ભાજપના વલણને કારણે શિંદે-પવાર જૂથના ટેન્શનમાં વધારો: સામના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતીમાં ભાજપના યુતિ પક્ષો એનસીપી (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ટેન્શનમાં વધારો થયો છે, કેમ કે ભાજપે આગામી ચૂંટણીમાં સ્વચ્છ ચહેરાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે ત્યારે આ બંને પક્ષના મોટા ભાગના નેતાઓને આગામી ચૂંટણીમાં તક મળશે નહીં, એવો દાવો શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં કરવામાં આવ્યો છે.
સોમવારે સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે અજિત પવારે જાહેરમાં કહ્યું છે કે અમે અમારું ધર્મનિરપેક્ષ વલણ અકબંધ છે. શાહુ, ફૂલે, આંબેડકરના પ્રગતિશીલ વિચારધારાનું જતન અને ધર્મનિરપેક્ષતા અમારા પક્ષનો આત્મા છે. એનસીપી અજિત પવાર જૂથ કમળ પર નહીં, ઘડિયાળના ચિહ્ન પર ચૂંટણી લડશે એવી જાહેરાત પણ તેમણે કરી છે. ધર્મનિરપેક્ષતા માટે કોઈપણ કિંમત ચુકવવી પડશે તો ચાલશે એમ પણ અજિત પવારે કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં વૈચારિક અંધાધુંધીનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. ભાજપ હિન્દુત્વવાદી પક્ષ છે, તેની સાથે રહેલો શિવસેના (શિંદે જૂથ) પક્ષ બોગસ હિન્દુત્વવાદી પક્ષ છે. આ બંને વચ્ચે અજિત પવારનો ધર્મનિરપેક્ષ જૂથ ફસાયેલો છે, એમ સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે.
શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ક્યા નિશાન પર ચૂંટણી લડશે તે દિલ્હીમાં બેઠેલા ભાજપના ટોચના નેતાઓ નક્કી કરવાના છે. તેમાંય પાછું કલંકિત નેતાઓને અને ‘મીરચી’ છાપ નેતાઓને ઉમેદવારી નહીં આપવી એવું ફરમાન બહાર પાડવામાં આવશે તો શિંદે અને અજિત જૂથના 90 ટકા લોકો રદબાતલ થઈ જશે. ભાજપ અને તેના સાથી પક્ષોમાં અત્યારે આ જ મુદ્દે ઘુસફુસ ચાલી રહી છે. કલંકિત લોકોને ઉમેદવારી આપવી નહીં, અન્યથા અમે પ્રચાર કરીશું નહીં એવું ભાજપના મોવડીમંડળે કહ્યું હોવાના અહેવાલો સંઘ દ્વારા જ વહેતા કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બંને જૂથના મોટા ભાગના વર્તમાન વિધાનસભ્યોના પત્તાં કપાઈ જશે. આ બંને જૂથોમાં આનાથી અસ્વસ્થતા ફેલાઈ છે અને તેઓ ભાજપના રાજ્યના ટોચના નેતાઓની સાથે મૂળ પક્ષના પણ સંપર્કમાં છે, એમ પણ તેમાં કહેવામાં આવ્યું છે.