઇ કોઇનું નથી રે.